મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indor) શહેરના સ્વર્ણબાગ કોલોનીમાં બે માળના એક મકાનમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. જેમાં સાત લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા. આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. મકાનમાં રહેતા લોકો ગાઢ નિંદ્રામાં હતા, જેમાંથી મોટાભાગના લોકો ઊંઘમાં દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. આગમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ લાગવાનું કારણ અકબંધ
જે કોલોનીમાં આગ લાગી હતી તે ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં આવેલી છે. આગની ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તેમજ વિજય નગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને એમ.વાય હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આગનો ભોગ બનેલા મોટાભાગના લોકો ભાડુઆત હોવાનું કહેવાય છે. ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.
કલેકટર કોલોનીમાં ગેરકાયદે બાંધકામની તપાસ કરાવશે
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગ પર કાબૂ મેળવવામાં લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. દુર્ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી પહેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી અને પછી ધીમે-ધીમે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. તેણે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કોઈને પણ બચવાની એક તક પણ ન મળી. કલેક્ટર મનીષ સિંહ MY હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. કલેકટરે કહ્યું કે ઘટનાના કારણની તપાસ કરવામાં આવશે. મૃતકના નજીકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને આરબીસીની કલમ હેઠળ વળતર પણ આપવામાં આવશે. આ સાથે મનીષ સિંહે કહ્યું છે કે તેઓ સ્વર્ણબાગ કોલોનીમાં ગેરકાયદે બાંધકામની તપાસ કરાવશે.
CMએ તપાસના આદેશ આપ્યા
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે ઈન્દોરના સ્વર્ણબાગ કોલોનીમાં શોર્ટ સર્કિટના કારણે થયેલા અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના અકાળે મોતના દુઃખદ સમાચાર મળ્યા. આ ઘટનામાં મૃત્યુના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય. મેં તેની તપાસના આદેશ આપ્યા છે. જે પણ બેદરકારી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના નજીકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે.
પ્રભારી મંત્રી મિશ્રાએ શોક વ્યક્ત કર્યો
અને ઈન્દોરના પ્રભારી મંત્રી નરોત્તમ મિશ્રાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આગને કાબૂમાં લીધા બાદ પોલીસે સ્થળને સંપૂર્ણ રીતે સીલ કરી દીધું હતું. ફોરેન્સિક અને ઈન્ટેલિજન્સ ઓફિસર પણ ઘટનાસ્થળે હાજર છે. ધારાસભ્ય મહેન્દ્ર હરદિયા અને પોલીસ કમિશનરે પણ ઘટના સ્થળનો તાગ મેળવ્યો હતો.