Business

રિઝર્વ બેન્કના નિર્ણયથી હડકંપ: શેરબજારમાં કડાકો, લોનની EMI વધી જશે

નવી દિલ્હી(New Delhi): બુધવારે બપોરે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અચાનક એક એવો અનઅપેક્ષિત નિર્ણય જાહેર કર્યો જેના લીધે આખાય દેશના અર્થતંત્ર પર ગંભીર અસર પડી. રિઝર્વ બેન્કની જાહેરાતની તુરંત બાદ ભારતીય શેરબજારમાં ધબડકો જોવા મળ્યો હતો. એલઆઈસીનો આઈપીઓ ખુલવાના લીધે સવારથી ગ્રીન ઝોનમાં ચાલતા બીએસઈના સેન્સેક્સમાં એકાએક રેડ નિશાન જોવા મળ્યા હતા. ગણતરીની મિનીટોમાં જ બજારમાં 1300 પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું. તો આ તરફ મોંઘવારીનો માર સહન કરી રહેલાં લોકો પર પણ વધુ બોજો પડતા લોકોના ઘરના બજેટ ખોરવાઈ જવાની દહેશત ઉભી થઈ છે.

રિઝર્વ બેંકે(RBI) બુધવારે રેપો રેટ(Repo Rate)નાં દરમાં વધારો કર્યો છે. લાંબા સમયથી ચાર ટકાના ફિક્સ રેપો રેટ હવે વધીને 4.40 ટકા થઈ ગયા છે. રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે આગામી પોલીસી(Policy) સમીક્ષા પહેલાં દરમાં વધારાની જાહેરાત કરી છે. જેના પગલે હવે હોમ(Home), ઓટો(Auto) અને પર્સનલ લોન(Personal Lone) મોંઘી થશે અને EMIનો બોજ વધશે. રેપો રેટમાં આ વધારાને કારણે લોન લેનારા ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં, MPCના સભ્યોએ સર્વસંમતિથી રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બેકાબૂ ફુગાવાના કારણે MPCએ આ નિર્ણય લીધો છે.

સામાન્ય લોકોનું બજેટ બગડશે
રેપો રેટમાં વધારાને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર બોજો વધશે. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોના બજેટમાં હવે ઈએમઆઈ પણ મોટો ખાડો પાડશે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણય બાદ હોમ લોન અને કાર લોન સહિત તમામ પ્રકારની લોન પર વ્યાજ દરો વધશે, જેના કારણે EMIની રકમ વધશે. કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે બેંક રિઝર્વ બેંકમાંથી લોન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોની લોન ખર્ચ વધી જશે અને તે ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે.

મોંઘવારીમાંથી રાહત નહીં મળે
આરબીઆઈને આશંકા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનું દબાણ રહેશે. આરબીઆઈ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ફુગાવાનો દર 5.7 ટકા રહેવાનો અંદાજ છે. શક્તિકાંત દાસે ગયા મહિને જણાવ્યું હતું કે ફુગાવાનો દર પ્રથમ ક્વાર્ટરમાં 6.3%, બીજા ક્વાર્ટરમાં 5%, ત્રીજા ક્વાર્ટરમાં 5.4% અને ચોથા ક્વાર્ટરમાં 5.1% હોઈ શકે છે.

Most Popular

To Top