સુરત : અમરોલી(Amroli)ના કોસાડ(Kosad) આવાસમાં તિજોરી(vault)માં એમડી ડ્રગ્સ(Drugs) રાખ્યુ હોવાની માહિતીના આધારે પોલીસે(Police) રેડ(Rad) પાડીને રૂા.13 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, પોલીસે ડ્રગ્સના વેચાણના રૂા.3.38 લાખ પણ કબજે લઇને બે યુવકની ધરપકડ કરી હતી.
- કોસાડ આવાસમાં નશેડી મુસ્તાકના ઘરે રેડ: તિજોરીમાંથી 13 લાખનું એમડી ડ્રગ્સ મળ્યું
- મુસ્તાક પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી, પોલીસે ડ્રગ્સના વેચાણના 3.38 લાખ પણ કબજે કર્યા
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, કોસાડ આવાસમાં માથાભારે ગણાતા મુસ્તાક પટેલ પોતાના ઘરમાં તિજોરીમાં મેફેડ્રોન ડ્રગ્સ રાખીને લોકોને છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ પીઆઇ લલીત વાગડીયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. મુસ્તાક ખુબ જ માથાભારે હતો અને 24 કલાક નશાની હાલતમાં રહીને ગમે ત્યારે હુમલો કરે તેમ હતો. જો કે, પોલીસની સમગ્ર ટીમે અલગ અલગ જગ્યાએ વોચમાં રહીને ગુરૂવારે સાંજે મુસ્તાકના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.
રસોડાના ડ્રોઅરમાં બનાવી હતી તિજોરી
પોલીસે મુસ્તાકના ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગમાં બે ડ્રોઅર હતા, અને તેમાં તિજોરી બનાવવામાં આવી હતી. એક તિજોરીના ખાનામાંથી પોલીસને 139 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સનું વજન કરવા માટે કાંટો પણ તિજોરીમાં જ મુકી રાખ્યો હતો. આ ઉપરાંત પોલીસને તિજોરીમાંથી એમડી ડ્રગ્સના વેચાણમાંથી કમાયેલા 3.38 લાખ પણ મળી આવ્યા હતા. પોલીસે મુસ્તાક પટેલની ધરપકડ કરીને રૂા.13.39 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે લીધું હતું. સાથે જ આ ડ્રગ્સ આપી જનાર શિવા નામના યુવકને વોન્ટેડ જાહેર કરીને તપાસ કરવામાં આવી છે.
મુસ્તાકને એક ગ્રામ એમડીના વેચાણ ઉપર 1000 રૂપિયા મળતા હતા
પોલીસના કહેવા પ્રમાણે મુસ્તાક છેલ્લા ચાર વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. મુસ્તાક પોતે પણ એમડીનો બંધાણી હતો, શરૂઆતમાં તે રાંદેરની શીતલ ટોકીઝ પાસે રહેતો હતો, અને ત્યાંથી તે કોસાડ આવાસમાં રહેવા આવ્યો હતો. કોસાડ આવાસમાં પણ એમડીના નશામાં મુસ્તાકે મારામારી સહિત પ્રોહિબિશનના પણ ગુનાઓ કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે મુસ્તાક શિવા નામના યુવક પાસેથી રૂા.1500માં એક ગ્રામ એમડી ખરીદતો હતો અને બજારમાં રૂા.2500માં વેચતો હતો. એક ગ્રામ એમડીના વેચાણ ઉપર મુસ્તાકને 1 હજાર રૂપિયાનો નફો મળતો હતો. પોલીસે એમડી ડ્રગ્સ, વજન કાંટા, રોકડા રૂપિયા તેમજ મોબાઇલ મળીને કુલ્લે રૂા. 17.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.