શું બોલિવૂડે દક્ષિણની ફિલ્મોની રીમેક બનાવવાનું બંધ કરવું પડશે? એક પછી એક દક્ષિણની રીમેક બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ રહી હોવાથી આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અક્ષયકુમારની ‘બચ્ચન પાંડે’ પછી શાહિદ કપૂરની ‘જર્સી’ની નિષ્ફળતાએ ફરી એક વખત બોલિવૂડના નિર્માતાઓને સંદેશ આપ્યો છે કે દક્ષિણની જે ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન ઉપલબ્ધ છે એની રીમેક બનાવતા પહેલાં સો વખત વિચાર કરજો. દક્ષિણની નવી ફિલ્મોને હિન્દીમાં પણ ડબ કરીને રજૂ કરવામાં આવી રહી હોવાથી હવે એની રીમેકમાં દર્શકોને રસ રહ્યો નથી.
રામગોપાલ વર્માએ તો એલાન કરી દીધું છે કે રીમેક ફિલ્મોનો જમાનો પૂરો થઇ ગયો છે. દર્શકો હવે અસલ વિષયવાળી ‘પુષ્પા’, ‘RRR’ કે ‘KGF ચેપ્ટર 2’ જેવી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મો જોવા માગે છે. દક્ષિણની ફિલ્મોની રીમેક બનાવવાનો ધંધો ખોટનો સાબિત થઇ રહ્યો છે. જો તેલુગુ સ્ટાર નાનીની ‘જર્સી’ ને હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી હોત તો માત્ર રૂ.10 લાખનો ખર્ચ થયો હોત. તેના બદલે શાહિદ સાથે ફિલ્મ બનાવવાથી રૂ.100 કરોડમાં તૈયાર થઇ શકી હતી. તેની સામે એક સપ્તાહમાં માત્ર રૂ.20 કરોડ મળ્યા છે.
હવે બોલિવૂડના નિર્માતાઓ માટે દક્ષિણની ફિલ્મોની રીમેક બનાવવાનું મુશ્કેલ બની જવાનું છે કેમ કે નિર્માતાઓને ખબર પડી ગઇ છે કે હિન્દી દર્શકોને દક્ષિણની ફિલ્મોનો વિષય અને સ્ટાર બંને પસંદ આવી રહ્યા છે. અક્ષયકુમાર સૌથી વધુ રીમેકમાં કામ કરી રહ્યો છે. તે ઇમરાન હાશમી સાથે મલયાલમ ફિલ્મની રીમેક ‘સેલ્ફી’ અને તમિલની ‘રત્સાસન’ની રીમેક ‘મિશન સિંડ્રેલા’ માં કામ કરી રહ્યો છે ત્યારે તમિલ સુપરસ્ટાર સૂર્યાની ‘સુરારઇ પોટરુ’ ની રીમેક બનાવવાની જાહેરાત કર્યા પછી તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.
નવાઇની વાત એ છે કે આ ફિલ્મ હિન્દીમાં ડબ થઇને ‘ઉડાન’ નામથી OTT પર રજૂ થઇ ચૂકી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમુલો’ ની રીમેક કાર્તિક આર્યનની ‘શહજાદા’ છે. તેના ઉપર પણ ખતરો ઊભો થયો છે. અલ્લુની આ ફિલ્મનું હિન્દીમાં ડબ વર્ઝન કાર્તિકે રજૂ થવા દીધું ન હતું પરંતુ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે ઉપલબ્ધ હોવાથી જોવામાં આવી રહ્યું છે. અજય પણ અનેક રીમેક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેની ‘દ્રશ્યમ ૨’ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે ત્યારે દર્શકોએ મૂળ ફિલ્મને અંગ્રેજી સબટાઇટલ્સ સાથે જોઇ લીધી છે.
બોલિવૂડની અવગણના પછી અભિનેત્રીઓને વિકલ્પ મળી ગયો છે!
શું બોલિવૂડ કરતાં OTT પર અભિનેત્રીઓને વધુ તક મળી રહી છે? એ પ્રશ્નના જવાબમાં મિમિ, શેરની, રશ્મિ રૉકેટ વગેરે ફિલ્મો અને આર્યા, ફેમ ગેમ, દિલ્લી ક્રાઇમ વગેરે વેબ સીરિઝોના ઉદાહરણ આપીને કહી શકાય કે બોલિવૂડ ભલે અવગણના કરી રહ્યું હોય પણ OTT પર અભિનેત્રીઓને સારી તક મળી રહી છે. માધુરી દીક્ષિત અને રવિના ટંડન પછી શિલ્પા શેટ્ટી પહેલી વખત રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માં દેખાવાની છે. આ એક્શનથી ભરપૂર 8 ભાગની વેબ સીરિઝમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે શિલ્પા મહત્ત્વની ભૂમિકામાં દેખાશે.
હિન્દી ફિલ્મોની વાર્તાઓ એ પ્રકારની રહે છે કે એમાં હીરોઇનોને પોતાની પ્રતિભા બતાવવાની તક ઓછી મળતી હોય છે. OTT પર એ જ હીરોઇનોએ સાબિત કરી દીધું છે કે તેમને ઓછી આંકવામાં આવી રહી હતી. TV પર મહિલાપ્રધાન શો આવતા જ રહ્યા છે ત્યારે ત્રીજા પડદા તરીકે ઓળખાતા OTT ઉપર પણ અભિનેત્રીઓને કામ વધુ મળી રહ્યું છે એ વાતની નોંધ લેવામાં આવી રહી છે. સુષ્મિતા સેનની ‘આર્યા’ ની લોકપ્રિયતાને કારણે જ એનો બીજો ભાગ બનાવવામાં આવ્યો અને ત્રીજા ભાગની તૈયારી ચાલી રહી છે. શેફાલી શાહનું ‘દિલ્લી ક્રાઇમ’ માં કામ વખણાયા પછી ‘હ્યુમન’ માં આવી હતી. ‘કૌન બનેગી શિખરવતી’ માં લારા દત્તા, સોહા અલી ખાન, ક્રિતિકા કામરા વગેરે અનેક અભિનેત્રીઓ જોડાઇ હતી. ‘બોમ્બે બેગમ’ માં પણ ઘણી અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકા હતી.
હુમા કુરેશીએ ‘મહારાની’ થી ધ્યાન ખેંચ્યું હતું. રિચા ચઢ્ઢા ‘કેન્ડી’ થી અને રવીના ટંડન ‘અરણ્યક’ થી OTT પર આવીને પોતાનો પ્રભાવ છોડી ગઇ છે એના બીજા ભાગ પણ બનાવવામાં આવશે. નિર્માતાઓ જાણીતી અભિનેત્રીઓને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વેબસીરિઝ બનાવવામાં વધુ ઉત્સાહ બતાવી રહ્યા છે. સંજય લીલા ભણશાલી તવાયફોના જીવન પરની ‘હીરામંડી’ નું આયોજન કરી રહ્યા છે. મૃણાલ ઠાકુરની આવનારી વેબસીરિઝ ‘બાહુબલી ધ બિગનીંગ’ પણ ચર્ચામાં છે. અદિતી પોહનકરની ‘શી’ વેબ સીરિઝની ઘણી ચર્ચા થઇ હતી.