કોરોના મહામારીના બે વર્ષ પછી WHOના અહેવાલને લઈને દુનિયાભરમાં ખલબલી મચી છે. WHOનો અહેવાલ કહે છે કે, દુનિયાના મોટાભાગના વિકાસશીલ અને વિકસિત દેશોએ કોરોના મહામારીમાં મોતના આંકડા છુપાવ્યાં છે! આ ગેમમાં ભારત સૌથી આગળ છે! ભારતમાં સેકન્ડ વેવ દરમિયાન 47 લાખ મોત નીપજ્યાં હતા! જયારે સત્તાવાર આંકડો માંડ 5 લાખની આજુબાજુ છે. હાલ તો WHOના અહેવાલને ભારત સરકારે નકારી દીધો છે. કોરોનામાં મોતની ગણતરીની WHOની પદ્ધતિ સામે જ સવાલ કરવામાં આવી રહ્યાં છે.
આજથી લગભગ 29 મહિના પહેલા કોરોના રોગચાળો શરૂ થયો હતો. ચીનના વુહાનમાં કેટલાક રહસ્યમય કેસ નોંધાયા હતા. આ રહસ્યમયી બીમારીને કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવી હતી. ધીમે ધીમે કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો હતો. માર્ચ 2020 સુધીમાં વિશ્વએ ભય અને આશંકાની છાયામાં જીવવાનું શરૂ કર્યું હતું. લોકડાઉન, પ્રતિબંધો, પ્રોટોકોલ, હોસ્પિટલની અંદર અને બહાર દર્દીઓની કતારો, સ્મશાનમાં લાંબી કતારો વગેરે વગેરે. લાચારીની એ ક્ષણો હાલ તો પસાર થઈ ગઈ છે, પણ ફરી ક્યારે આવી શકે અથવા તો હવે નહીં જ આવે એ કહેવું મુશ્કેલ છે. ચીન જેવા અપવાદોને બાદ કરતાં મોટાભાગના દેશોએ મહામારીને પાછળ છોડી દીધી છે. દુનિયા નવી શરૂઆત કરવામાં વ્યસ્ત છે. પણ બે સવાલ આજે પણ ઊભાં થઈ રહ્યાં છે, જે આપણો પીછો છોડવા ક્યારેય તૈયાર નથી?
પ્રથમ સવાલ – કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શું તે વુહાનની લેબમાં બનાવવામાં આવ્યો હતો? કે કોઈ પ્રાણીથી મનુષ્યમાં ફેલાયો હતો? શું કોરોના વાયરસ જાણી જોઈને ફેલાવવામાં આવ્યો હતો? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ ચીન જઈને તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પણ જવાબ હજુ મળ્યો નથી. બીજો સવાલ – કોરોનાને કારણે મૃત્યુની વાસ્તવિક સંખ્યા સાથે સંબંધિત છે. કોરોના મહામારીને કારણે કેટલા લોકોના મોત થયા? ક્યાં સરકારો અને ક્યાં આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું છે? આ અંગે જુદી જુદી ગણતરીઓ ચાલી રહી છે. તેમાં ધ્યાન ચોક્કસ વર્ગના દેશો પર હોય છે. આ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સમગ્ર વિશ્વનું મૂલ્યાંકન રજૂ કર્યું છે.
આ અહેવાલ 5 મે, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આમાં 1 જાન્યુઆરી, 2020થી 31 ડિસેમ્બર, 2021 સુધીનો ડેટા રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં કોરોના મહામારીનું સૌથી ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. WHO નો રિપોર્ટ કહે છે કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યા સરકારી આંકડા કરતા લગભગ ત્રણ ગણી વધુ છે. એટલે કે, વિશ્વમાં ભારત જ નહીં મોટાભાગના દેશોએ રજૂ કરેલાં મોતના આંકડાઓ કરતાં ત્રણ ગણા વધુ વિશ્વમાં નોંધાયા છે. સરકારી આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં વિશ્વમાં લગભગ 63 લાખ લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. WHOનું અનુમાન છે કે વાસ્તવિક આંકડો લગભગ 1.5 કરોડ છે. એક્સેસ મૃત્યુનો આ ડેટા ચોંકાવનારો છે! કારણ કે ઘણી સરકારોએ ઓછા આંકડાઓ જણાવીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ પણ કર્યો છે.
હવે એ સમજીએ કે, ઍક્સેસ મૃત્યુની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે? ઍક્સેસ મૃત્યુ એ બે અંદાજિત સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે. પ્રથમ નંબર એ રોગચાળા દરમિયાન મૃત્યુની કુલ સંખ્યા છે. બીજો નંબર મહામારી પહેલાના સમયગાળામાં મૃત્યુની અંદાજિત સંખ્યા છે. તેને સરળ રીતે સમજીએ. એક અનુમાનિત ઉદાહરણ જોઈએ. ધારો કે 2020થી 2021 સુધી કોરોના રોગચાળો હતો. આ દરમિયાન 10 લાખ લોકોના મોત થયા હતા. પાછળ વર્ષે 2019 અને 2020માં કોઈ રોગચાળો નહોતો. આ વર્ષમાં 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો એક્સેસ મૃત્યુનો આંકડો 8 લાખ હોવાનો અંદાજ માંડવામાં આવ્યો છે.ઍક્સેસ મૃત્યુદરમાં કોવિડના કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ મૃત્યુનો ઉમેરો કરવામાં આવ્યો છે. પરોક્ષ મતલબ તે મૃત્યુ, જે કોવિડને કારણે અન્ય સમસ્યાઓના કારણે થયા છે.
અલબત્ત, કોરોનામાં આરોગ્ય તંત્ર પર દબાણ ઘણું વધી ગયું હતું. જેના કારણે અન્ય ગંભીર રોગોથી પીડિત લોકોને સમયસર સારવાર મળી શકી ન હતી અને જીવ ગુમાવવો પડ્યો હતો. કોરોના દરમિયાન રોડ અકસ્માતમાં પણ ઘટાડો થયો હતો, કારણ કે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકોને બહાર જવાની મનાઈ હતી. આ ઉપરાંત અનેક ઉદ્યોગો પણ બંધ રહ્યા હતા. જેના કારણે કામ દરમિયાન થતાં અકસ્માતો ઓછા થયા હતાં. આ તથ્યોની ઍક્સેસ મૃત્યુદર પર પણ અસર પડી હતી.
આ અહેવાલ કયા દેશો સામે પ્રશ્નો ઉભા કરે છે? અને ઍક્સેસ મૃત્યુદર ક્યાં સૌથી વધુ જોવામાં આવ્યો છે? એ જાણવાની કોશિશ કરીએ. ડબ્લ્યુએચઓ અનુસાર, ઍક્સેસ મૃત્યુદરના 84 ટકા કેસ દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકન ખંડના છે. 81 ટકા કેસ મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોમાં જોવા મળ્યા હતા. ઉદાહરણ તરીકે, ભારત સરકારના જણાવ્યા અનુસાર, 2020 અને 2021ની વચ્ચે દેશમાં લગભગ 4 લાખ 74 હજાર લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. સામે WHOનો અંદાજ આ સમયગાળા દરમિયાન 47 લાખ મૃત્યુનો છે! એટલે કે, દસગણો વધુ! આ આંકડા ચોંકાવનારાં છે.
જો WHOની વાત માનીએ તો ભારત સરકારે 90 ટકાથી વધુ મૃત્યુનો રેકોર્ડ છુપાવ્યો છે! બીજી તરફ ભારત સરકારે આ આંકડાને નકારી કાઢ્યા છે. તેમણે WHOની આકારણીની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. WHOએ હજુ સુધી ભારતની ફરિયાદોનો જવાબ આપ્યો નથી. ભારત પહેલેથી જ WHOની પદ્ધતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે, જેમાં WHOએ સ્વીકાર્યું છે કે 17 રાજ્યોનો ડેટા વેબસાઇટ અથવા મીડિયા રિપોર્ટમાંથી લેવામાં આવ્યો હતો અને તેને અંતિમ ગણતરીમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતે WHOને પણ અપીલ કરી કહ્યું છે કે, WHOએ બિનસત્તાવાર સ્ત્રોતોને બદલે સભ્ય દેશો દ્વારા જાહેર કરાયેલા સચોટ ડેટાને તેની ગણતરીમાં સામેલ કરવો જોઈએ. અલબત્ત, આ વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું? આ અંગે લાંબી ચર્ચા થઈ શકે છે. ગણતરીના મોડલ પર પ્રશ્નો ઉઠાવી શકાય છે, પરંતુ શું આ ચર્ચાઓ કે પ્રશ્નો આપણી આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરશે? કદાચ નહીં. કારણ કે સુધારણા માટે ઉદારતાની જરૂર છે. એક વખત ભારતે આઈનો જોવાની જરૂર છે. ભારતના ઘણા રાજ્યો હજુ પણ તેમનો બેકલોગ સાફ કરી રહ્યા છે. તેઓ કોરોનાથી થયેલા મૃત્યુના અપડેટ ડેટા જાહેર કરી રહ્યા છે. ઘણા રાજ્યો પહેલાથી જ કરી ચૂક્યા છે તેઓએ ડેટા અપડેટ કરવાનું હવે બંધ કરી દીધું છે. ભારત સરકારે અત્યારે WHOના રિપોર્ટ સામે સવાલો ઉઠાવવાના બદલે તેની ગંભીરતાને સમજવાની જરૂર છે. શું મોદી સરકાર સેકન્ડ વેવ જેવા આગામી પડકારો માટે સજ્જ છે ખરી? આ અહેવાલને સમજીશુ તો જ આપણે આપણી આવતીકાલને આજે સુરક્ષિત કરી શકીશું. તો જ આપણે બીજી આપત્તિ માટે વધુ સચોટ તૈયારી કરી શકીશું.
WHOના રિપોર્ટ અનુસાર, ભારત કોવિડને કારણે મૃત્યુમાં ટોચ પર પહોંચી ગયું છે. હાલમાં તે ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝિલ પ્રથમ બે સ્થાન પર છે. મૃત્યુદરમાં ભારત સિવાયના દેશોની સ્થિતિ પણ સારી નથી. મેક્સિકોમાં આ આંકડો બમણો છે. ઇજિપ્તમાં સરકારી ડેટા કરતા 12 ગણા વધુ મૃત્યુ નોંધાયા છે. પાકિસ્તાનમાં આ તફાવત આઠ ગણો વધુ છે. રશિયાનું પણ એવું જ છે. રશિયામાં લગભગ 0.8 મિલિયન મૃત્યુ નોંધાયા જ નથી. અમેરિકા જેવાં દેશમાં પણ કોરોનાને કારણે લગભગ એક લાખ મૃત્યુનો ડેટા નોંધવામાં આવ્યો જ નથી. જર્મનીમાં એક્સેસ મૃત્યુની સંખ્યા 80 હજાર છે. ચીનમાં થોડા સમયમાં જ કોવિડ મૃત્યુનો ગ્રાફ સપાટ થઈ ગયો! તેના પર પણ સવાલો ઉભા થયા છે.
ડોજિંગની આ રમતમાં લગભગ તમામ દેશો સામેલ છે. સૌથી ખરાબ વાત એ છે કે તેઓ હજુ પણ સત્યથી પીઠ ફેરવી રહ્યા છે. WHOના અહેવાલ પર મનોમંથન કરીને હવે પછીની આવી આફતો સામે લડવા માટે સજ્જ થવાને બદલે ભારતની વિવિધ એજન્સીઓ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIM), સરકારના વિભાગો WHOના આ અહેવાલ સામે નવા બહાનાઓ ઘડવામાં વધુ મહેનત કરી રહ્યાં છે. સૌથી ખરાબ સ્થિતિ આફ્રિકન ખંડમાં છે. WHOને આફ્રિકન ખંડના 54માંથી 41 દેશોનો કોઈપણ પ્રકારનો ડેટા મળ્યો નથી. આ બાબત આજે વિશ્વની પ્રગતિના દાવાઓ પર ઊંધા હાથની થપ્પડ સમાન છે. જેઓને જીવતાં હોસ્પિટલ ન મળી, હવે મર્યાં પછી ગાયબ જ કરી દેવામાં આવ્યા!! આંકડાઓ આવશે અને જશે, પરંતુ સરકારોના ચહેરા પર શરમની રેખાઓ સદા માટે અંકાઈ જશે.