ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ રોડ ઉપર બિગ બોસ સ્પાના (Spa) ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા બાદ બરાનપુરા વિસ્તારમાં ઘરમાં ચલાવાતો દેહ વેપલો દરોડો પાડી પકડી પાડવામાં આવ્યો છે. ઘરમાં દેહવિક્રિયનો વેપલો ચલાવતી મહિલા અને તેના પુત્રની ધરપકડ કરાઈ છે.
ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારની કોહિનૂર ગેસ સર્વિસ નામની દુકાન પાછળ આવેલા રહેણાક મકાનમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ભરવાડ, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ PSI ડી.આર.વસાવા અને સ્ટાફને માહિતી મળી હતી કે, રહેણાક મકાનમાં છોકરીઓ મંગાવી દેહવેપાર ચલાવવામાં આવે છે. જેના આધારે એક ખાનગી વ્યક્તિને બોલાવી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો. જ્યાં ઘરમાં ખરેખર દેહવ્યાપાર ચાલતો હોવાનું જણાઇ આવતાં પોલીસે રેડ કરી હતી. દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલી 2 યુવતી તથા દેહવ્યાપારનો ધંધો ચલાવતી મહિલા લતાબેન અને તેનો પુત્ર જિગ્નેશ ઉર્ફે રાજુ નટવર વસાવા ઝડપાઇ ગયાં હતાં. જેઓ પાસેથી રોકડા રૂ.૫૨૦૦ અને મોબાઈલ મળી રૂ.૧૦,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. માતા-પુત્ર સામે એ ડિવિઝન પોલીસમથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા પોલીસ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને શોધી કાઢવા તપાસનો દોર કાર્યરત રાખશે.
ભરૂચ જિલ્લામાં 4 નવી ચેકપોસ્ટ ઊભી કરાઈ: ગુનેગારોને પકડવા ચક્રવ્યૂહ ગોઠવાયો
ભરૂચ: ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ભરૂચ શહેરને અન્ય જિલ્લા સાથે જોડતા માર્ગ પર 4 ચેક પોસ્ટ ઉભી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત એસપી. ડૉ. લીના પાટીલે ભરૂચ જિલ્લાના પોલીસ મથકોમાં કેટલાય જવાનોની બદલી કરવા સાથે જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે પરિસ્થિતિનો તાગ મેળવી ભરૂચ-સુરતને જોડતી 4 બોર્ડરો પર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરી ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ, દારૂની હેરાફેરી સહિતના ગુના રોકવા અને ગુનેગારોને પકડવા ભરૂચ જિલ્લા અને સુરતને જોડતી બોર્ડરો જેવી કે હાંસોટ અને કિમ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલા સાહોલ અને વડોલી વચ્ચે તેમજ અંકલેશ્વર રૂરલ અને માંગરોળને જોડતી પાનોલી અને હથુરણ ચેક પોસ્ટ તથા વાલિયા અને માંગરોળ પોલીસ સ્ટેશનની પાતાલથી વાંકલ ચેક પોસ્ટ સહિત વાલિયાથી ઉમરપાડા વચ્ચેના કવચીયા અને વાવડી વચ્ચે મળી ચાર ચેક પોસ્ટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવી છે અને આ ચેક પોસ્ટ ઉપર બંને જિલ્લાના પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. આ ચેક પોસ્ટો ઉપર એસડીપીઓ અંકલેશ્વરનું અને સુરત ગ્રામ્યમાંથી ડીવાયએસસપીનું સુપરવિઝન રહેશે.