વડોદરા : છોટાઉદેપુરના બનાવટી ચલણી નોટોના ગુનામાં પકડાયેલો કુખ્યાત શાર્પશૂટર અનીલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તા સાથે શહેરની સયાજી હોસ્પિટલમાં પાઈલ્સની સારવાર અર્થે લવાયો હતો. ત્યારે પોલીસ સાથે સાંઠગાંઠ કરી લેતા તેને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી તે પોલીસને ચકમો આપી પલાયન થઈ ગયો હતો. એક સમયનો ગેંગસ્ટર મુકેશ હરજાણીનો ખાસ માણસ ગણાતો અનીલ ઉર્ફે એન્થોની વિરૂદ્ધ થોડા સમય પહેલા જ છોટાઉદેપુર જિલ્લામાં એક વ્યક્તિ પાસેથી ભુસુ ઉધારમાં લઈ જઈ તેની સામે બનાવટી ચલણી નોટો પધરાવી દેવાના મામલે ગુના નોંધાયા હતા.
આ મામલે છોટાઉદેપુર એસઓજીની ટીમે ગત ફ્રેબ્રુઆરી મહિનામાં અનીલ ઉર્ફે એન્થોનીને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન તેને છોટાઉદેપુરની જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. ત્યારે અનીલ ઉર્ફે એન્થોનીને પાઈલ્સની બીમારીના કારણે સારવાર અર્થે છોટાઉદેપુરના એક પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના ચાર કર્મચારીઓ સહિત શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે શુક્રવારે સવારમાં લવાયો હતો. જોકે સારવાર બાદ અનીલ ઉર્ફે એન્થોનીએ જાપ્તાની પોલીસ વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાં તેના પરિચીતોને મળવા લઈ જવાયો હતો.
જેમાંથી બે મહિલા હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારે આ દરમિયાન જ હોટલમાં જઈ અનીલ ઉર્ફે એન્થોની જાપ્તાની પોલીસને ચકમો આપી પલાયન થઈ ગયો હતો. કુખ્યાન આરોપી ફરાર થઈ જતા છોટાઉદેપુર પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જોત જોતામાં એકાએક શહેરની પોલીસના ઉચ્ચ અધીકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સીસીટીવી વગેરેની તપાસ કરી અન્ય સોર્સીને કામે લગાડી તેની ખોજ આરંભવામા આવી હતી. પરંતુ મોડી રાત સુધી પણ અનીલ ઉર્ફે એન્થોનીની કોઈ ભાળ ન મળી હોવાનું જાણવા મળ્યુ હતું.
અગાઉ પોલીસ પર હુમલો કરી સયાજી હોસ્પિટમાંથી ફરાર થયો હતો
અનીલ ઉર્ફે એન્થોનીને ગત વર્ષ 2020ના મે મહિનામા શહેર પોલીસ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં પકડવામાં આવ્યો હતો હતો. ત્યારે કોરોનાના ટેસ્ટ માટે તેને સયાજી હોસ્પિટલમાં ખાતે લવાયો હતો. અને તે દરમિયાન જાપ્તાના કર્મચારીઓ ઉપર અનીલ ઉર્ફે એન્થોનીએ હુમલો કરી મધરાત્રે ભાગી છુટ્યો હતો. જોકે પોલીસે તેને ઝાલોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેવામાં હવે ફરી એકવાર કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે શહેરની પોલીસ સહિત અનેક ટીમોએ તેને પકડી પાડવા દોડધામ કરી મુકી છે.
ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યા પ્રકરણમાં સંડોવણી સામે આવી હતી
શહેર સહિત પુરે પુરા રાજ્યમાં ગેંગસ્ટર મુકેશ હરજાણીએ ખુબ મોટુ નામ કર્યુ હતું. એ સાથે તે રાજ્યનો લીકર કીંગ કહેવામાં આવતો હતો. રાજ્યમાં મોટા ભાગનુ ગેરકાયદે દારૂનું નેટવર્ક તેના દ્વારા ચલાવામાં આવતુ હતું. બીજી બાજુ ગંભીર પ્રકારના ગુનાઓ તેના દ્વારા અને તેની મારફતે કરવામાં આવતા હતા. જોકે આ દરમિયાન અનીલ ઉર્ફે એન્થોની તેનો ખાસ માણસ ગણાતો હતો. અને સાથે જ તે મુકેશ હરજાણીનો શાર્પશુટર પણ માણવામા આવતો હતો. તેવામાં વર્ષ 2016માં મુકેશ હરજાણીની હત્યા કરી દેવાઈ હતી. અને તે બનાવમાં અનીલ ઉર્ફે એન્થોનીનું નામ ખુલ્યુ હતું. જોકે તે કેસમાં અનીલ ઉર્ફે એન્થોની નીર્દોષ સાબીત થયો હતો.
કુખ્યાત ગેંગસ્ટરના જાપ્તામાં 4 પોલીસ સહિત બે મહિલા પણ શંકાના દાયરામાં
ખૂન,ચોરી,લૂંટ,ધાડ, ખંડણી, ઠગાઇ,દારૂ, ગેર કાયદેસર હથિયાર રાખવા તથા બનાવતી ચલણી નોટો ના 28 ગુનામાં સંડોવાયેલો નામચીન અનીલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાનીને સવારે સાત વાગે લઇને પીએસઆઇ જે પી ડામોર,તથા અજય રામજી અને સુભાસ શંકર સાથે એલઆરડી અલ્પેશ જાપ્તો લઇને ને એસએસજી માં આવવા નીકળ્યા હતા. સારવાર બાદ પૂજા હોટેલ પર જવાનુ કારણ શું? માલિક ઓળખે છે એટલે મળવા ગયા? કે માલિક સાથે પોલીસ અને આરોપી એ મસલત કરીને પલાયન થવાનો કારસો રચ્યો હતો. પોલીસની તદ્દન બેદરકારી ભરેલીકામગીરી ને જોતા તમામ શંકાના દાયરામાં આવી ગયા છે એવું જાણવા મળ્યું હતું કે પોલીસના અધિકારીઓ રાતોરાત ચારે પોલીસની અલગ અલગ ઊંડી પૂછતાછ હાથ ધરી હતી. તો બીજી તરફ રાજ્યભરની પોલીસને એન્થોની શોધખોળ અર્થે એલર્ટ કરી દીધી હતી.