આપણો નાનકડો પાડોશી ટાપુ દેશ શ્રીલંકા ફરી એક વાર હિંસા અને તનાવના માહોલમાં મૂકાઇ ગયો છે. આમ તો ત્યાં સપ્તાહોથી ચાલી રહેલી આર્થિક કટોકટીએ અગાઉ પણ હિંસાખોરી સર્જી છે પરંતુ આ વખતે નવેસરથી શરૂ થયેલી હિંસા વધારે ભયંકર છે અને તેમાં સરકાર સામેના ઉગ્ર લોકરોષનો પડઘો પડી રહ્યો છે. સોમવારે કોલંબોમાં ચાલી રહેલ સરકાર વિરોધી ધરણા પર વડાપ્રધાનના ટેકેદારોના એક ટોળાએ હુમલો કર્યો તેમાંથી વાત વણસી અને આ ઘટનાથી ભારે રોષે ભરાયેલા લોકોએ થોડી વારમાં તો તરખાટ મચાવી દીધો. સત્તા પર ચોંટેલા રાજપક્શે કુટુંબના મકાન સહિત અનેક નેતાઓના મકાનોને લોકોએ આગ ચાંપવા માંડી.
શ્રીલંકાના હાલના મુખ્ય શાસક કુટુંબ રાજપક્શેના બાપદાદાઓના સમયના મકાનને સરકાર વિરોધી દેખાવકારોએ આગ ચાંપી હતી. કોલંબોના હંબનટોટા વિસ્તારમાં આવેલ આ મકાન ભડકે બળી રહેલુ વીડિયો ફૂટેજમાં જોઇ શકાતું હતું.આ ઉપરાંત વડાપ્રધાન મહિન્દા રાજપક્શેનું કુરુનેગાલામાં આવેલ પોતાનું મકાન પણ તોફાનીઓએ સળગાવ્યું હતું. જ્યારે મહિન્દા અને ગોતાબાયાના પિતાની સ્મૃતિમાં બનાવાયેલ ડી.એ. રાજપક્શે મેમોરિયલને તો સમગ્રપણે નષ્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત શાસક પક્ષના અનેક મંત્રીઓ અને સાંસદોના ઘરોને પણ આગ ચાંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોલંબોના મેયરના ઘરને પણ આગ ચંપાઇ હોવાના અહેવાલ હતા. આ આગચંપીઓ સૂચવે છે કે લોકરોષ કેટલો વ્યાપક છે.
સરકાર વિરોધી અભૂતપૂર્વ દેખાવો પછી શ્રીલંકામાં સોમવારે અનેક સ્થળે ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા, જેમાં ભયંકર હિંસાખોરીનો સામનો કરી રહેલ રાજધાની કોલંબોમાં લશ્કર ગોઠવી દેવામાં આવ્યું હતું. ભારે તોફાનો પછી આ સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. તોફાનોમાં કુલ ચારના મોત થયા જેમાં શાસક પક્ષના એક સાંસદનો પણ સમાવેશ થાય છે. આ સાંસદ મહાશયની કારમાંથી પહેલા તો લોકટોળા પર ગોળીબાર કરાયો, વીફરેલા લોકોએ તેમની કાર ઘેરી લીધી, આ સાંસદે ભાગીને એક બિલ્ડિંગમાં આશરો લીધો, ટોળાએ આ બિલ્ડિંગ પણ ઘેરી લેતા આ સાંસદે પોતાની રિવોલ્વરથી આપઘાત કરી લીધો એમ કહેવામાં આવે છે.
સોમવારે જ્યાં ધરણાઓ ચાલી રહ્યા હતા તે સ્થળ મીનાગોગામા અને ગોતાગોગામા ખાતે સરકાર વિરોધી દેખાવકારો પર વડાપ્રધાન મહિન્દાના ટેકેદારોએ હુમલો કર્યો હતો. તોફાની ટોળાને ગોતાગોગામા ખાતે પ્રવેશતા અટકાવવા માટે પોલીસે માનવ સાંકળ રચી હતી પરંતુ આ સાંકળ તોડીને તોફાનીઓએ ગોતાગોગામા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૭૩ લોકોને ઇજા થઇ હતી. ધરણાના સ્થળે સ્થિતિને કાબૂમાં લેવા માટે લશ્કર બોલાવવામાં આવ્યું હતું.
પહેલા રાજધાની કોલંબોમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો બાદમાં તત્કાળ અસરથી આખા દેશમાં કર્ફયુ જાહેર કરવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજધાની કોલંબોમાં લશ્કરી દળો ગોઠવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં તત્કાળ અમલથી આવે તે રીતે કફર્યુ જાહેર કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાક્રમ સ્થિતિની ઉગ્રતા સૂચવે છે અને એ પણ દર્શાવે છે કે સરકારના માથાભારે ટેકેદારો વિરોધ પ્રદર્શનોને કચડવાનો પ્રયાસ કરે અને જો લોકોમાં ભારે રોષ ફાટી નીકળે તો કેવું પરિણામ આવી શકે છે.
સોમવારે સરકાર વિરોધો દેખાવકારો પર હુમલાથી જ લોકોમાં વ્યાપક રોષ ફેલાયો હતો અને વિફરેલા લોકોએ સરકારના ટેકેદારો પર હુમલા કરવા માંડ્યા હતા અને આગજની શરૂ કરી હતી. હાલ સમગ્ર શ્રીલંકામાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને સ્થિતિ ગમે ત્યારે હદબહાર વણસે તેવો ભય સેવાઇ રહ્યો છે. મંગળવારે રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે એવા અહેવાલ આવ્યા છે કે જો તોફાનો વધુ વકરે તો તોફાનીઓ પર ગોળીબાર કરવા સુરક્ષા દળોને સૂચના આપી દેવામાં આવી છે.
એક જ કુટુંબના હાથમાં શાસનના સૂત્રો હોય, તઘલખી નિર્ણયો લેવાતા હોય, લોકોની સુખાકારીને ભયંકર હદે જોખમમાં મૂકે તે રીતનો વહીવટ હોય તો વ્યાપક લોક રોષ ફાટે જ, અને હાલ શ્રીલંકામાં તેવું જ થઇ રહ્યું છે. આ નાનકડા ટાપુ રાષ્ટ્રને આમ તો હિંસાની કોઇ નવાઇ નથી. તમિલ અલગતાવાદ વચ્ચે ત્યાં વર્ષો સુધી હિંસક સંઘર્ષ ચાલ્યો હતો અને ત્યારે પણ અનેક વખત દેશવ્યાપી કર્ફ્યુ લાગ્યો હતો. હવે દાયકાઓ પછી ત્યાં દેશવ્યાપી કરફ્યુની નોબત આવી છે. આ વખતે કારણ આર્થિક મુશ્કેલી છે અને લોકો સરકાર સામે રોષે ભરાયેલા છે. ખોરાક, ઇંધણ, વિજળી વગેરેની ભારે તંગીનો સામનો કરી રહેલા લોકો અકળાઇ ગયા છે, વડાપ્રધાને રાજીનામુ તો આપી દીધું છે પણ પ્રમુખ સત્તા પર ચોંટી રહ્યા છે. લોકોની અકળામણ હજી વધુ વકરી શકે છે. જો સરકાર તાકીદે લોકોને રાહત મળે તેવા કોઇ પગલા નહીં લે તો આ ટાપુ રાષ્ટ્ર ભયંકર હિંસાની જ્વાળાઓમાં લપેટાઇ જઇ શકે છે.