આપણે ગાઇએ છીએ કે અન્ન તેવો ઓડકાર, પાણી તેવી વાણી, શરીરને આપણે જીવન જીવવાનું માધ્યમ માનતા હોઇએ તો તેમાં ભોજનનું મહત્ત્વ આપણે સ્વીકારવું જ રહ્યું. તે સાથે જેવો ખોરાક તેવી અસર આપણને સ્પષ્ટ અનુભવાશે. તામસિક ખોરાક આપણા તામસમાં અને સાત્ત્વિક ખોરાક આપણા સત્ત્વમાં ઉમેરો કરે છે તેથી જીવનમાં ભોજનનું મહત્ત્વ અગત્યનું છે. ખોરાક તો માનવી અને પશુ બંનેની પ્રાથમિક જરૂરિયાત છે પણ માનવીએ એક ડગલું આગળ મૂકયું છે. એના ખોરાકમાં અન્ન સાથે જ્ઞાન પણ સમાયેલું છે. વાંચનથી એ વિસ્તરે છે અને જિજ્ઞાસામાંથી એ જાગે છે. પ્રાણીમાત્રથી માનવી અહીં ચઢે છે. બુધ્ધિની કયારીઓમાં એ જ્ઞાનને ઉગાડે છે એ જ્ઞાન વિવિધ પ્રકારનું અને વિવિધ સ્વરૂપનું હોય છે. બધું જ જ્ઞાન બધા જ માનવીઓ પચાવી શકે અર્થાત્ તેના મૂલ્યોને ધારણ કરી શકે છે તેવા માનવીઓ આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મબળથી બલિષ્ઠ બને છે.
શરીરને જેવા ભોજનની આદત પાડીએ તેવી જ રીતે મનને જેવા ખોરાકની ટેવ પાડીએ તેવી પડે. શરૂઆતથી જ આપણે આપણા મન-બુદ્ધિને નકારાત્મક વિચારો જ આપતા રહીએ અર્થાત નકારાત્મક વિચારોના બીજ રોપતા રહીએ તો પછી તેમાં આપણે સકારાત્મક ફળદાયી પાકની આશા કેવી રીતે રાખી શકીએ? જેવી રીતે ખોરાકની ટેવવાળા પેટને કોક દિવસ ઉપવાસ કરાવી આરામ આપીએ છીએ તેવી જ રીતે મન-બુદ્ધિને પણ નકારાત્મક વિચારોથી દૂર રાખીને સકારાત્મક ઇશ્વરીય જ્ઞાનયુકત વિચારોનું સિંચન કરવાથી મન વધુ ને વધુ સ્વચ્છ અને શુધ્ધ બનતું જશે. જે કાળક્રમે ઇશ્વરીય બળ સાથે સમર્થ સંકલ્પનું રૂપ બનતું અનુભવાતું જશે.
કેટલાક સમજે છે કે ભોજન બનાવવું એ સાધારણ કામ છે પણ એવું નથી એમાં તો સેવાભાવ, કુટુંબભાવ સમાયેલો છે. આ સેવાભાવથી અનેકોના દિલથી દુઆઓ મળતી જ રહે છે. ભકિતમાર્ગમાં ‘કૃષ્ણાર્પણ’નો મંત્ર ઉચ્ચારીને ભોજનનો ભોગ ભગવાનને લગાવીએ છીએ. ભોજનને સદા પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર કરવાનો અભ્યાસ કરીએ. પ્રસાદનો એક સાદો અર્થ એ થાય છે કે ‘પ્ર’ એટલે પ્રભાનો ‘સા’ એટલે સાક્ષાત ‘દ’ એટલે દર્શન જેમાંથી થાય છે એવું ભોજન પ્રસાદ બની જાય છે. જે સર્વને વહેંચીને ખાવાનો મહિમા છે. કહેવાય છે કે યોગી, જોગી, રોગી અને ભોગીનું ભોજન અલગ-અલગ હોય છે અને તેથી તેના જીવનમાં કર્મના બંધનો દ્વારા સુખ-દુ:ખના પરિણામો ભોગવે છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે અનાજ-શાકભાજી અને ફળફળાદિના શાકાહારી પદાર્થોની જરૂર પડે છે તેવી જ રીતે આત્માના ભોજન માટે મનબુધ્ધિને હંમેશાં આત્મિક ભોજન આપવું પડે. આ આત્મિક ભોજન ઇશ્વરીય જ્ઞાનના સત્સંગથી મળે, દિવ્ય ગુણોને જીવનમાં ધારણ કરવાથી મળે છે એની સરળ વિધિ છે સ્વયંને શરીર નહીં પરંતુ આત્મ સ્વરૂપ સમજીને આત્માના પિતા પરમાત્મા શિવ જે સત્યમ્ શિવમ્ સુંદરમ્ છે તેના સાનિધ્યથી, આત્માનું ભોજન મળતું અનુભવાશે.
એવું પણ ગાયન કરીએ છીએ કે ‘જેવું અન્ન તેવું મન’. ભોજન બનાવનાર વ્યકિતની મનોવૃત્તિઓનો ભોજન ઉપર ઘણો ગહન પ્રભાવ પડે છે. સતોગુણી વૃત્તિથી બનાવેલું ભોજન અર્થાત પરમાત્માની યાદમાં બનાવેલું ભોજન સ્વીકારવાથી મનની વૃત્તિઓ સાત્ત્વિક બને છે. ભોજન બનાવનાર વ્યકિતના સંકલ્પો આમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્વાદિષ્ટ ભોજન અર્થાત્ જેમાં પ્રભુપિતાની યાદ સમાયેલી હોય. જેમાં ઇશ્વરના સ્નેહની સુગંધ હોય, હોટલમાં બનાવેલા ભોજનમાં આવા સ્નેહનો સદંતર અભાવ હોય છે. એટલે કહેવાય છે કે માના હાથની બનાવેલી સૂકી રોટલીમાં જે પ્રભુભાવના સમાયેલી છે અને એમાં જે અનેરો આનંદ મળે છે તે હોટલના ભોજનથી મળતો નથી.
મિત્રો ચાલો આપણે જીવનને ટકાવી રાખવા, શરીરને તંદુરસ્ત રાખવા સાત્ત્વિક શાકાહારી ભોજન રોજ ભલે સ્વીકારતા રહીએ પરંતુ સાથે-સાથે મન-બુદ્ધિને આત્મિક ભોજન પણ આપવું પડશે. તો જ મન પણ તંદુરસ્ત રહેશે અને તન પણ તંદુરસ્ત રહેશે. આવા તન અને મનની તંદુરસ્તી માટે આપણે હંમેશાં સજાગ રહેવું પડશે અને એવી સજાગતા આપણા સ્નેહીજનોને પણ આપવા માટે પ્રેરણાસ્ત્રોત બનીએ એવી શુભકામના સાથે ઓમ શાંતિ.