નવસારી : ઉભરાટ (Ubharat) દરિયા કિનારે ફરજ બજાવતા 2 હોમગાર્ડોએ (Homeguards) ઉભરાટ દરિયામાં ડૂબતા સુરતના (Surat) યુવાનને બચાવી લઈ પ્રશંસનીય કામગીરી કરી છે.
નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના દાંડી ગામે અને ઉભરાટ ગામે દરિયા કિનારાઓ આવ્યા છે. જ્યાં તહેવારો કે જાહેર રજાના દિવસોમાં સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે. સહેલાણીઓ દરિયા કિનારે ફરી તેમજ દરિયાના ન્હાવાની મજા માણતા હોય છે. બીજી તરફ દરિયાના ડૂબવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા દરિયા કિનારે રજાના દિવસો અને તહેવારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
- જિલ્લા પોલીસ દ્વારા દરિયા કિનારે રજાના દિવસો અને તહેવારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે
- યુવક દરિયાના પાણીમાં ડૂબવા લાગતા બચાવ-બચાવની બુમો પાડી
- યુવકના છાતીના ભાગે પંપીંગ કરી ફેફસામાં ભરાયેલા પાણી બહાર કાઢી બચાવી લીધો
- યુવાનને બચાવી લઈ બંને હોમગાર્ડે પ્રશંસનીય કામગીરી કરી
ગત ૩જીએ અખાત્રીજ અને મુસ્લિમ બિરાદરોનો ઇદનો તહેવાર હતો. જેથી ઉભરાટ દરિયા કિનારે ઘણા સહેલાણીઓ હરવા-ફરવા માટે આવતા હોવાથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મરોલી પોલીસે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ સાગર રક્ષક દળના માણસોને કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે માણસોની ગોઠવણ કરી હતી. ગત ૫મીએ સાંજના ૬ વાગ્યે સુરત અઠવાગેટ નવસારી બજાર ગોપીપુરા મોમના વાડ ટંડેલ મસ્જીદની ગલીમાં રહેતા મોહમદ આકિબ મોહમદ શેખ સુરતથી તેના મિત્રો સાથે ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન તે દરિયામાં ન્હાવા પડ્યો હતો. પરંતુ તે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા બચાવ-બચાવની બુમો પાડી હતી. જેથી દરિયા કિનારે ફરજ ઉપર હાજર હોમગાર્ડ સભ્ય ધીરજભાઈ ગણેશભાઈ ટંડેલ અને હરીશભાઈ નરોત્તમભાઈ ટંડેલે તેમના જીવના જોખમે દરિયાના પાણીમાં ઉતરી દરિયામાં ડૂબતા મો. આકીબને ડૂબતા બચાવી પાણીમાંથી બહાર કાઢી લાવ્યા હતા. અને ત્યારબાદ તેઓએ મો. આકીબના છાતીના ભાગે પંપીંગ કરી ફેફસામાં ભરાયેલા પાણી બહાર કાઢી બચાવી લીધો હતો. આમ હોમગાર્ડ ધીરજભાઈ અને હરીશભાઈએ પ્રશંસનીય કામગીરી કરી હતી.
જો કે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મરોલી પોલીસે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ સાગર રક્ષક દળના માણસોને કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે માણસોની ગોઠવણ અગાઉથી જ કરી હતી.