જ્મ્મુ: ઈદનાં તહેવારને લઈ દેશમાં પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. જોધપુર બાદ હવે જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)નાં અનંતનાગ(Anantnag)માં પથ્થરમારા(Stoned)ની ઘટના સામે આવી છે. જિલ્લામાં સવારની નમાઝ બાદ મસ્જિદની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાંક પ્રદર્શનકારીઓ દ્વારા આઝાદ કાશ્મીરને લઈને નારા લગાવવામાં આવ્યા હતા.
નમાઝ બાદ પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા
આજે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ તહેવાર દરમિયાન દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા દિવસોથી દેશના વિવિધ રાજ્યમાં બે કોમ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ જોધપુરમાં થયેલી હિંસા બાદ જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે.મંગળવારે અનંતનાગની મસ્જિદમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ કેટલાંક પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને આઝાદ કાશ્મીરને લઈને નારા લગાવવામાં આવ્યા હતા.
હાલ સ્થિતિ કાબુમાં પણ સુરક્ષા સઘન કરાઈ
સુરક્ષા દળોએ આ મામલે દખલગીરી કરતા અસામાજિક તત્વોએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા અને તેઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે સ્થિતિ હવે કાબુમાં આવી ગઇ છે. પરંતુ ઘટનાની ગંભીરતાને લઈ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઇ છે.
સોમવારે પણ પુલવામામાં થયો હતો આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં CRPFના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને CRPFના જવાનો જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં લાર્મુ ખાતે ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે એક IED વિસ્ફોટ થયો હતો. જો કે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT)ના એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતા. તેઓ બહારના મજૂરો પર ગ્રેનેડથી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.