તીસરા માલે પે ડ્રેનેજ પાઈપ સે ચઢ કર જાનેકા ઔર બાલ્કનીમેં ચાર પાંચ ગમલે હૈ ઉસકે પીછે છીપ કર બૈઠને કા. આજ અપન ફૈસલા કર દેતે હૈ યહ રૂપા કા ચક્કર ક્યા હૈ?’ હું શિંદે સામે આશ્ચર્યથી જોઈ રહ્યો. એ જાત તપાસ કરી આવ્યો હતો કે રૂપાને મળવા અડધી રાતે કોઈ માણસ આવે છે. શું એ માણસ એનો પતિ છે? જો પતિ છે તો અડધી રાતે કેમ આવે છે? અને દિવસના સમયે કેમ દેખાતો નથી? શું રૂપા કોઈ ગેરકાયદે કામમાં સંડોવાઈ છે?
અગાઉ પણ રૂપા ડ્રગ સપ્લાયર સાથે સંકળાયેલી હોય એવા પુરાવા મળ્યા હતા પણ પછી એ પુરાવા નબળા પડી ગયા હતા. હવે શિંદે આ નવી વાત લાવ્યો હતો. ‘કોઈ બી હોગા, ઉસકા પતિ યા પ્રેમી – અપને કો ક્યા કરના હૈ? લે ચાય પી.’ મેં એને ચા આપતા કહ્યું. ‘અપને કો ક્યા કરના હૈ મતલબ? આધી રાત કો કોઈ મરદ રૂપા કો મિલતા હૈ મતલબ યે મામલા યા તો દિલ કા હૈ યા ફિર કોઈ ડીલ કા હૈ…’ શિંદેએ ચાનો ઘૂંટ લેતાં કહ્યું. ‘ઔર દોનો ચીજ સીરિયસ હૈ.’
શિંદે અને અન્ય કેટલાક મિત્રોએ રૂપાની અને મારી જોડી જામે છે અને અમને એક બીજામાં રસ છે એમ ન કેવળ માની લીધું હતું બલકે અમે બન્ને – હું અને રૂપા પણ એમ જ માનીએ છીએ ફક્ત દેખાવ ખાતર કબૂલ નથી કરતાં – એમ પણ માનતા હતા. આવું માને ત્યાં સુધી ઠીક પણ એવું માનીને એ લોકો કોઈ ગંભીર પગલાં લે એ વધુ પડતું હતું. જેમ કે અડધી રાતે રૂપાના ઘરે જાસૂસી કરવાની આ વાત. ‘રાત કો બારા બજે રૂપા કે ઘરકી બાલ્કનીમેં આ જાના. મેં રાહ દેખુંગા ’ શિંદેએ ચાની ખાલી પ્યાલી પાછી આપતા કહ્યું. ‘અરે! મેં ક્યોં આઉં!’ મેં આશ્ચર્યથી પૂછ્યું. ‘રૂપા કે લિયે નહીં તો મેરે લિયે આ- આધી રાત કો કુછ હો રહા હૈ તો મામલા સીરિયસ ભી હો સકતા હૈ.’ કહી શિંદે ચાલ્યો ગયો.
***
રાતે પોણા બારે શિંદેને કોસતો હું આ બિન સત્તાવાર જાસૂસી કરવા સંતોષ સોસાયટીમાં દાખલ થયો. તૂટેલા ગેટ પાસે વોચમેન ઊંઘતો હતો. રૂપા આ સોસાયટીમાં રહેતી. રૂપાના ઘર નજીક જઈ મેં નીચેથી જોયું. ત્રીજે માળે બાલ્કનીમાં અનેક છોડવાના કૂંડાં દેખાઈ રહ્યાં હતાં. એમાં શિંદે છુપાઈને બેઠો હશે? ધડકતા હૃદય સાથે મેં ડ્રેનેજ પાઈપ પર ચઢવાનું શરૂ કર્યું. પાઈપની બન્ને તરફ લોકોએ પોતાની બારીઓ અને બાલ્કનીમાં લગાડેલી ગ્રીલને કારણે બહુ આસાનીથી હું ત્રીજા માળે પહોંચી ગયો. રૂપાના ઘરનું બારણું બંધ હતું અને અંદર લાઈટ પણ બંધ હતી. હળવેથી બાલ્કનીમાં કૂદીને હું કૂંડાંઓ પછીતે સંતાઈને બેઠો અને હજી શિંદે કેમ ન આવ્યો એમ નવાઈ પામતા મેં એને વ્હોટસ એપથી મેસેજ કર્યો : મૈં પહુંચ ગયા, તુમ કહાં હો?’
એનો તરત જવાબ આવ્યો. ‘તીસરે માલે પર આ જાઓ.’ મેં લખ્યું. ‘મૈં તીસરે માલે પર હી હું.’ ‘મુઝે દિખતે ક્યોં નહીં? મૈ ભી તીસરે માલે પર ફૂલ કે ગમલો કે પીછે છુપા હું.’ શિંદેનો જવાબ આવ્યો. મેં અચરજ સાથે એ નાનકડી બાલ્કની તપાસી. મારા સિવાય કોઈ નહોતું! મેં લખ્યું. ‘મૈ ભી ગમલો કે પીછે છુપા હું… મુઝે તુમ નહીં દિખતે…’
‘ચ્યાઈલા ભલતી જ વીંગ મેં ગયા હૈ ક્યા? મેરે કો બતા બાલ્કની મેં લાલ રંગકા ચૂડીદાર સુખાને કો ડાલા હૈ ક્યા?’ શિંદેએ જવાબ આપ્યો. મેં જોયું. ક્યાંય કોઈ કપડાં સુકાઈ નહોતાં રહ્યાં. મેં શિંદેને કહ્યું કે કંઇક ગડબડ છે. શિંદેએ કહ્યું કે હું ખોટી વીંગમાં ત્રીજે માળે પહોંચી ગયો છું અને મને ઝડપથી એ હતો ત્યાં આવી જવા જણાવ્યું. કપાળ કૂટતા હું ડ્રેનેજ પાઈપ પરથી ફરી નીચે ઊતરવાની તૈયારીમાં હતો ત્યારે- – ત્યારે મેં જોયું કે એ પાઈપ પર ચઢીને કોઈ ઉપર આવી રહ્યું હતું! હવે?
હું ફસાઈ ગયો હતો. કોણ હશે એ ? કોઈ ચોર? કે મારી જેમ બિન સત્તાવાર જાસૂસ? જે હોય એ, હાલ એની સામે છતા થવામાં જોખમ હતું. આથી હું સંતાઈને જોઈ રહ્યો. એ માણસ હું સંતાયો હતો એ બાલ્કનીમાં જ હળવા પગલે આવ્યો! અત્યંત હળવેથી એણે બાલ્કનીની કાચની સ્લાઈડીંગ બારી ખસેડી અને રૂમમાં દાખલ થયો. મારી ત્યાંથી નીકળી જવાની હિમ્મત ન ચાલી. એ જોઈ જાય અને સ્વબચાવ માટે મારા પર હુમલો કરી બેસે તો! હું ચૂપચાપ સંતાઈને બેસી રહ્યો. એ માણસે અંધારા ઓરડામાં પોતાના મોબાઈલની ટોર્ચથી ઓરડો નીરખવા માંડ્યો જે હું બહારથી કાચની બારી વાટે જોઈ શકતો હતો. મોબાઈલ ટોર્ચના અજવાળે ખાંખાંખોળ કરતાં એણે અમુક વસ્તુઓ પોતાની બેગમાં ભરવા માંડી. એની હરકતો ઉપરથી એ ચોર જણાતો હતો.
શું મારા નસીબ! શિંદેના રવાડે ચઢી કારણ વગર અડધી રાતે કોઈના ઘરની બાલ્કનીમાં સંતાઈને હું એક ચોરીના ગુનાનો સાક્ષી બની રહ્યો હતો! એટલામાં અચાનક એક અણધારી ઘટના ઘટી. કમરામાં અચાનક લાઈટ થઇ! ઘર માલિક જાગી ગયો હતો! બાલ્કનીમાંથી મેં જોયું તો એક આધેડ વયનો માણસ લાઈટના સ્વીચ બોર્ડ પાસે ઊભો હતો અને ડઘાઈને ચોરી કરનાર માણસને જોઈ રહ્યો હતો. ચોરની પણ હાલત કફોડી હતી કેમ કે એ રંગે હાથ ઝડપાયો હતો અને હું પણ વિચિત્ર સ્થિતિનો દર્શક બની ગયો હતો.
ઘરમાલિકને હું ઓળખી ગયો. એ ડાહ્યાભાઈ હતા. મારા ચાના બાંકડાના નિયમિત ગ્રાહક અને રીટાયર્ડ બેન ક્લાર્ક. અચ્છા તો રૂપાનું ઘર સમજી હું આવી ગયો હતો એ આ ડાહ્યાભાઈનું ઘર હતું! સામાન્ય રીતે આવી સ્થિતિમાં ચોરને જોઈ ઘરમાલિક બૂમાબૂમ કરે અને ચોર સ્વબચાવમાં વળતો હુમલો કરી નાસી છૂટવાનો પ્રયત્ન કરે પણ અહીં ડાહ્યાભાઈએ બૂમાબૂમ કરવાને બદલે ચોરને ધીમા અવાજે પૂછ્યું : ‘ચોર?’ ચોરે આમ ધીમા સ્વરમાં પુછાયેલ સવાલથી નવાઈ પામી જવાબ આપ્યો. ‘હા, અને તમે?’ ‘હું ડાહ્યાભાઈ.’ ડાહ્યાભાઈએ ધીમા અવાજમાં જવાબ આપ્યો અને પોતાના મોબાઈલથી ચોરના ફોટા પાડવા માંડ્યા. ચોરે ધીમા અવાજમાં પૂછ્યું. ‘આપ ભી ચોર હો?’ ડાહ્યાભાઈએ આશ્ચર્યથી ચોરને જોતાં પૂછ્યું. ‘હા, તમને કઈ રીતે ખબર પડી?’ આશ્ચર્ય તો મને પણ ખૂબ થયું, ડાહ્યાભાઈ પણ ચોર છે?! રીટાયર્ડ બેંક ક્લાર્ક ચોરી કયારથી કરવા માંડ્યા? ચોરે ડાહ્યાભાઈને જવાબ આપ્યો. ‘ઇતની ધીમી અવાજમેં બાત કર રહે હો ઈસ લિયે અંદાજા લગાયા.’
‘ઓહ!’ ડાહ્યાભાઈએ ખુલાસો કર્યો. ‘એ તો મારી પત્ની જાગી ન જાય એટલે ધીમા અવાજે વાત કરું છું.’ ‘ઓકે.’ ચોરે પોતાની બેગમાંથી ડાહ્યાભાઈના ઘરનો સામાન પાછો બહાર કાઢતા કહ્યું. ‘સોરી. મૈં આપકા સામાન વાપસ કરતા હું.’ ડાહ્યાભાઈ ચોરની દરેક પ્રવૃત્તિના ફોટા પાડી રહ્યા હતા. એટલામાં શિંદેનો મેસેજ આવ્યો. ‘કાય ઝાલા? ઇધર આઓ જલ્દી સે!’ એને શું કહું? ‘આતા હું, થોડા ફસા હુઆ હું…’ એવો મેસેજ શિંદેને મોકલી હું ડાહ્યાભાઈ અને ચોરની વાતો સાંભળવા માંડ્યો. ‘સામાન ક્યોં વાપસ કર રહે હો?’ ડાહ્યાભાઈએ પૂછ્યું. ‘પકડા ગયા તો અબ ક્યા કરું?’ ચોરે વિવશ ચહેરા સાથે જવાબ આપ્યો. ‘બસ ઇતના મહેરબાની કરના, મુઝે પુલીસ કે હવાલે મત કરના ઔર-’ ‘ઔર ક્યા?’ ડાહ્યાભાઈએ પૂછ્યું.
ડાહ્યાભાઈ લગ્નપ્રસંગે દરેક પ્રવૃત્તિના ફોટા પાડનાર વ્યાવસાયિક ફોટોગ્રાફરની જેમ એ ચોરના સતત ફોટા પાડી રહ્યા હતા. ચોરે બધો સામાન ખાલી કરી નાખ્યો અને કહ્યું, ‘ચેક કર લો સા’બ. આપકા સારા સામાન વાપસ કર દિયા.’ ‘તુમ કુછ કહ રહે થે જયચંદ?’ ‘મેરા નામ જયચંદ નહીં, સુશીલ હૈ.’ ચોરે ચોખવટ કરી. ‘ઓકે સુશીલ, તુમ કુછ કહ રહે થે?’ ‘સા’બ. મેરા ફોટો ડીલીટ કર દો. દેખો મૈં યહાં સે કુછ ભી લે કર નહીં જા રહા.’ સુશીલે કહ્યું. ‘તુમ પકડે ગયે ઈસ લીયે સામાન વાપસ કર રહે હો ના?’ ‘પકડા ભી ગયા ઔર આપ બોલે આપ ભી ચોર હૈ…એક ચોર દુસરે ચોર કે ઘર ચોરી કરે યહ બરાબર બાત નહીં સા’બ.’ ‘ઠીક હૈ. પર તુમ ચોર હો. ચોરી કર રહે થે ઇસ બાત કા સબૂત મેરે પાસ હૈ.’ ડાહ્યાભાઈએ કહ્યું. ‘અબ છોડો ના સા’બ, આપ ખુદ ભી એક ચોર હો તો ફિર…’ ‘મેરી ચોરી કા સબૂત તુમ્હારે પાસ હૈ?’ ‘નહીં.’ સુશીલે કહ્યું.
ડાહ્યાભાઈએ હસીને કહ્યું. ‘તો ફિર! તુમ્હારી ચોરી કા તો મેરે પાસ સબૂત હૈ.’ ‘આપ યે સબૂત કા ક્યા કરનેવાલે હો સા’બ?’ મુંઝાઈને સુશીલે પૂછ્યું. ‘બૈઠ જાઓ. બતાતા હું.’ ‘બૈઠને કા ફુરસદ નહીં સા’બ. યે ધંધે કા ટાઈમ હૈ.’ સુશીલે વિનવણીના સ્વરમાં કહ્યું. ‘બહસ મત કરો. બૈઠ જાઓ બોલા ના?’ ડાહ્યાભાઈએ કડક સ્વરમાં કહ્યું. સુશીલ અચકાઈને બેસી પડ્યો. હું પણ નવાઈમાં પડ્યો કે ડાહ્યાભાઈ હવે શું કરવાના હશે? ડાહ્યાભાઈએ એક ફાઈલ કાઢી અને સુશીલની સામે બેસતા બોલ્યા. ‘મેરી કુછ કવિતા સુનો.’ સુશીલ અને હું બન્ને કંપી ઊઠ્યા. સુશીલ હાથ જોડતા બોલ્યો. ‘નહીં નહીં સા’બ, આપ મુઝે પુલીસ કે હવાલે કર દો પર કવિતા મત સુનાઓ…’
આગળ શું થાય છે એ જોવા ન રોકાતા મેં ઝડપથી ડ્રેનેજ પાઈપ વાટે નીચે ઊતરવા માંડ્યું.