વલસાડ : 1942માં નિર્માણ થયેલી કપરાડા (Kaprada) તાલુકાના મુખ્ય મથક નાનાપોંઢા સ્થિત જિલ્લા પંચાયત સંચાલિત નઈ તાલીમ પ્રાથમિક શાળાનું (School) મકાન જર્જરિત (Dilapidated) થતા 502 વિદ્યાર્થીઓ (Student) અને 15 શિક્ષકો (Teacher) ભયના ઓથાર હેઠળ શિક્ષણકાર્ય કરી રહ્યા છે. જે જર્જરિત ઓરડાઓને તોડવાની મંજૂરી ગત 2018માં મળી હોવા છતાં હજુ ઓરડાઓ તોડાયા નથી. જેથી તેને બંધ કરી દેવાયા છે. જ્યારે હાલમાં 10 જર્જરિત ઓરડાઓ અને 6 આરસીસી ઓરડાઓમાં 502 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. તે ઓરડાઓ પણ વર્ષો જૂના હોઈ તિરાડો, તૂટેલા નલિયા, સડેલા મોભ અને લાકડાઓને લઈ ચોમાસા દરમિયાન દુર્ઘટના સર્જાવાની શક્યતા અને ભય પણ વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઓરડાઓ ના અભાવે બાળકોને લોબીમાં બેસાડવાની ફરજ પડી રહી છે. જે ચોમાસા દરમિયાન મોટી સમસ્યા સર્જશે.
- ઓરડા વર્ષો જૂના હોવાથી તિરાડો, તૂટેલા નળિયા, સડેલા મોભથી ચોમાસામાં દુર્ઘટના સર્જાવાની શક્યતા
- જર્જરિત ઓરડાઓ તો ન તોડ્યા નવા પણ ન બનાવ્યા, હાલના ઓરડાઓ પણ જોખમી
- જિ.પં.નું અણધડ આયોજન : નાનાપોંઢાની શાળાને 4 સ્માર્ટ ક્લાસ આપ્યા, ઓરડા ન આપ્યા
સરકારે સ્માર્ટ ક્લાસ માટે પ્રોજેક્ટર સહિત લેપટોપની 5 કીટ આપી
નોંધપાત્ર બાબત એ છે કે સરકારે અહી નવા ઓરડાઓ તો બનાવી આપ્યા નહીં પરંતુ સ્માર્ટ ક્લાસ માટે પ્રોજેક્ટર સહિત લેપટોપની 5 કીટ આપી છે. સાથે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે, પરંતુ અહી ઓરડાઓના અભાવે શિક્ષકોને પણ મુશ્કેલી નડી રહી છે. તો બીજી ગંભીર બાબત એ છે કે અગાઉ આ શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી કરાઈ હતી. જોકે મળતી વિગતો મુજબ નળિયાવાળું મકાન હોઈ પસંદગી રદ કરાઇ હતી. ત્યારે હવે ફરી શાળાનો સમાવેશ થાય તે જરૂરી છે.
બાળકો વધુ હોવાથી લોબીમાં બેસાડવાની ફરજ પડે છે
શાળાના આચાર્યા જાગૃતિ ચોધરીએ જણાવ્યું કે, જર્જરિત ઓરડાઓને બંધ કરાયા છે. જોકે વધુ બાળકો હોઈ લોબીમાં બેસાડવાની ફરજ પડી રહી છે. ઓરડાઓ તોડવાની મંજૂરી તો 2018માં મળી હતી. જો નવા ઓરડાઓ બને તો મુશ્કેલી દૂર થઈ શકે.