Vadodara

દુકાન માલિક વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટેની માંગ

વડોદરા : વડોદરાના જ્યૂબિલિબાગ બહાર પાલિકાની ભાડાપટ્ટે આપેલી દુકાનો આવેલી છે.જે દુકાનો પૈકી ચોઈસ ક્રોકરી એન્ડ ગિફ્ટ નામની દુકાનના માલિક જીગ્નેશ ઠક્કર દ્વારા પોતાની દુકાનને પહોળી લાંબી કરવા માટે જ્યુબિલીબાગમાં ખાડો ખોદી એક્સ્ટેંશન ની કામગીરી કરવામાં આવતા વિવાદ થયો હતો.અગાઉ આ મામલે કાઉન્સિલર દ્વારા મેયર ને રજૂઆત કરવામાં આવતાં મેયરે કામગીરી બંધ કરાવી હતી.સમગ્ર મામલે દુકાનના માલિક જીગ્નેશ ઠક્કરે માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડની ભલામણથી પાલિકા પાસે લાગત ભરી મંજૂરી મેળવી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી.હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ત્યારે પાલિકાના હોદ્દેદારોએ પીછેહઠ કરી છે.આજે દુકાનના વેપારી જીગ્નેશ ઠક્કરે રોડા છારૂ નાખી ખાડો પુરવાની તજવીજ હાથધરતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વીરેન રામી તેમજ સાથી હોદ્દેદારો સ્થળ પર પહોંચ્યા હતા.અને દુકાનના વેપારી જીગ્નેશ ઠક્કર ને બાગની ફળદ્રુપ માટી કયાં ગઈ,પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર પોતાની દુકાનનું વધારાનું બાંધકામ કરવા માટે ખાડો કોની પરવાનગીથી ખોદયો તેવા સવાલો પૂછી ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમજ ખાડામાં ઊભા રહી માટી સગેવગે કરનાર દુકાનદાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવા માંગ કરી હતી.

બીજી તરફ સ્થાનિક વોર્ડ કચેરીના એએમસી અને વોર્ડ અધિકારી દ્વારા પણ આ દુકાન માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે.બીજી તરફ જ્યૂબિલિબાગ જમીન પ્રોપટી કાર્ડમાં કલેક્ટર સરકાર માલિક અને ભોગવટામાં પાલિકા છે.સરકારની જગ્યામાં એંક્રોચમેન્ટ કરી 80 ટ્રક જેટલી માટી ખોદી જતા દુકાનના વેપારી સામે લેન્ડગ્રેબિંગનો કેસ કેમ નહીં તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. જ્યારે સમગ્ર બનાવે પાલિકાના મેયર,અન્ય હોદ્દેદારો તેમજ કલ્પેશ પટેલે પણ આ મામલે પીછેહઠ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જોકે ગુજરાત મિત્ર દ્વારા આ મામલે મેયર કેયુર રોકડીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.પરંતુ તેમણે આની પાછળ સાચું તથ્ય શુ છે તેવી સચોટ માહિતી નહીં આપવા માટે કે પછી વટાણા વેરાઈ જશે તેવી વાતથી ફોન ઊંચકવાનું ટાળ્યું હતું.

જે કોઈ અધિકારી હશે કે સ્થાયીના સભ્ય હશે તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે
જ્યુબિલિબાગ ખાતે વેપારી દ્વારા કોર્પોરેશનની જમીન પચાવી પાડવાના કિસ્સામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેદ્ર પટેલે જણાવ્યું હતું કે  વેપારીને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ મામલાની ફાઇલ અમારી પાસે આવી છે.ત્યારે અમે સમગ્ર મુદ્દે તપાસ કરીશું.આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પગલાં ભરવામાં આવશે.જે પણ અધિકારી અથવા સભ્યો હશે તેની સામે પણ પગલાં ભરીશું.      – ડો.હિતેન્દ્ર પટેલ,સ્થાયી અધ્યક્ષ

આ કોઈ ભાજપનો બાગ નથી,સર સયાજીરાવ ગાયકવાડે કોર્પોરેશનને આપેલી અમૂલ્ય ભેટ છે 
ભાજપે શહેરની અંદર જ્યાં ને ત્યાં ભ્રષ્ટાચાર કરેલા અનેક કિસ્સાઓ છે.પછી રોડ,ડ્રેનેજ હોય કે પાણીની લાઈનો હોઈ.તેવામાં આ નવો કિસ્સો ઉજાગર થયો.જ્યુબિલીબાગની અંદર થયેલું લેન્ડગ્રેબિંગ.આ જમીન મહારાજા સયાજીરાવે જે તે સમયે ગાર્ડન તરીકે આપી હતી.કે નહીં તમે આવી રીતે કોમર્શિયલ ઉપયોગ કરો.આ ભાજપનો બાગ નથી.કોર્પોરેશનને સયાજીરાવ ગાયકવાડે આપેલી અમૂલ્ય ભેટ છે.જો એક ઈંચ પણ જમીન જશે તો આમ આદમી પાર્ટી રોડ પર આવી આંદોલન કરશે.   -વીરેન રામી ,પ્રમુખ આપ

મારી પાસે પરવાનગી છે, 70થી 80 ટ્રેક્ટર માટી નીકળી,મિલીનભાઈ કોન્ટ્રાકટર ભરી ગયા
મારી દુકાનમાં ભેજ આવતું હતું.મંજૂરીથી કર્યું છે.મિલીનભાઈ કોન્ટ્રાક્ટરે ખાડામાંથી માટી મોકલી છે.મેયરે ખાડો પુરવા પરવાનગી આપી એટલે ખાડો પુરીએ છે.આ ખાડા માંથી 70 થી 80 ટ્રેક્ટર માટી નીકળી છે.દંડ તો નહીં ભરુ,50 હજારની નોટિસ આવી છે.મારા વકીલ જોઈ લેશે.ટાઉનપ્લાનીંગ માંથી કાગળ આવ્યું હતું.અને વોર્ડ ઓફિસ માંથી પરવાનગી લેવાની હતી.ચેક ભર્યો,કોર્પોરેશનનો 62,500 ચાર્જ હતો.તે અને જે ભાડું છે તે ભરવાનો.અમે સીદા સાદા વેપારી માણસ છે.પરમિશન આયા પછી કામ ચાલુ કર્યું.પાછું ત્યાંથી આયુ કે બંધ કરો એટલે સ્વૈચ્છિક બંધ કરવા જઈએ છે.મારી પાસે પરવાનગી છે.:         -જીગ્નેશ ઠક્કર, ચોઈસ ક્રોકરી એન્ડ ગિફ્ટ,માલિક

Most Popular

To Top