આણંદ : આણંદ શહેરના મધ્યમાં વણવહેચાઇ 9 ગુંઠા જમીનમાં 5 ગુંઠા જમીન કુટુંબીજનોએ જ બારોબાર વેચી દીધી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગે જમીનના વારસદારે આણંદ શહેર પોલીસ મથકે કુલ સાત વ્યક્તિ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના નાના અડદ ખાતે રહેતા નવીનચંદ્ર છોટાભાઈ પટેલના વારસાની જમીન ટીપી સ્કીમ નંબર-1માં આવેલી છે. આ જમીન કસુજીદાદાના વારસદારોની સંયુક્ત વણ વહેંચાયેલી માલીકોની મિલકત છે.આમ છતાં કુટુંબના જ નયનાબહેન હરિભાઈ પટેલ (રહે.રામનગર), જાગૃતિબહેન હરિભાઈ પટેલ (રહે.લીંબાસી), અંજેશ હરિભાઈ પટેલ (રહે.યોગી તિલક સોસાયટી, આણંદ)એ ભેગા મળી પાવર કરી આપી મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ (રહે.યોગીતિલક સોસાયટી, આણંદ)એ જાતે પોતાનો હિસ્સો નક્કી કરી કુલ 9 ગુંઠામાંથી 5 ગુંઠા જેટલી જમીનનો વેચાણ દસ્તાવેજ સ્નેહલ મણીભાઈ પટેલ (રહે.ઉમલાવ, તા. બોરસદ)ને કોઇ પણ સહમાલીકની સંમતિ વગર જ 13મી ડિસેમ્બર,2019ના રોજ મિતેશ નગીનભાઈ પટેલ (રહે.અક્ષર ફાર્મ, આણંદ), ઇબ્રાહીમ રાયસંગ રાણા (રહે.નાપા મસ્જીદ પાસે) સાક્ષી તરીકે સહીઓ કરી હતી.
આમ પૂર્વ આયોજીત કાવતરૂં રચી સર્વે નં.915 ટીપી 1નો ફાયનલ પ્લોટ નં.128ની જેનું કુલ ક્ષેત્રફળ 905.0312 વાળી જમીનમાંથી 505/0.0312 ચોરસ મીટર જેટલો પોતાની જાતે હિસ્સો નક્કી કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ, નયનાબહેન હરિભાઈ પટેલ, જાગૃતિબહેન હરિભાઈ પટેલ, સ્નેહલ મણીભાઈ પટેલ, મિતેશ નગીનભાઈ પટેલ અને ઇબ્રાહીમ રાયસંગ રાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોપર્ટી કાર્ડમાંથી પોતાના નામનું પેઇજ રજુ કર્યું
આણંદની ટીપી -1ની જમીનના વેચાણ દસ્તાવેજ રજુ કરતી વખતે પ્રોપર્ટી કાર્ડ રજુ કરતી વખતે કુલ 10 પાનાનું પ્રોપર્ટી કોર્ડ હોવા છતાં ફક્ત પોતાના નામની જ એન્ટ્રી છે તે એન્ટ્રી નંબરવાળું પાનુ રજુ કરી દસ્તાવેજ નોંધણી માટે મુક્યો હતો. આ ઉપરાંત તંત્રને ગેરમાર્ગે દોરવા પોતાની જાતે 135 (ડી)ની નોટીસ તૈયાર કરી અને ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો.
કોર્ટે જમીનના ભાગ પાડવા આદેશ કર્યો હતો
આણંદના ટીપી-1માં આવેલી જમીન સંયુક્ત હોવાથી નડિયાદની કોર્ટમાં 93 પ્રતિવાદીઓ વિરૂદ્ધ પટેલ પુંજાભાઈ મથુરભાઈએ દાવો દાખલ કર્યો હતો. જેમાં મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ (રહે.યોગી તિલક સોસાયટી, આણંદ), નયનાબહેન હરિભાઈ પટેલ (રહે.રામનગર), જાગૃતિબહેન હરિભાઈ પટેલ (રહે.લીંબાસી)ના પણ નામ હતાં. આ દાવામાં કોર્ટે હિસ્સા પાડવાનું પ્રાથમીક હુકમનામું 31મી ડિસેમ્બર,1963માં કર્યું હતું. પરંતુ તે હુકમનામા મુજબ આજદીન સુધી કોઇ પણ જાતના હિસ્સા કે વહેંચણી કરવામાં આવી નથી.