અમેરિકામાં જાર્વિસ નામની યુવતીએ તેની માતાનું સ્મારક બનાવીને તેને શ્રદ્ધાંજલિ આપી. તેણે આ કામ તેની માતાની ઇચ્છા મુજબ કર્યુ અને ત્યાર બાદપછી તેણે તમામ માતાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવણી શરૂ કરી અને ધીરે ધીરે અમેરિકામાં તેની ઉજવણી શરૂ થઇ ગઇ. થોડા વર્ષોમાં જ આ દિવસ મધર્સ ડે તરીકે ઉજવાતો થયો. જો કે, 1941ના વર્ષથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને હવે વિશ્વભરમાં તે મધર્સ ડે તરીકે ઉજવાઇ છે. એટલે આગામી રવિવારે 8th મે મધર્સ ડે નિમિતે અમે એક એવી માતાની વાત લઇને આવ્યા છે જે એક વિશેષ માતા છે. સુરતમાં રહેતી આ માતાનું નામ રેશમા પ્રજાપતિ છે અને તે આ વિસ્તારમાં 70 થી 80 કૂતરાની માતા તરીકે ઓળખાય છે. તે આ વિસ્તારના દરેક કૂતરાઓને બાળકની જેમ પ્રેમ કરે છે અને કૂતરાઓએ પણ તેમને તેમની માતા તરીકે સ્વિકારી લીધી હોય તે રીતે સવાર સાંજ તેની રાહ જુએ છે.
મધર્સ ડે ના દિવસે માતા પુત્રી કે માતા પુત્રના પ્રેમના અનેક કિસ્સાઓ વાંચવા મળે છે પરંતુ સુરતની આ માતા એક અલગ પ્રકારની માતા છે અને તેમનો પ્રેમ પણ અલગ પ્રકારનો જ છે. સુરતના પાર્લે પોંઇન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા ગોકુલ રો હાઉસમાં રહેતાં રેશમાબેન રમેશભાઇ પ્રજાપતિનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે, અહીં રહેતા તમામ લોકો તેમને કૂતરાવાળા બહેન તરીકે ઓળખે છે. આ બહેનની વાત ખૂબ જ રોચક છે. તેઓ કહે છે કે ‘મારુ પિયર અંકલેશ્વર નજીકના વાલિયાનું છે અને પિતા ખેતીવાડી સાથે સંકળાયેલા હોવાથી તેઓ કૂતરા પાળતા હતા એટલે કૂતરાઓ પ્રત્યે મને લગાવ તો પહેલેથી જ હતો. લગ્ન કરીને સુરત આવી ગઇ ત્યારબાદ 2006માં સુરતમાં પૂર આવ્યું હતું અને પાર્લે પોંઇન્ટની એક મીઠાઇની દુકાન પાસે બેસી રહેતા કૂતરાને ખવડાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેની સાથે લાગણી થઇ જતાં તેનું નામ ખાટ્ટો રાખ્યું હતું. પછી તો હું અને મારા હસબન્ડ સ્કૂટર ઉપર નીકળીએ તો ખાસ્સા દૂરથી જ સ્કૂટરનો અવાજ સાંભળીને ઊભો થઇ જાય અને અમારી પાછળ પાછળ દોડે. અમે જ્યાં જઇએ ત્યાં દોડે. ત્યારથી શ્વાન પ્રત્યેની લાગણી બમણી થઇ ગઇ અને પછી કૂતરાઓ માટે મારૂં માતૃત્વ જાગી ગયું.’
શહેરના કલેક્ટર અને પોલીસ કમિશનર પણ ઓળખે છે
રેશમાબેનની એક્ટિવાનો જેવો હોર્ન વાગે એટલે લાલ બંગલો થી પાર્લે પોંઇન્ટ વિસ્તારના કૂતરાઓમાં હલચલ શરૂ થઇ જાય છે. તેમના નિત્યક્રમને કારણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભેલા તમામ પોલીસ કર્મચારી તો તેમને ઓળખે જ છે પરંતુ સુરત શહેરના પોલીસ કમિશનર પણ તેમને નામથી નહીં પરંતુ કૂતરાઓને ખવડાવનાર મહિલા તરીકે ઓળખે છે. તેમણે ખાસ તેમને મળવા માટે પણ બોલાવ્યા હતાં. તો જ્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં એનિમલ કમિટીની બેઠક મળી ત્યારે તેમને જોઇને જ કલેક્ટર પણ ઓળખી ગયા કે રોજ કૂતરાઓને ખવડાવે છે તે આ જ બહેન છે.
કૂતરીને ડુમસ મૂકી આવ્યા તો પણ ઘરે પાછી આવી
તેમના ઘરે જ રહેતી એક કૂતરી જેનું નામ તેમણે બાગુ પાડ્યું છે તેની વાત કરતાં કરતાં તેઓ કહે છે કે, બાગુને પગમાં ગાંઠ થઇ હતી અને તેના કારણે તે સોસાયટીમાં ખૂબ રડતી હતી. જેના કારણે દરેક કામમાં સહકાર આપતા તેમના પડોશી કંટાળી જાય તે સ્વાભાવિક છે. બાગુને તેમનો વોચમેન ઉમરા ગામમાં મૂકી આવ્યો તો તેઓ તેને ત્યાંથી પાછી લઇ આવ્યાં. જો કે, તે ખૂબ જ રડતી હોવાથી પડોશીઓની સ્થિતિ જોઇને તેઓ કૂતરીને ગોપીતળાવ મૂકી આવ્યા તો છ દિવસમાં જ ગોપીતળાવથી પાર્લેપોંઇન્ટ સુધી તેમના ઘરે જાતે પહોંચી ગઇ. તેને તેઓ ડુમસ મૂકી આવ્યા તો 20 દિવસે બાગુ ઘર શોધતી શોધતી પાછી આવી ગઇ. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે હવે તેને કશે મૂકવી નથી. ડો. શમાનો સંપર્ક કરીને તેમણે બાગુની ટ્રીટમેન્ટ કરાવી અને હવે તેની ગાંઠ દૂર થઇ જતાં તેમના ઘરે જ રહે છે.