અવિધાનનો સર્વથા ઇન્કાર કરી શકાય તેમ નથી. મહાભારતમાં અનેક સ્થાને, અનેક વાર ધર્મના વિજ્યની અને અધર્મના પરાજ્યની વાત કહેવાઈ છે. મહાભારત અવશ્ય માને છે અને કહે છે કે ધર્મનો જય અને અધર્મનો પરાજય થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વાક્ય વિધાનમાં મહાભારતનો સમગ્ર સંદેશ સમાઈ જાય છે. મહાભારત એક મહાન મહાકાવ્ય છે, વિરાટ મહાકાવ્ય છે. મહાભારતમાં શું ધર્મના જય અને અધર્મના પરાજ્યની જ વાત કહી છે ? શું મહાભારતમાં બીજું કાંઈ નથી?
મહાભારતમાં બીજું ઘણું છે. મહાભારતમાં શું છે, તેમ પૂછવા કરતાં આમ પૂછવું જોઈએ – મહાભારતમાં શું નથી ? આવા મહાન મહાકાવ્યનો પ્રધાન સંદેશ પ્રધાનતત્ત્વ, પ્રધાનદર્શન આ એક જ વિધાન ધર્મનો જય અને અધર્મનો પરાજ્ય થાય છે’. મહાભારતના અપરંપાર સંદેશમાંનો આ તો માત્ર એક સંદેશ છે. તો હવે પ્રશ્ન છે – મહાભારતનો સંદેશ શો છે ? આવશ્યક નથી કે મહાભારત જેવા આ મહાન મહાકાવ્યનો કોઈ સંદેશ હોવો જ જોઈએ. મહાભારત એટલું મહાન મહાકાવ્ય છે કે કોઈ એક સંદેશમાં સમાઈ શકે તેમ નથી. સાચી વાત તો એ છે કે મહાભારતનો કોઈ સંદેશ નથી. તો શું મહાભારત નિરર્થક છે ? ના, મહાભારત નિરર્થક નથી. મહાભારત સાર્થક છે. મહાભારતની સાર્થકતા શામાં છે ? મહાભારતની સાર્થકતા કોઈ સંદેશ આપવામાં, કોઈ બોધ આપવામાં, કોઈ વિચાર આપવામાં નથી પરંતુ મહાભારતની સાર્થકતા જીવનનું દર્શન અભિવ્યક્ત કરવામાં છે. મહાભારતમાં જીવનનું યથાશક્ય સમગ્ર દર્શન અભિવ્યક્ત થયું છે.
વસ્તુતઃ જીવનનું સ્વરૂપ અગાધ છે. ગહન રહસ્યપૂર્ણ છે.
Life is a mystery and it is to remain a mystery for ever “જીવન એક રહસ્ય છે અને આ જીવન રહસ્ય જ રહેવાનું છે.” જીવન એટલું અગાધ રહસ્યપૂર્ણ છે કે આ જીવનના સ્વરૂપને સંપૂર્ણતઃ કોઈ સમજી શકે નહિ.
આ મહાન, અગાધ અને અફાટ જીવનનું દર્શન કરાવવું – આ છે મહાભારતનું પ્રધાન કર્તવ્ય !
ભગવાન વ્યાસદેવજી મહાભારતમાં કોઈ એક જ દર્શન આપતા નથી. મહાભારત કોઈ એક દર્શનનો ગ્રંથ નથી. મહાભારતમાં તત્કાલિન સર્વ દર્શનોનો સમાવેશ થયો છે. મહાભારતમાં સાંખ્ય, યોગ, વેદાંત, પૂર્વમીમાંસા આદિ સર્વ દર્શનોનું પ્રતિપાદન થયું છે. મહાભારતમાં અધ્યાત્મવિદ્યાનું કોઈ એક જ સ્વરૂપ નથી. મહાભારતમાં તત્કાલીન સર્વ અધ્યાત્મધારાઓનો સમાવેશ થયો છે.
મહાભારતમાં યજ્ઞવિદ્યા, પ્રણવોપાસના, મંત્રવિદ્યા, યોગવિદ્યા, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ આદિ સર્વ અધ્યાત્મધારાઓનો સમાવેશ થયો છે.મહાભારતમાં માત્ર દર્શન અને અધ્યાત્મ જ નથી. મહાભારતમાં જીવનને સ્પર્શતા સર્વ વિષયોનો સમાવેશ થયો છે. મહાભારત માત્ર કોઈ એક કે બે ચાર વિષયોનો ગ્રંથ નથી. મહાભારત સમગ્ર જીવનનો ગ્રંથ છે. મહાભારત જીવનનું મહાકાવ્ય છે, તેથી જીવન સાથે સંબંધિત સર્વ વિષયોનું કથન મહાભારતમાં ઉપલબ્ધ મહાભારતમાં દર્શન, અધ્યાત્મ, ધર્મ, ઇતિહાસ, ભૂગોળ, સમાજવિદ્યા, યુદ્ધવિદ્યા, કાવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર,અર્થશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓનું અનેક સ્થાને અનેકવિધ સ્વરૂપે કથન થયું છે અને વિશદકથન થયું છે.
મહાભારતનું કેન્દ્રસ્થ તત્ત્વ શું છે ? સમગ્ર જીવનનું દર્શન !
ભગવાન વ્યાસને શું અભિપ્રેત છે ?
સમગ્ર જીવન !
મહાભારત શા માટે રચાયું છે ?
જીવનનું સમગ્ર દર્શન અભિવ્યક્ત કરવા માટે !
મહાભારતનો સંદેશ શો છે ?
જીવનનું સ્વરૂપ !
મહાભારતનો બોધ શો છે ?
જીવન !
મહાભારતમાં જીવનનો ભરપૂર સ્વીકાર થયો છે. તદનુસાર મહાભારતમાં જીવનની નિરર્થકતાનો સંદેશ નથી જ ! જીવન વિમુખતા તો મહાભારતમાં નથી જ ! ભારતીય દર્શન અને ભારતીય જીવનશૈલીમાં જીવન વિમુખતાનું તત્ત્વ બૌદ્ધો દ્વારા શરૂ થયું છે, ત્યાર પહેલાં નહીં જ ! જીવન, સમગ્ર જીવન અને જીવનને સ્પર્શતા સર્વવિષયોનું યથાશક્ય સાંગોપાંગ કથન – આ છે મહાભારતનું કેન્દ્રસ્થતત્ત્વ ! આ છે ભગવાન વ્યાસની મહાભારતની રચના કરવા માટેનું પ્રેરકબળ !
મહાભારતમાં પ્રધાન કથાધારા ઉપરાંત અન્ય આખ્યાનો, ઉપાખ્યાનો, આડકથાઓ, સંવાદો, લઘુકથાઓ આદિ પણ પારિવનાના છે. આ બધું મહાભારતમાં શા માટે સમાવિષ્ટ થયું છે ? જીવનના ભિન્ન ભિન્ન પાસાઓ, ભિન્ન ભિન્ન તત્ત્વો, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ, ભિન્ન ભિન્ન દર્શનધારાઓ, ભિન્ન ભિન્ન અધ્યાત્મધારાઓ, ભિન્ન ભિન્ન વિષયોનો મહાભારતમાં સમાવેશ કરીને જીવનનું સાંગોપાંગ અને સાદ્યંત કથન કરવા માટે આ સર્વ આખ્યાનો, સંવાદો આદિ મહાભારતમાં પ્રયોજાયા છે. ભગવાન વ્યાસ અહીં આ મહાન મહાકાવ્યમાં જીવનને સાંગોપાંગ અભિવ્યક્ત કરવા ઇચ્છે છે અને પોતાનું આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે આ મહામનીષી આ અપરંપાર ઉપકથાઓનો ઉપયોગ પણ કરે છે.
જીવનનું આટલું વિશાળ, આટલું વ્યાપક, આટલું વિશદ અને આટલું સાંગોપાંગ દર્શન વિશ્વના અન્ય કોઈ મહાગ્રંથમાં અભિવ્યક્ત થયાનું જાણ્યું નથી ! તેથી જ મહાભારત વિશે કહેવાયું છે વિશ્વમાં જે કાંઈ છે, તે સર્વ અહીં છે અને અહીં નથી, તે ક્યાંય નથી ! મહાભારતનું કેન્દ્રસ્થ તત્ત્વ છે જીવન ! મહાભારતનો વિષય છે મહાભારતમાં કઈ વિદ્યાનો સાંગોપાંગ વિચાર થયો છે ? જીવનવિદ્યાનો ! જીવનવિદ્યાનો ! જીવનવિદ્યાનો ! જીવન. ભગવાન વ્યાસ જીવનવિદ્યાના સમર્થ જ્ઞાતા છે. તદનુસાર ભગવાન વ્યાસ અહીં આ મહાન ગ્રંથમાં જીવનવિદ્યાના પોતાના સાંગોપાંગ જ્ઞાનને સાંગોપાંગ સ્વરૂપે અભિવ્યક્ત કરે છે. મહાભારતમાં જીવનવિદ્યાનું સાંગોપાંગ કથન છે. જીવનવિદ્યાનું ક્ષેત્ર એટલું વ્યાપક છે કે જીવન સાથે સર્વ વિદ્યાઓનો તેમાં સમાવેશ થાય છે. મહાભારતમાં જીવનવિદ્યાનું કથન છે તદનુસા૨ મહાભારતમાં જીવન સાથે સંબંધિત સર્વવિદ્યાઓનું કથન થયું છે.
આ યાદી હજુ લંબાવી શકાય તેમ છે. હવે આપણી સમક્ષ એક એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ સર્વ વિદ્યાઓનું કેન્દ્ર ક્યાં છે અને તદનુસાર મહાભારતમાં વિશેષતઃ કઈ વિદ્યાનું કથન છે ? સામાન્યતઃ મહાભારતમાં બધી જ વિદ્યાઓ છે. તે બરાબર છે, પરંતુ મહાભારત વિશેષતઃ કઈ વિદ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર મહાભારતમાં જ છે.
अध्यात्मविद्या विद्यानां
श्रीमद् भगवद्गीता : १०-३२, भीष्मपर्व : ३४-३२
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે “સર્વ વિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.’ આમ મહાભા૨તમાં જ ભગવાન શ્રીકૃષ્ણ સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યાને પોતાની વિભૂતિ ગણાવે છે. આનો અર્થ એમ થયો કે જીવન સાથે સંબંધિત સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા કેન્દ્રસ્થાન ૫૨ છે. અર્થાત્ સર્વ વિદ્યાઓની પણ વિદ્યા છે. ભારતનો આત્મા જ અધ્યાત્મ છે. અને તદનુસા૨ મહાભારતનો આત્મા પણ અધ્યાત્મ છે. આમ આ મહાન ગ્રંથ મહાભારતની કેન્દ્રસ્થ વિદ્યા છે અધ્યાત્મવિદ્યા.