નવસારી : નવસારીની (Navsari) ઓળખ ગાંધીજીના (Gandhiji) મીઠાના સત્યાગ્રહને કારણે દુનિયાભરમાં (World) થતી રહી છે, એ સ્મૃતિને જાળવવા માટે સરકીટ હાઉસ પાસે મીઠું (Salt) ઉઠાવતા હાથનું એક શિલ્પ ગણદેવી રોડ પર સર્કલ (Circle) પર બનાવાયું હતું. પરંતુ નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઇ પણ જ્યારે મૂળ દાંડી (Dandi) ગામના છે, ત્યારે પાલિકાના કારભારીઓએ એ સ્મૃતિને તોડી નાંખીને ત્યાં ગુજરાત સ્થાપના દિવસે 100 ફૂટ ઊંચો ત્રિરંગો (Indian Flag) લહેરાવ્યો હતો !
નવસારીની નજીક દાંડી આવેલું છે. ગાંધીજીએ અંગ્રેજ શાસનને લૂણો લગાડવા માટે મીઠાનો સત્યાગ્રહ કરવા માટે દાંડીની પસંદગી કરી હતી. દાંડીના મીઠાના સત્યાગ્રહને કારણે દાંડી વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું. દાંડી જવા માટે નવસારી આવવું જ પડે છે અને ગાંધીજી પણ દાંડી જતા પહેલાં નવસારીમાં રોકાયા હતા. એ સંજોગોમાં નવસારી ઉપર ગાંધીજીની અનોખી છાપ રહેલી છે. એ બાબત ધ્યાનમાં લઇને નવસારીના તત્કાલિન કલેક્ટરે સરકીટ હાઉસ પાસે આવેલા સર્કલ ખાતે મીઠું ઉપાડતા હાથનું શિલ્પ બનાવીને ગાંધીજી અને દાંડીના મીઠાના સત્યાગ્રહની સ્મૃતિ સાચવી હતી. નવસારી વિજલપોર પાલિકાએ ગુજરાત સ્થાપના દિવસ પહેલાં એ સ્મારક તોડી પાડીને તેને સ્થાને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવાનો ધ્વજ દંડ બનાવ્યો છે.
રાષ્ટ્રધ્વજનું ગૌરવ જરૂરી પણ સ્મારકને તોડી પડાતા ચર્ચાનો વિષય
રાષ્ટ્રધ્વજનું ગૌરવ હોવું જોઇએ જ. એ સામે કોઇને વિરોધ ન હોઇ શકે. પરંતુ ગાંધીજીની સ્મૃતિ ભુંસી નાંખીને નવસારી વિજલપોર પાલિકાએ 100 ફૂટ ઊંચો ધ્વજ લહેરાવ્યો છે. વાસ્તવમાં મીઠાના સત્યાગ્રહના સ્મારકને તોડી પાડીને ધ્વજ લહેરાવવાનું કેટલું ઉચીત એ એક અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એક નકરૂં સત્ય તો એ છે કે લાખ્ખોના ખર્ચે બનેલા એ સર્કલને તોડી પાડવાને બદલે એ જ સ્થળે 100 ફૂટ ઊંચો ધ્વજ પણ લહેરાવી શકાયો હોત અથવા તો પાલિકાના પટાંગણ કે લૂન્સીકૂઇ ગ્રાઉન્ડ ખાતે કે જુનાથાણા સર્કલમાં પણ એ ધ્વજને લહેરાવી શકાય એવો ધ્વજ દંડ બનાવી શકાયો હોત. પરંતુ નવસારી પાલિકાના કારભારીઓએ ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની સ્મૃતિ ભુંસી નાખીને ધ્વજ લહેરાવ્યો એ યોગ્ય ગણાય કે કેમ એ તો નગરજનો જ જાણે !
દાંડીના પીયૂષ દેસાઇ કે અન્ય ગાંધીજનોએ પણ વિરોધ ન કર્યો !
ગાંધીજીને હવે ભુલાવી દેવાનો કાર્યક્રમ શરૂ થઇ ગયો હોય એમ લાગે છે, નહીંતર દાંડીના મીઠાના સત્યાગ્રહને કારણે નવસારીની ઓળખ પણ વિશ્વસ્તરે થઇ છે અને દાંડી સુધી જતા સત્યાગ્રહ સર્કિટમાં પણ નવસારીનું એક સ્થાન ગુજરાત સરકારે આપ્યું છે. મોદી સરકારે જ દાંડી ખાતે મનોહર સ્મૃતિ સ્મારક બનાવ્યું છે, ત્યારે એ જ ભાજપના નવસારીના શાસકોએ ગાંધીજીને ભુંસી નાંખવાનું કામ કર્યુ છે. વક્રતા તો એ છે કે નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઇ દાંડીના હોવા છતાં પણ પાલિકાના શાસકો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની સ્મૃતિને નામશેષ કરી દેવા છતાં ન તો પીયૂષ દેસાઇએ હરફ કાઢ્યો કે ન તો કોંગ્રેસે કે ન તો ગાંધીવાદીઓએ હરફ કાઢ્યો છે !