નડિયાદ: ઠાસરા તાલુકાના પીપલવાડા ગ્રામપંચાયતનું વર્ષો જુનુ મકાન છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત હાલતમાં ફેરવાયું છે. ત્યારે ગ્રામપંચાયતનું મકાન નવું બનાવવામાં આવે તેવી માંગ સાથે ઠાસરા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. ઠાસરા તાલુકા પંચાયતના પીપલવાડા બેઠકના સભ્ય તેજલબેન નિતીરાજસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલી આ રજુઆતમાં જણાવ્યું છે કે, પીપલવાડા ગ્રામપંચાયતનું વર્ષો જુનુ મકાન છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત હાલતમાં ફેરવાયું છે. આ મકાનમાં બે નાના અને એક મોટો રૂમ આવેલો છે. જે પૈકી મોટા રૂમનો ઉપયોગ મિટીંગ અને ગ્રામસભા કરવા થાય છે. જ્યારે અન્ય બે રૂમો પૈકી એકમાં કમ્પ્યુટર રૂમ બનાવવામાં આવી છે.
જ્યારે બીજાનો ઉપયોગ સ્ટોરરૂમ તરીકે થાય છે. જેમાં પંચાયતના વિવિધ રેકોર્ડના પોટલા મુકવામાં આવ્યાં છે. જોકે, પંચાયતના મકાનની દિવાલો અને છતનું પ્લાસ્ટર ઉખડી ગયું હોવાથી ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકે છે. જેને પગલે પંચાયતના રેકોર્ડને નુકશાન પહોંચી રહ્યું છે. તેમજ અવારનવાર કમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રીક ઉપકરણો અવારનવાર બગડી જાય છે. જેને પગલે પ્રજાના કામ અટકી જાય છે. સાથે સાથે પંચાયતને આર્થિક નુકશાન પણ થાય છે. જો આ જર્જરિત મકાનમાં જ ગ્રામપંચાયતની કામગીરી ચાલુ રાખવામાં આવશે તો આવનાર દિવસો દુર્ઘટના સર્જાવાની પણ દહેશત છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પીપલવાડા ગ્રામપંચાયતનું મકાન નવું બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
ગ્રામજનો સાથે અન્યાય થયાંની ફરીયાદ
પીપલવાડા ગામ વસ્તીની દ્દષ્ટિએ ઠાસરા તાલુકાનું સૌથી મોટું ગામડું છે. ગામની વસ્તી 7000 કરતાં પણ વધુ હોવાથી પંચાયતમાં વિવિધ સરકારી કામકાજ અર્થે ગ્રામજનોનો સતત ઘસારો રહે છે. તેમછતાં ગામની જર્જરિત બનેલી પંચાયતનું નવિનીકરણ કરવામાં તંત્ર રસ દાખવતું નથી. બીજી બાજુ તંત્ર દ્વારા 500-1000 ની વસ્તી ધરાવતાં ગામડાઓમાં પંચાયતના નવાં અદ્યતન મકાન બનાવવામાં આવ્યાં છે. જેને પગલે પીપલવાડા ગામના રહીશો સાથે અન્યાય કરવામાં આવતો હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે.