જમીન માલિકોના હક ડુબાડવાનું દક્ષિણ ગુજરાતમાથી પકડાયેલું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું કહેવાય છે પણ તે રાષ્ટ્રવ્યાપી હોવાનું પણ નકારી શકાય નહિ કારણ કે આપણા દેશમાં એક સૌથી વધારે ભ્રષ્ટ સરકારી વિભાગ હોય તો તે મિલકત નોંધણી વિભાગ હોવાનું એક મોજણીમાં જણાયું છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રજિસ્ટ્રારની કચેરીમાં એક કર્મચારી ઉદયશંકર દુબે બહુ બડાશપૂર્વક કહેતો હતો: આપ હમે પૈસા દો ઔર કામ બતાવો. હમ માલિક તો ક્યા , બાપ ભી બદલ દેતે હૈ. બાપ કોનો તે સ્પષ્ટતા નથી કરી પણ પોતાનો પણ હોઈ શકે કારણ કે આટલી હદે ભ્રષ્ટ મથરાવટી ધરાવનાર કર્મચારી ક્યારેય ભરોસાપાત્ર ન હોઇ શકે.
આપણું જમીન કૌભાંડ છ દાયકાથી ચાલે છે અને લગભગ તમામ પક્ષોની સરકાર સત્તા પર આવી ગઈ અને એ બધી સરકાર આ કૌભાંડ જોઈ ન શકી એનો અર્થ એમ થયો કે આપણે ચૂંટેલા તમામ પ્રતિનિધિઓ ક્યાં તો આંધળા હતા અથવા ભ્રષ્ટાચારી. ખાતો નથી અને ખાવા દેતો નથી એ સૂત્ર ખાલી દેખાવ પૂરતું હતું કારણ કે ખાવા દેતા નહીં હોય તો આટલું મોટું કૌભાંડ કોઈ કર્મચારી ખાલી પેટે કરે?! પહેલા અંગ્રેજ સરકારના વફાદાર કુતરા સમાન જમીનદારો લોકોની જમીન હડપ કરી જતા હતા હવે આ ભ્રષ્ટાચારીઓ એમનું સ્થાન લે છે એમ કહીએ તો ખોટું નથી.! જમીન ધરતીપુત્ર માટે માતા સમાન ગણાય અને પોતાની જમીન સાચવવા માટે ધરતીપુત્ર પ્રાણ પણ આપી દેતો. જ્યારે અહીં તો જિંદગીભરની કમાણીમાંથી જમીન ખરીદનારની જમીન થોડાક ભ્રષ્ટાચારીઓના કારણે હાથમાંથી ચાલી જાય તે ખબર નથી પડતી અને સરકારમાં જમીનની નોંધણી કરાવ્યા પછી એ કાયમ તમારી જ રહેશે એની કોઈ ખાતરી નથી. આપણા જાનમાલની રક્ષા કરવાનું કામ સરકારનું છે એમ આપણે માનીએ અને તેમાં જ ભ્રષ્ટાચારના ભોરિંગ બેઠેલા હોય તો ક્યાં જવું?!
સુરત – સુનીલ રા. બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે