Charchapatra

પક્ષપલટુઓ

ચુંટણી આવી નથી કે પક્ષપલટુ નેતાઓની એક આખી જમાત નીકળી પડે છે. પક્ષપલટો કરવાનું મુખ્ય કારણ પદ, હોદ્દો કે પછી સત્તા પર ટકી રહેવું. જેને સાચેજ લોકોના કામ કરવા છે કે લોકોની સેવા કરવી છે એ તો વગર પદ કે વગર પક્ષે પણ કરી શકે છે.સતત પાંચ કે છ વર્ષ સુધી પક્ષમાંથી ટિકિટ મેળવી ને ધારાસભ્ય બન્યા હોય એટલે કે ૨૫ કે ૩૦ વર્ષ સુધી ધારાસભ્ય, મંત્રી, કેબીનેટ મંત્રી,પછી સાંસદ તરીકે અને ત્યાર પછી પણ સત્તા નો મોહ ન છુટે તો રાજયપાલ બની જવાનું.

ગાંધી પરિવારને તો પરિવારવાદ ના નામે બદનામ કરવાની એક ચાલાકી છે.તમે તમારા વિસ્તારમાં આવેલા નેતાઓના પરિવાર વિષે પણ માહિતી મેળવો.તમારા નેતા ના પરિવાર ના કયા સભ્યો કયા પદ પર છે,કે તેમના દીકરાઓ કયા પદ પર છે કે આ જાણવાની મહેનત કરો તો તમને પરિવારવાદ ના સાચા આંકડા મળશે. હવે તો એથી પણ આગળ વધીને રુપિયા વાળાઓ, ઉધોગપતિઓ, રમત ગમત ના લોકો, અભિનેતાઓ કે પછી રીટાયર્ડ અધિકારીઓ ને ટિકિટ આપવાની ફેશન શરૂ થઈ છે. જો તમે એક કાર્યકર છો તો તમને ખુબ મોટો અન્યાય થાય છે.

શું એક કાર્યકર તરીકે તમે જે પક્ષના કામ કે સેવા કરો છો તેવા કામ આ રૂપિયાના જોરથી ટિકિટ લઈને નેતા બની જાય છે તે કરે છે ખરા? આમ જ તો આ વિષચક્ર ચાલે છે જેથી રુપિયા વાળાઓ વધુ રુપિયા વાળા બની રહ્યા છે. કયાં તો તમે કમજોર છો કયાં તો તમે તમારી જાતને આ લોકો કરતાં ઓછી આકોં છો. ગમે તે પક્ષ હોય જો પક્ષપલટુ ને ટિકિટ આપે તો તેને વોટ ન જ આપવો જે લોકો ૨૫-૩૦ વર્ષ સુધી ઘારાસભ્ય રહ્યા છે અને તો પણ જો તમારા વિસ્તારમાં વિકાસ કામો નથી થયા તો આવા નેતાઓ ને પણ મત ન આપવા. ગુજરાતીઓ ઘણા જ સમજદાર હોય છે. કોને લોકોની સેવા કરવી છે અને કોને સેવા ના નામે મેવા ખાવા છે તે બરાબર જાણે છે.
સુરત     – કિશોર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top