Gujarat

સુરતના બિલ્ડર્સને 27,000 કરોડનો લાભ મળ્યો: મોઢવાડિયા

ગાંધીનગર: સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૫માં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભાજપ સરકારના તત્કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને મળતીયા અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબનાં ૨૦૧ રિઝર્વેશનની ૧,૬૬,૧૧,૪૭૬ ચો.મી. જમીનમાંથી ૧૧૨ રિઝર્વેશન હટાવીને ૯૦,૭૯,૩૬૯ ચો.મી. જમીન બિલ્‍ડર માલિકોને પધરાવીને રૂ.૨૭,000 કરોડનો ભ્રષ્‍ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ ભ્રષ્‍ટાચારનાં નાણાંમાંથી કેટલાં કમલમ્ કાર્યાલયમાં જમા થયાં, કેટલાં કોના ખિસ્‍સાંમાં ગયાં અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયાં તેની તપાસ ગુજરાત હાઈકોર્ટના સીટિંગ જજના અધ્‍યક્ષ પદ હેઠળના ઈન્કવાયરી કમિશન મારફત કરાવી જવાબદારો સામે પગલાં લેવાની જરૂરીયાત છે.

મોઢવાડિયાએ ભ્રષ્‍ટાચારના દસ્‍તાવેજી પુરાવાઓ સાથે વધુમાં જણાવ્‍યું હતું કે, સુરત અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી (SUDA)ની ૨૦૧૫માં રાજ્ય સરકારે હદ વધારી ૧૦૦ ગામનો સમાવેશ થતાં કુલ ૧૯૫ ગામનો સમાવેશ થતો હતો. આ જમીનમાલિકોની રજૂઆત બાદ આ પૈકી ૫૭ ગામને બાકાત કરી દેવામાં આવ્યા હતા અને ૧૩૮ ગામની ૯૮૫ ચો.કિ.મી.ની પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૫ તા.૯-૨-૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યોજનામાં કલમ-૭૮ મુજબ જાહેર હેતુઓ માટે ૨૦૧ જાહેર હેતુઓ માટેનાં રિઝર્વેશન માટે ૧,૬૬,૧૪,૪૭૬ ચો.મી. જમીન રિઝર્વ (અનામત) રાખી હતી. રાજ્ય સરકારના મુખ્‍ય નગર નિયોજકે રિંગ રોડ, બુલેટ ટ્રેન, ઈન્‍ડસ્‍ટ્રિયલ ગ્રોથ સહિતના મુદ્દા બાબતે સ્‍પષ્‍ટતા કરવા માટે સદરહુ ડ્રાફ્ટ વિકાસ યોજનાની દરખાસ્‍ત શહેરી વિકાસ અધિનિયમની કલમ-૧૭(૧)(a)(ii) મુજબ સુડાને પરત કરીને સ્‍પષ્‍ટતાઓ મંગાવવાના અભિપ્રાય સાથેની નોંધ રાજ્યના શહેરી વિકાસ વિભાગે તત્કાલિન મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળતા તત્કાલીન સીએમ વિજય રૂપાણીના કાર્યાલયમાં આપી હતી. શહેરી વિકાસ અધિનિયમની કલમ-૭૮ મુજબ કાયદા મુજબ રાજ્ય સરકારને રજૂ થયેલા ડ્રાફ્ટ યોજનામાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી. પરંતુ સ્‍પષ્‍ટતાઓ મેળવવાના અધિકારો છે. કાયદાની સ્‍પષ્‍ટ જોગવાઈ હોવા છતાં અને વિભાગીય અધિકારીઓની કોઈ નોંધ વગર જ ભાજપના તત્કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણી કે જેઓ શહેરી વિકાસ વિભાગના પણ મંત્રી પદે હતા, તેઓએ ‘લોકપ્રતિનિધિઓ (સુરતના) બધા સાથે થયેલી ચર્ચા મુજબ જરૂરી વિગતો મેળવી ઝડપથી રજૂ કરવું’એવા રિમાર્કસની સાથે સૂચનાઓ આપી.

સુડા, મુખ્‍ય નગર નિયોજક કે શહેરી વિકાસ વિભાગ તરફથી રિઝર્વેશનોમાં આવતી જમીનોના ક્ષેત્રફળમાં ઘટાડો કરવા કોઈ જ દરખાસ્‍ત ન હોવા છતાં તત્કાલીન મુખ્‍યમંત્રી રૂપાણીની સૂચના મુજબ સૂચિત શહેરી સુવિધાઓમાં ઘટાડો કરી જમીનોનું રિઝર્વેશન ઘટાડવા માટે સુરત મ્‍યુનિસિપલ કમિશનરના અધ્‍યક્ષ પદે પાંચ અધિકારીઓની એક કમિટી બનાવીને અહેવાલ મેળવવા માટે ઠરાવ કરવામાં આવ્‍યો હતો. શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી ફાઈલમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણી કઈ બાબત સાથે સહમત થયા અને કઈ બાબતની વિરુદ્ધમાં છે તે કરવાના બદલે કન્‍સલ્‍ટેટિવ કમિટી જ બનાવવાની મંજૂરી આપી કે જે કમિટી સરકાર કહે તેમ કરે. સૂચિત પુનરાવર્તિત વિકાસ યોજનાના ટેક્નિકલ સલાહકાર તરીકે સુરતની ખ્‍યાતનામ એન્‍જિનિયરિંગ કોલેજ ‘સરદાર પટેલ નેશનલ ઈન્‍સ્‍ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-SVNIT’હતી. પરંતુ મુખ્‍યમંત્રીની સૂચનાથી બનેલી ‘સલાહકાર સમિતિ’એ આ સંસ્‍થાના એક રહસ્યમયી પ્રોફેસર પાસેથી કેટલી શહેરી સુવિધાઓ હોવી જોઈએ તેનું યુદ્ધના ધોરણે ‘માર્ગદર્શન’મેળવી શહેરી સુવિધાઓ ઘટાડવાનો અહેવાલ શહેરી વિકાસ વિભાગને સુપરત કરી દીધો. હકીકતે સુડાએ SVNITની ભલામણોને આધારે જ શહેરી સુવિધાઓ માટે રિઝર્વેશનો રાખેલાં હતાં. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્‍ય સચિવ અને વિભાગે મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૩૫માં સુવિધાઓ ઘટાડવાની કોઈ ભલામણ ના કરી હોવા છતાં તત્કાલિન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ તા.૧૨-૧૧-૨૦૧૯ના રોજ નોંધમાં સહી કરીને કાયદા વિરુદ્ધ સુડા દ્વારા રજૂ થયેલા મુસદ્દારૂપ-૨૦૩૫માં સૂચવાયેલા રિઝર્વેશનમાંથી ૫૦% કપાત રાખી રિઝર્વેશનમાંથી મુક્ત કરવાની સૂચના આપી હતી અને જુદાં-જુદાં રિઝર્વેશનોમાંથી કાયદાનો ભંગ કરીને મુક્તિ આપીને જમીન માલિક-બિલ્‍ડરોને ઘી-કેળાં કરી દીધાં હતાં. આ જમીનોનો જે-તે વખતનો બજાર ભાવ રૂ.૩૦ હજારથી ૫૦ હજાર પ્રતિ ચો.મી.નો છે. જો બજારભાવ રૂ.૩૦,૦૦૦ પ્રતિ ચો.મી. ગણીએ તો પણ ૯૦,૭૯,૩૬૯ ચો.મી. X રૂ.૩૦,૦૦૦ પ્રતિ ચો.મી.=રૂ.૨૭,૨૩૮ કરોડનો ફાયદો જમીન માલિક-બિલ્‍ડરોને કરાવી આપ્‍યો.

મોઢવાડિયાના આરોપો પાયાવિહોણા – રાજય સરકારે ખુલાસો કર્યો
સુરતના પુનરાવર્તીત વિકાસ નકશામાં રિઝર્વેશન હેઠળ રાખવામાં આવેલી 90,79,369 ચો.મી જમીન મુકત્ત કરીને બિલડરોને 27,000 કરોડનો ફાયદો કરાવ્યો છે તેવા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે, તેમ રાજય સરકારના પ્રવક્તાએ આજે સાંજે જણાવ્યું હતું. રાજય સરકારના પ્રવકત્તાએ કહ્યું હતું કે, રાજય સરકારે સુરતની વિકાસ યોજના માટે સલાહકાર સમિતિ રચીને તેમની પાસેથી અહેવાલ તથા અભિપ્રાય મંગાવ્યો હતો. આ કમિટી સમક્ષ 627 રજૂઆતો આવી હતી. જેના સદર્ભમાં 18-9-2019ના રોજ કમિટીનો અહેવાલ પણ આવ્યો હતો. ખાસ કરીને 2004ની વિકાસ યોજના મુજબ ખાનગી માલિકીની તથા ખેડૂતોની જે જમીન પર અનામત રાખવામાં આવી હતી. તેમ છતાં 16 વર્ષથી વધુ સમય માટે કોઈ સંપાદનની કાર્યવાહી ના કરાઈ હોય તો તેવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટે રિઝર્વેશન રદ ગણવા તેવો ચુકાદો આપેલો છે. તેને માન્ય રાખીને સુડાના રિઝર્વેશન રદ ગણવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. તેમાંયે 50 ટકા જમીન સત્તામંડળને ટીપી સ્કીમ અન્વયે મળે તે બાકીની 50 ટકા જમીન પર ખાનગી માલિક તથા ખેડૂત વિકાસ કરી શકશે તેવું ઠરાવવામાં આવ્યું હતું. હકીકતમાં તો સુડાને જો આ જમીન છૂટી કરવાની થાય તો 40 ટકા જમીન જ મળતી હતી તેના બદલે 50 ટકા એટલે કે 10 ટકા જમીન વધારે મળી છે. એટલે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

રૂપાણી આજે ગાંધીનગરમાં ખુલાસો કરશે
મોઢવાડિયાના આક્ષેપોના સંદર્ભમાં પૂછવામાં આવતાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના પ્રવક્તાએ કહ્યું હતું કે, આવતીકાલે પૂર્વ સીએમ રૂપાણી મીડિયા સાથે વાતચીત કરી ખુલાસો કરશે. તેમાં પુરાવા પણ આપશે. આજે કાંઈ કહેવાનું નથી.

Most Popular

To Top