સુરત: (Surat) અમેરિકન (America) સરકારના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગે ભારત (India) સરકારને મોકલાવેલી ટ્રેડ એડવાઇઝરીમાં રોમટિરિયલ સ્વરૂપની રશિયન પ્રોડક્ટ ફિનિશડ પ્રોડક્ટ તરીકે અમેરિકા એક્સપોર્ટ (Export) કરવા પર આકરા પગલાં ભરવાની ચેતવણી (Warning) ઉચ્ચારી છે. ખાસ કરીને અમેરિકાએ ભારતના હીરા ઉદ્યોગને (Diamond Industry ) ચેતવણી આપી છે કે રશિયા-યુક્રેન યુદ્ધને (RussiaUkraineWar) પગલે અમેરિકાએ રશિયાની અલરોસા (Alrosa) કંપનીની ખાણમાંથી (Mines) નીકળતા હીરા (Diamond) પર પ્રતિબંધ (Ban) મૂક્યો છે. એ સ્થિતિમાં રશિયન રફ ડાયમંડમાંથી બનેલા પોલિશડ (Polished) હીરા અને જવેલરી (Jewelry ) અમેરિકા એક્સપોર્ટ કરી શકાશે નહીં.
- અમેરિકાનું દબાણ: હીરો રશિયન રફમાંથી તૈયાર થયો નહીં બીલમાં લખવું પડશે
- રશિયન મૂળના હીરા એક્સપોર્ટ કરનાર ભારતીય ડાયમંડ કંપની પર અમેરિકામાં પ્રતિબંધ મુકાશે
- હીરા રશિયાન છે કે નહીં તે ચકાસવાનું કામ અમેરિકન લેબ જીઆઈએને સોંપાયું
રશિયન માઇનિંગ કંપનીની પાતળી રફમાંથી બનતા તૈયાર હીરા અને જવેલરી સુરત-મુંબઈથી અમેરિકા આવી રહી જોવાની આશંકાને પગલે અમેરિકાએ ભારત સરકારને ચેતવી છે. સરકારે આ અંગે કાઉન્સિલને અને ભારતના જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટરોને જાણ કરી છે. પાતળી રશિયન રફનું ઓરિજિન ઓફ કન્ટ્રી જાણવું મુશ્કેલ હોવાથી અમેરિકા આ પ્રકારના હીરા કે જવેલરી અમેરિકા મોકલવા માટે બિલ પર એવું લખાણ મંગાઇ રહ્યું છે કે, આ હીરા રશિયાની ખાણમાંથી નીકળેલા નથી અને રશિયન મૂળના હીરા નથી. જો આ પ્રકારની ગેરરીતિ પકડાશે તો અમેરિકા એ આવી ડાયમંડ પેઢીઓ પર પ્રતિબંધ મુકવાની પણ ચેતવણી આપી છે.
જીજેઈપીસીના ગુજરાત રિજયનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, પાતળી રફમાંથી તૈયાર થયેલા હીરા અને ડાયમંડ જવેલરી અમેરિકન લેબ જીઆઈએમાં તપાસ માટે મોકલશે. આ કામ આ લેબને આપવામાં આવ્યું છે. સુરત-મુંબઇ સહિત ભારતમાં 30 ટકા રફ રશિયાથી આવે છે. બીજી તરફ ભારતના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે અમેરિકા મોટું માર્કેટ છે. એટલે ઉદ્યોગકારો રશિયન રફમાંથી બનેલા હીરા, ઝવેરાત અમેરિકા મોકલવાનું ટાળે. કારણકે અમેરિકાએ રશિયન ડાયમંડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
તમને જણાવી દઈએ કે સમગ્ર ભારતમાં જ્યારે 30 ટકા રફ રશિયાથી આવે છે અને તે રફ પોલિશ્ડ થયા બાદ પશ્ચિમી દેશોમાં વેચાતી હોય છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે સુરતના હીરાઉદ્યોગમાં રફની શોર્ટેજ છે, તેવામાં જો અમેરિકા રશિયન રફમાંથી બનેલી પોલિશ્ડ નહીં ખરીદે અને આવા ડાયમંડ એક્સપોર્ટ કરનારી ડાયમંડ કંપનીઓ પર પ્રતિબંધ મુકે તો સુરતના હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડવાની દહેશત છે. હીરાઉદ્યોગમાં લાંબુ વેકેશન પડે તેની શક્યતા નકારી શકાય નહીં. હાલમાં જ હીરા ઉદ્યોગમાં 8 કલાકના બદલે 6 કલાક અને શનિ-રવિની રજા આપવામાં આવી રહી છે. આગળ જતાં લાંબુ વેકેશન પણ જાહેર થઈ શકે છે.