ગાંધીનગર: સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રૂપિયા ૫૭ હજાર કરોડના કુલ ૭૫ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. જેમાંથી રૂપિયા ૮૯૦૦ કરોડના કુલ ૧૩ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના સાગરમાલા કાર્યક્રમે ગુજરાતના મેરીટાઈમ સેક્ટરને આગવું બળ પૂરું પાડ્યું છે તેવું, નવી દિલ્હી ખાતે નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની ત્રીજી બેઠકમાં સંબોધન કરતા રાજ્ય સરકારના ઊર્જા, પેટ્રોકેમિકલ અને નાણા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત કાર્ગો હેન્ડલિંગની બાબતે દેશભરમાં પ્રથમ છે. ગુજરાતના મત્સ્યોદ્યોગને વિકસિત કરવા રાજ્ય સરકારે મોટા ફિશ લેન્ડિંગ સેન્ટર, ફિશ પ્રોસેસિંગ સેન્ટર જેવી વિવિધ પહેલ પણ કરી છે. આ બેઠકમાં કનુભાઇ દેસાઈએ ગુજરાતના નોન-મેજર પોર્ટ સુધી પહોંચવા પોર્ટ કનેક્ટિવિટીને વધુ અપગ્રેડ કરવામાં વધુ માર્ગદર્શન આપતા રહેવા માટે વિનંતી કરી હતી.
ગુજરાત સરકારે સાગરમાલા પ્રોગ્રામ હેઠળ 3,200 કરોડના 47 નવા પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે, જેમાં રેલ-રોડ કનેક્ટિવિટી, ફિશ પ્રોસેસિંગ સેન્ટર, ફિશ લેન્ડિંગ સેન્ટર, પ્રવાસન અને સી-પ્લેન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અલંગ ખાતે શિપ રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 39857 કામદારોને ગુજરાત મેરીટાઇમ બોર્ડે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપી છે.
દેશનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ લોથલ ખાતે રૂપિયા 3,150 કરોડના બજેટ ફાળવણી સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પીયૂષ ગોયલ, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી રેલ્વે, અશ્વિની વૈષ્ણવ અને રાજ્યોના મંત્રીઓ અને અન્યોએ બેઠકમાં હાજરી આપી હતી.