હિમાલયથી લઈને ઉત્તરીય મેદાનો સુધી અને તેનાથી આગળ, આ વર્ષે ઉનાળો દેશના મોટા ભાગોમાંથી નોંધાયેલા તાપમાનના ઊંચા રેકોર્ડ મુજબ લાંબા સમય સુધી અણધાર્યો રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ એપ્રિલ 122 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ મહિનો હતો, છેલ્લો આવો તાપ 1901માં નોંધાયો હતો. જે રેકોર્ડ પર ત્રીજી સૌથી વધુ ગરમી હતી. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાની વસંત ઋતુનું ઉનાળામાં રૂપાંતર થવાનું એક કારણ એ છે કે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું સંચય, સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ કારણ બની છે.
નવા રેકોર્ડ બનાવતાં તાપમાને દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. દેશમાં લાખો લોકોએ કામના કલાકો ઘરની બહાર જ પસાર કરવાના હોય છે. લાખો લોકો માટે ઘરની અંદર રહેવું એ વિકલ્પ નથી! છાપરા કે ફ્લાય ઓવરની છાયા તેમને આશ્રય આપે છે, કેટલાકે કામના કલાકો ઘટાડી દીધા છે અને અન્ય લોકો માટે ધંધો ધીમો છે-વિક્રમી ગરમી આજીવિકાને સળગાવી રહી છે, શાકપાન અને ફળો ગરમીનાં મારમાં સડી રહ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું સંચય ભારતના વધતા તાપમાનમાં ફાળો આપી રહ્યું છે. ઊંચા તાપમાન અને ગરમીના તરંગોનું શમન કરવું જરૂરી છે.
અતિશય ગરમી અપ્રમાણસર રીતે મધ્યમ અને ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અસર કરે છે. જેમની પાસે મોટાભાગે શ્રમ-સાધનયુક્ત નોકરીઓ હોય છે તેમને ગરમીમાં વધુ સંઘર્ષની જરૂરત પડે છે. ભારતના ઘણા ભાગોમાં આ ઉનાળામાં ગરમી પહેલાથી જ અસહ્ય બની ગઈ છે. સવારે દસ વાગ્યા પછી કામ કરવું અશક્ય બની ગયું છે. એક રિક્ષાચાલકની પીડા બયાન કરે છે કે માર્ચમાં અભૂતપૂર્વ ગરમીના મોજાં જોયા હતા, તેની કળ વળી નથી ત્યાં ગરમી અને પારો અપાર થઈ ગયાં. હવામાન બ્યૂરો દ્વારા સત્તાવાર રીતે તેના એક મહિના પહેલાં ગરમીની મોસમને માન્યતા આપવામાં આવે તે પહેલાં જ તીવ્ર ગરમીએ મેદાની વિસ્તારોમાં પરિશ્રમ કરતાં કામદારોને તેમના કામના કલાકો બદલવાની ફરજ પાડી છે. પાળી બદલવાથી કમાણી ઘટી છે પણ તેમની પાસે બીજો કયો વિકલ્પ છે?
માર્ચમાં ઉચ્ચ ગરમીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમાલયના રાજ્યોને પણ છોડ્યા ન હતા, જે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડા તાપમાનનો અનુભવ કરે છે, જે સમગ્ર દેશમાં તાપમાનમાં એકંદર વધારો સૂચવે છે. 33.10 ડિગ્રી સેલ્સિયસના સરેરાશ મહત્તમ દેશવ્યાપી તાપમાને, માર્ચે ઉનાળાની શરૂઆત કરી હતી, જે વલણ સતત સામાન્ય બની રહ્યું છે. હવામાન કચેરીએ ઓછા વરસાદને કારણે ઊંચા તાપમાનને જવાબદાર ગણાવ્યું હતું. છેલ્લા કેટલાક દાયકાઓમાં સમગ્ર ભારતમાં ઉનાળાનું તાપમાન વધી રહ્યું છે. એપ્રિલ અને જૂનની વચ્ચે ઉનાળાના મહિનાઓમાં દેશમાં હીટવેવ દિવસોનો અનુભવ થાય છે.
ભારતમાં હીટવેવના દિવસોની સંખ્યા દર દસ વર્ષે ઝડપી ગતિએ વધી રહી છે, હવામાન વિભાગ દ્વારા ચાલુ અભ્યાસ દર્શાવે છે. 1981 – 90 માં 413, 2001 – 10 માં 575 અને 2011 – 20માં 600 દિવસો ગરમ પવનના હતા. 103 હવામાન મથકો પર મોટા ભાગે અંતરિયાળ વિસ્તારોમાં અત્યંત ગરમ દિવસો જોવા મળતા દિવસોની સંખ્યા સતત વધી રહી છે તેમ અભ્યાસ દર્શાવે છે. કોટ્ટાયમ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ચેન્જ સ્ટડીઝના ડિરેક્ટર ડી. એસ. પાઇએ જણાવ્યું હતું કે આનું એક મુખ્ય કારણ આબોહવા પરિવર્તન હોઈ શકે છે. સામાન્ય મહત્તમ તાપમાનથી આત્યંતિક પ્રસ્થાન માટેના અન્ય કારણોમાં સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ અને અન્ય પરિબળો જેવા કે કોન્ક્રીટાઇઝેશન, વનનાબૂદી અને જમીનના ઉપયોગમાં ફેરફારનો સમાવેશ થાય છે.
દેશભરના લાખો લોકો સામેલ છે જેમની પાસે ઓફિસ કે ઘરેથી કામ કરવાની સુવિધા નથી. તેમનું કાર્યસ્થળ ખુલ્લામાં છે. ગરમીને પ્રતિબિંબિત કરતા ડામર રસ્તાઓ, ફૂટપાથો કે ઝાડની છાયા જે તપેલા સૂર્યથી થોડું રક્ષણ આપે છે. હાથલારી અને રિક્ષાચાલકો, ઓટો ડ્રાઇવરો, શેરી વિક્રેતાઓ, ડિલિવરી કર્મચારીઓ, બાંધકામ કામદારો, ખેડૂતો અને ટ્રાફિક પોલીસ એવા લોકોની લાંબી યાદીમાં સામેલ છે જેમને આજીવિકા મેળવવા માટે ખુલ્લામાં જવું પડે છે, પછી ભલે હવામાન ગમે તેવું હોય!
હાથલારી પર ઠંડું પાણી અને લીંબુનું શરબત વેચે છે તેઓ મેદાનમાં અને બજારમાં દેખાય છે. તરસ માટે તૃપ્તિ અલ્પ છે પણ ગરમી સાથે આ સમજૂતી કરવી પડે છે. તેમને ડિગ્રી અને સેલ્સિયસ સમજાતું નથી. હા, ઉનાળો આ વર્ષની શરૂઆતમાં શરૂ થયો એટલું જ સમજાય છે કે કામ કરવાનું બંધ કરી શકાય તેમ નથી કારણ કે પરિવારને ખવડાવવાનું છે. ભારત હવામાન વિભાગ (IMd)એ તાજેતરમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવનો નવો દાવ શરૂ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે. એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.36 ડિગ્રી વધારે હતું. જોધપુર, બિકાનેર, જયપુર અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં સખત હીટવેવ જોવા મળે તેવી શક્યતા છે. દેશમાં ઉનાળાનું તાપમાન ચિંતાજનક રીતે ઉકળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે રાજસ્થાનમાં બાંસવાડામાં 45.3 ડિગ્રી સેલ્સિયસ સૌથી ગરમ તાપમાન નોંધાયું હતું, બાડમેર 45 ડિગ્રી સેલ્સિયસ હતું.
રાજસ્થાનના લગભગ તમામ મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ગરમીનાં મોજાં વધુ તપાવશે. સામાન્ય કરતાં વધુ તાપમાનનો અનુભવ કરાવશે. મધ્ય ભારતમાં મોટા વર્ગ માટે લાંબો ઉનાળો બની રહ્યો છે. ગરમીના કારણે આજીવિકાને પણ અસર થઈ રહી છે, જેમાં ખાસ કરીને નાના ધંધાઓને ભારે ફટકો પડી રહ્યો છે. શાકભાજી અને ફૂલ વેચનારાઓને તેમના માલસામાનને તાજા રાખવામાં મુશ્કેલી પડી રહી છે. શાકભાજી અને ફળવિક્રેતાઓ ઘણાં બધાં શાકભાજીનો સંગ્રહ કરી શકતા નથી કારણ કે તે કોઈ પણ રીતે નાશવંત છે પરંતુ આ ગરમીએ તેને વધુ ખરાબ કરી દીધું છે.
ગ્રાહકો સુકાઈ ગયેલા શાકભાજી કે ફળો ખરીદતા નથી. ગરમીને હરાવવા માટે, વિક્રેતાઓ તેમની ગાડીઓને ભીની શણની થેલીઓ અને ધાબળાથી ઢાંકી દે છે, જેથી શાકભાજીને ભીનાશથી બહાર નીકળતી ગરમીથી બચાવી શકાય. બટાટા અને ડુંગળીની પેદાશોને મર્યાદિત સમય માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય પરંતુ તાજા શાકભાજી દરરોજ વેચાય છે.ભાવમાં પણ જબરો ગરમાટો છે! ઉનાળામાં નકામા અથવા સડી જતા શાકભાજી અને ફળોનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે, જેનાથી તેમનો નફો ઘટે છે પરંતુ આ વર્ષે તે વધુ ખરાબ છે. આમ તો આ થોડા મહિનામાં તેમની આવકમાં ઘટાડો થયો છે પરંતુ આ વર્ષે તેમની પાસે ભાગ્યે જ કોઈ વસંત હતી અને ગરમી હોળી પછી તરત જ આવી હતી. શાકભાજીને બદલે ઉનાળામાં દહીં-ભલ્લા, નિંબુ-શીકંજી (લીંબુનું શરબત) માંગમાં છે.
લીંબું મોંઘાં છે અને શાકભાજીનો સંગ્રહ કરવો એ એક સમસ્યા હોવાથી લોકો આ મોસમી વ્યવસાય તરફ વળ્યા છે. જ્યારે લોકો ઊંચા તાપમાન અને સૂર્યના સંપર્કમાં હોય ત્યારે હીટવેવ ડિહાઇડ્રેશન, ગરમીમાં ખેંચાણ, થાક અથવા તો હીટ સ્ટ્રોકનું કારણ બની શકે છે. પુષ્કળ પાણી પી અને માથું ઢાંકી લોકો પ્રાથમિક રાહત મેળવી રહ્યાં છે. ગંગાતટ પરના પ્રદેશોમાં ગરમી સમસ્યા સર્જે છે ત્યાં ગરમી વધતાં ઝાપટાં સાથે વરસાદ આવે છે અને વરસાદ પછી ગરમ હવા ફરી રંગ દેખાડે છે! વરસાદના કારણે તાપમાનનો પારો થોડોક નીચે આવે પરંતુ ભેજનું પ્રમાણ વધી જાય છે.
યુનાઈટેડ નેશન્સ ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જે ચેતવણી આપી છે કે ભારત અને દક્ષિણ એશિયાના અન્ય ભાગો આગામી દાયકાઓમાં વારંવાર અને તીવ્ર હીટવેવ અને ભારે વરસાદનો સામનો કરે તેવી શક્યતા છે. ગરમી પર નભે છે વરસાદનું ભવિષ્ય. સામાન્ય વરસાદથી અતિવૃષ્ટિના સંકેત સાથે ભારતીય હવામાન ખાતું કમર કસી રહ્યું છે પણ ઋતુના પ્રકોપ માટે કાયમી ઈલાજ તો આબોહવા પ્રત્યે સાવચેત રહેવાની અને કુદરતી વિજ્ઞાનને સુરક્ષિત રાખવાની છે. ભવિષ્યમાં વધુ ગરમી અકળાવે તે પહેલાં આબોહવા માટે જાગૃતિ આવશે?ઉનાળાની પ્રકૃતિ પર અસરો વિશે વિજ્ઞાન માર્ગ તો દેખાડશે પરંતુ પીડા દૂર કરવા પથ પર ડગલું તો માનવીઓએ ભરવું પડશે!