અમરેલી: અમરેલી (Amreli) જિલ્લાના બગસરાના (Bagasara) કડાયા ગામમાં વાડીમાં રમતી બાળકીને સિંહ (lion) ઉપાડી ગયો હોવાની એક દુ:ખદ ઘટના સામે આવી છે. બાળકીના પિતાએ બાળકીને બચાવવા સિંહની પાછળ દોટ મૂકી હતી. પણ અફસોસ તેના પિતા બાળકીને બચાવી ન શક્યા હતા.
અમરેલી જિલ્લાના બગસરના કડાયા ગામની આ ઘટના છે. જ્યાં સુક્રમભાઈ ખેતમજૂરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની નાની 5 વર્ષીય બાળકી નિકિતા સોમવારે સાંજે વાડીમાં પાણીના કંડી પાસે રમતી હતી. સાંજના વેળાએ સિંહે અચાનક જ આવી બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. બાળકીના પિતાનું ધ્યાન સિંહ તરફ જતા બાળકીને બચાવવા સિંહની પાછળ દોટ મૂકી હતી. પિતાએ તેની વ્હાલી દીકરીને સિંહના મુખમાંથી તો બચાવી લીધી હતી પણ અફસોસ કે તેનો જીવ ન બચી શક્યો હતો.
આ ઘટના અંગે ગ્રામજનોનું કહેવું છે કે સાંજના સમયે સિંહ અચાનક વાડીમાં આવી જતા બાળકીને ઉપાડી ભાગવા લાગ્યો હતો. સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. બાળકીના પિતા સુક્રમભાઈ પણ સિંહની પાછળ દોટ મુકી હતી અને બાળકીને બચાવવાના અઢકળ પ્રયાસ કર્યા હતા. પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતાં.
ઘટનાના પગલે વાડીના માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અમરેલી ડિવિઝનવા ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતાં. ગ્રામજનોઓ વન વિભાગ પર રોષે ભર્યાને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે વન વિભાગના સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.કડાયા ગામે બનેલી દુ:ખદ ઘટના બાદ ગ્રામજનોએ સિંહને ઝડપી પાડવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. સિંહને રાતોરાત જ પાંજરે પૂરવા સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામજનોએ માંગ ઉઠાવી હતી. વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારોમાં સિંહ અને દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. આ અગાઇ વર્ષ 2019માં બગસરા વિસ્તારમાં દીપડો સતત 5 દિવસ સુધી લોકો પર હુમલા કર્યા હતા. તેમજ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી ચાર લોકો પર હુમલો કરતો હતો. માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની ટીમે ઘણી કવાયત હાથ ધરી હતી પરંતુ દીપડો નહીં પકડાતાં રાજ્ય સરકારે દીપડાનો ઠાર મારવા આદેશ અપ્યો હતો. જ્યારે છઠ્ઠા દિવસે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે મેગા ઓપરેશન કરી એક ગૌશાળામાં દીપડો શિકાર માટે આવતાં ઠાર માર્યો હતો.