વડોદરા: વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ૩૪ સ્મશાન પૈકી મોટાભાગના સ્મશાન ગૃહ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. વાડી ગાજરાવાડી સ્થિત ગાયકવાડી શાસનનું રામનાથ સ્મશાન પણ અત્યંત દયનીય સ્થિતિમાં છે. ૭૦ વર્ષ જૂના ગાયકવાડી શાસનના રામનાથ સ્મશાનમાં તમામ સુવિધા સુંદર બનાવવામાં આવ્યું હતું.જોકે વડોદરા મહાનગર પાલિકાના સત્તાધિશોની અવગણનાને કારણે ગાયકવાડી શાસનનું સ્મશાન ધામ હાલ અગવડતાઓનું અંતિમધમ બની રહ્યું છે.અત્યારે સ્મશાનમાં પારાવાર સમસ્યા છે ખાસ કરીને ૧૬ વર્ષથી સ્મશાનમાં ગેસ સીતા બંધ છે. રીપેરીંગ નામે ચીતાને બંધ રાખવામાં આવી રહી છે. અગાઉ રામનાથ સ્મશાનમાં લાકડાં મફત મળતા હતા પરંતુ તે પણ હવે બંધ કરી દેવાયા છે.
રામનાથ સ્મશાન ગાયકવાડના સમયથી બનેલ છે જેમાં અનેક સુવિધાઓ હતી પરંતુ તેનો પણ ધીમે ધીમે એકડો નીકળી ગયો છે. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત પછી પણ તંત્ર સ્મશાનમાં રીનોવેશન પાછળ ખાસ ધ્યાન અપાતું નથી. પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવતા લોકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ખાસવાડી સ્મશાનની જેમ ગાયકવાડી શાસનમાં બનેલ ૭૦ વર્ષ જૂના રામનાથ સ્મશાનના પણ નવીનીકરણની માંગ ઉઠી છે. ત્યારે જીર્ણોદ્ધાર જગતા રામનાથ સ્મશાનની કાયાપલટ થશે ખરી?
૭૦ વર્ષ પુરાણા રામનાથ સ્મશાન પ્રત્યે દુર્લક્ષતા દાખવવામાં આવી રહી છે
ગાયકવાડના સમયમાં બનેલ ઐતિહાસિક રામનાથ તળાવ પાલિકાના અનઘડ વહીવટને કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યું છે.જે અંગે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું .તેઓએ જણાવ્યું હતું કે ૭૦ વર્ષ જૂના રામનાથ સ્મશાન પ્રત્યે દુર્લક્ષતા સેવાઇ હતી જેના પરિણામે આત્યરે સ્મશાન ખરાબ સ્થિતીમાં છે ત્યારે ખાસવાડી ની જેમ રામનાથ સ્મશાનનું પણ નવનીકરણ કરવું જોઈએ અને એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.ઉપરાંત ધારાસભ્યએ ગ્રાન્ટમાંથી પણ રામનાથ સ્મશાન નવનીકરણ માટે નાણાં ફાળવવાની તૈયારી બતાવી હતી.
સો વખત કીધું, અંતિમ ક્રિયામાં માટે તો કંઇક કરો : ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ વિપક્ષી નેતા
રામનાથ સ્મશાનની દયનીય સ્થિતિ અંગે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે મેં પાલિકા તંત્રને સો વાર કીધું હતું કે અંતિમ ક્રિયા માટે તો કંઈક કરો, લોકો અંતિમ સંસ્કાર માટે આવે છે ત્યારે તેમને અનેક મુશ્કેલીઓ પડે છે રામનાથ સ્મશાનમાં દર વર્ષે રીનોવેશનના નામે રૂપિયા ખવાય છે.સ્મશાનમાં બકરી, ગાયો કુતરાઓ ઘૂસી આવે છે.પાર્કિગની જગ્યા પર દુકાનો બની ગઈ છે.તળાવ જે સુંદરતા હતું એ પણ ગંદુ થઈ ગયું છે અને પુરાઈ ગયુ છે.
સ્મશાન પાછળ આવેલું તળાવ પણ પુરાઇ ગયું
રામનાથ સ્મશાન પાસે તળાવ છે. ગાયકવાડી સમયમાં અંતિમ ક્રિયા બાદ સ્વજનો તળાવમાં સ્નાન કરી ધાર્મિક વિધિ પણ કરતા હતા.જોકે પાલિકાની બેદરકારીથી તળાવ પૂરાઇ ગયું છે અને તળાવમાં હવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
પીપીપી ધોરણે રામનાથ સ્મશાનનું પણ રીનોવેશન શરૂ કરાશે
રામનાથ સ્મશાનની વર્તમાન સ્થિતિ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રામનાથ સ્મશાનનું પણ નવનીકરણ હાથ ધરવામાં આવશે. પીપીપીના ધોરણે રામનાથ સ્મશાનનું આધુનિકરણ થશે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને આવનાર સમયમાં લોકભાગીદારીથી રામનાથ સ્મશાનના રીનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
રામનાથ સ્મશાન નજીક દબાણો થઈ ગયા છે
રામનાથ સ્મશાનમાં સમસ્યાઓ અનેક છે. પણ સ્મશાનની આજુબાજુમાં દબાણો પણ ગાયકવાડી સમયના સ્મશાનની સુદરતાને ગ્રહણ લગાડી રહ્યા છે. સ્મશાન ફરતે અનેક દબાણો ખડકાઇ ગયા છે જે અંગે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાનું તંત્ર દબાણ દૂર કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે