જગતમાં કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી મારા જેવા પત્રકારોની ફરિયાદ રહી છે કે ભારત સરકાર કોરોના દ્વારા થયેલાં મરણના સાચા આંકડાઓ ક્યારેય બહાર પાડતી નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે ૨૦૨૦ માં કોરોનાનું પહેલું મોજું આવ્યું ત્યારે સરકાર દ્વારા કોરોના વડે થયેલાં મરણના આંકડાઓ વધારીને કહેવામાં આવ્યા હતા, જેને કારણે લોકોમાં કોરોનાનો ભય પેદા થયો હતો અને લોકો ઘરોમાં પૂરાઈ રહેવા તૈયાર થઈ ગયાં હતાં. પ્રથમ મોજા દરમિયાન કોરોના પોઝિટિવ જાહેર થયેલાં લોકોનાં બીજા કોઈ પણ કારણસર મોત થાય તો પણ તેને કોરોનાને કારણે થતાં મરણમાં ખપાવી દેવામાં આવતાં હતાં. ત્યાં સુધી કોઈ કોરોના પોઝિટિવ નાગરિક આપઘાત કરીને મરી જાય કે તેની હત્યા કરવામાં આવે તો પણ મરણના સર્ટિફિકેટમાં મરણનું કારણ કોરોના ગણવામાં આવતું હતું. અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગી તેમાં કેટલાંક કોરોના પોઝિટિવ લોકો બળીને મરી ગયાં, તેમનાં મરણ પણ કોરોનાને કારણે થયેલાં બતાડવામાં આવ્યાં હતાં.
૨૦૨૧ ના જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવી અને તે સાથે બીજું મોજું પણ આવ્યું. વેક્સિન લેવાને કારણે થયેલાં લગભગ તમામ મરણને કોરોનાને કારણે થયેલાં મરણમાં ખપાવી દેવામાં આવ્યાં હતાં. મે મહિના સુધી બીજું મોજું ટોચ પર પહોંચી ગયું હતું. મરણનું પ્રમાણ એકદમ વધી ગયું હતું. ત્યારે દેશભરમાં ગભરાટ ફેલાઈ ગયો હોવાથી સરકારે કોરોનાનાં મરણનો ખરેખરો આંકડો છૂપાવ્યો હતો, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સુપ્રિમ કોર્ટના આદેશને પગલે સરકારે કોરોનાથી મરણ પામેલાં લોકોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનું આવ્યું ત્યારે સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ હતી. સરકાર દ્વારા કોરોના દ્વારા થયેલાં મરણના જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા, તેના કરતાં લગભગ બમણાં લોકોને વળતર ચૂકવાયું હતું.
સરકારના કોરોના મરણના આંકડાઓની કોઈ વિશ્વસનીયતા નથી રહી ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે કે ભારતમાં બે વર્ષમાં કોરોનાને કારણે કુલ ૪૭ લાખ લોકોનાં મરણ થયાં હતાં. ભારત સરકારના આંકડાઓ કહે છે કે ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન ભારતમાં કોરોનાને કારણે માત્ર ૪.૮૦ લાખ લોકોનાં મરણ થયાં હતાં. ક્યાં ૪૭ લાખ મરણનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો આંકડો અને ક્યાં ૪.૮૦ લાખ મરણનો ભારત સરકારનો આંકડો? શું ભારત સરકારે મરણ બાબતમાં આટલું મોટું જૂઠાણું ચલાવ્યું હતું? કે વિશ્વ આરોગ્ય સંસ્થા મરણનો આંકડો વધારીને ભારતમાં કોરોનાનો વધારાનો ભય પેદા કરવા મથી રહી છે? શું વિશ્વ આરોગ્ય સંસ્થા વેક્સિન બનાવતી કંપનીઓના લાભાર્થે આ ભય નથી ફેલાવી રહી ને?
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલાં ૪૭ લાખ મરણની સચ્ચાઈ તપાસતાં પહેલાં તેણે આ ફિગર ક્યાંથી કાઢ્યો? તે સવાલ પૂછવાની જરૂર છે. ભારત સરકાર દ્વારા દરેક ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, શહેરમાં થયેલાં મરણના આંકડાઓ છે. ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન જે ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે, તેના આધારે ભારત સરકાર કહે છે કે બે વર્ષમાં કોરોનાને કારણે માત્ર ૪.૮૦ લાખ લોકોનાં જ મરણ થયાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે મરણના આંકડાઓ ભેગા કરવાનું એવું ક્યું નેટવર્ક છે, જે ભારત સરકાર પાસે નથી? વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે તેણે ૪૭ લાખ મરણનો જે આંકડો આપ્યો છે તે કોઈ નક્કર ડેટાને આધારે નથી આપ્યો પણ ગાણિતિક મોડેલના આધારે આપ્યો છે. આ ગાણિતિક મોડેલ શું છે? કેટલાક ગણિતના નિષ્ણાતો પોતાની એરકન્ડિશન્ડ ઓફિસમાં બેઠા બેઠા કોમ્પ્યુટર પર ગ્રાફ બનાવે છે કે જો કોઈ દેશમાં આટલી વસતિ હોય તો કોરોનાથી આટલા ટકા લોકોનાં મરણ થવાં જોઈએ, માટે ભારતની વસતિ ૧૩૦ કરોડની હોય તો તેમાં ૪૭ લાખ મરણ થયાં હોવાં જોઈએ. આ આંકડાઓ કોઈ પણ જાતના આધાર વગરના હોય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડાઓને જો સાચા માનીએ તો કબૂલ કરવું પડે કે ભારત સરકાર દ્વારા આંકડાઓમાં મોટી ગોલમાલ કરવામાં આવી છે. આ ગોલમાલ એટલી હતી કે કોરોનાથી થયેલાં ૧૦૦ મોત પૈકી ૯૦ મોત બીજાં કારણે થયેલાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો સરકાર દ્વારા આટલી મોટી ગોલમાલ કરવામાં આવી હોય તો મીડિયામાં તેનો વિરોધ થયા વિના રહે જ નહીં. ભારતના વિપક્ષો દ્વારા પણ ત્યારે કોઈ અવાજ ઉઠાવવામાં આવ્યો નહોતો, પણ હવે સરકારની ટીકા કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલો ૪૭ લાખ મરણનો આંકડો કેટલો ગેરમાર્ગે દોરનારો છે, તેનો ખ્યાલ સરકાર દ્વારા તાજેતરમાં ૨૦૧૯ અને ૨૦૨૦ માં નોંધાયેલાં મરણના આંકડાઓ પરથી પણ આવે છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ભારતમાં ૨૦૧૯ માં કુલ ૭૬.૪ લાખ મરણ નોંધાયાં હતાં. તેની સરખામણીમાં ૨૦૨૦ માં ૮૧.૨ લાખ મરણ નોંધાયાં હતાં, જેમાંનાં માત્ર ૧.૪૮ લાખ મરણ કોવિડ-૧૯ ને કારણે હતાં. ભારતમાં બે વર્ષમાં આશરે દોઢ કરોડ મરણ નોંધાયાં હોય તો તેમાં ૪૭ લાખ મરણ કોવિડ-૧૯ ને કારણે નોંધાયાં હોય તે વાત કોઈ રીતે પુરવાર કરી શકાય તેમ નથી. ભારતનાં ૩૦ ટકા મરણ કોવિડ-૧૯ ને કારણે થતાં હોય તે વાત માનવા કોઈ તૈયાર થાય નહીં. ભારતમાં દર વર્ષે આશરે ૨૫ લાખ લોકો હૃદય રોગથી મરી જતાં હોય છે. બીજાં સાત લાખ લોકો કેન્સરથી અને પાંચ લાખ લોકો ટી.બી.થી મરી જતાં હોય છે. જો તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ કોરોનાથી થતાં મરણ ઉમેરીએ તો વાસ્તવિક આંકડો એક કરોડ ઉપર પહોંચી જાય છે, જેટલાં મરણ ભારતમાં થતાં જ નથી.
ભારત સરકાર દ્વારા જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે તે પણ વાસ્તવિક મરણના આંકડાઓ નથી, પણ સરકારને ચોપડે નોંધાયેલાં મરણના આંકડાઓ છે. વાસ્તવિક મરણના આંકડાઓ સરકારી ચોપડે નોંધાતા આંકડાઓ કરતાં કાયમ વધુ હોય છે. વળી નોંધાતાં મરણમાં દર વર્ષે વૃદ્ધિ જોવા મળે છે, પણ તેનો અર્થ એવો નથી થતો કે મરણનું ખરેખરું પ્રમાણ વધ્યું છે. સરકારી આંકડાઓ મુજબ ૨૦૧૯ ની સરખામણીએ ૨૦૨૦ માં ૪.૮ લાખ વધારાનાં મરણ નોંધાયાં હતાં, પણ તેમાંનાં ૧.૪૮ લાખ મરણ જ કોવિડ-૧૯ ને કારણે થયાં હતાં. હકીકતમાં ૨૦૧૯ માં ભારતમાં કોવિડ-૧૯ નહોતો તો પણ ૨૦૧૮ ની સરખામણીમાં ૬. ૯ લાખ વધુ મરણ નોંધાયાં હતાં.
હકીકતમાં ભારતમાં વસતિ વધી રહી છે તેમ મરણનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં કોરોનાનો ફાળો નગણ્ય છે. ભારતમાં જે ઝડપે મરણનું પ્રમાણ વધી રહ્યું છે, તેના કરતાં વધુ ઝડપે મરણની નોંધણીનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે દરેક સ્થળે ડેથ સર્ટિફિકેટની જરૂર પડે છે. આજની તારીખમાં પણ ભારતમાં જેટલાં મરણ થતાં હોય છે, તેના સરેરાશ ૮૦ ટકા જ નોંધાતાં હોય છે. માટે ૨૦૨૦ માં ભારતમાં જો ૮૧.૨ લાખ મરણ નોંધાયાં હોય તો તેનો અર્થ એવો થાય છે કે ભારતમાં કરોડ કરતાં વધુ લોકોનાં મોત થયાં હશે. આ કરોડ પૈકી દોઢેક ટકા મોત કોરોનાથી થયાં હોય તો તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ બદઇરાદાથી આપણને ડરાવવાની કોશિશ કરી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.