હથોડા: (Hathoda) કોસંબાના (Kosamba) કેતન શાહ નામની વ્યક્તિએ ગત રાત્રે મુસ્લિમોની (Muslims) લાગણી દુભાય અને ઉશ્કેરાટનું વાતાવરણ પેદા થાય તેવી વિવાદી પોસ્ટ વોટ્સએપ માધ્યમ પર મૂકતાં મુસ્લિમ આગેવાનોએ કોસંબા પોલીસને રજૂઆત કરી હતી. હરકતમાં આવેલી કોસંબા પોલીસે (Police) વિવાદી પોસ્ટ (Post) મૂકનાર કેતન શાહને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કોસંબા-તરસાડી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમો હળીમળીને રહે છે. ત્યારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુંવારદા નજીક ગેરેજ ચલાવતા કેતન શાહે ગત રાત્રે મુસ્લિમોની લાગણી દુભાય અને કોસંબા તરસાડીમાં ઉશ્કેરાટનું વાતાવરણ પેદા થાય એવા હેતુથી વિવાદી પોસ્ટ મૂકી વોટ્સએપ માધ્યમ પર ફરતી કરી હતી. જે વિવાદી પોસ્ટ કોસંબાના મુસ્લિમ આગેવાનોના ધ્યાને આવતાં કોસંબા પોલીસને રજૂઆત કરી હતી. કોસંબા પોલીસ થાણાના અમલદાર પીઆઇ વાઘેલાએ વિવાદી પોસ્ટ મૂકનાર કેતન શાહને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ-સુરતને જોડતી 4 બોર્ડરો પર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરાઈ
ભરૂચ: ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ભરૂચ શહેરને અન્ય જિલ્લા સાથે જોડતા માર્ગ પર 4 ચેક પોસ્ટ ઉભી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચ જીલ્લાના નવનિયુક્ત એસપી. ડૉ. લીના પાટીલે ભરૂચ જીલ્લાના પોલીસ મથકોમાં કેટલાય જવાનોની બદલી કરવા સાથે જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે પરિસ્થિતિનો તાગ મેળવી ભરૂચ-સુરતને જોડતી 4 બોર્ડરો પર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરી ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ જેવી કે એન્ટી સોશ્યલ એક્ટિવીટી હોય કે પછી પ્રોપટી રિલેટેડ ક્રાઈમ કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે કમર કસી છે. ખાસ કરીને ભરૂચ જીલ્લાને દારૂ મુક્ત કરવા સાથે ક્રાઈમ મુક્ત કરવા ભરૂચ જીલ્લાના નવનિયુક્ત જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે સુરત ગ્રામ્ય પોલીસ સાથે સંકલનમાં રહી ભરૂચ જીલ્લા અને સુરતને જોડતી બોર્ડરો જેવી કે હાંસોટ અને કિમ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલ સાહોલ અને વડોલી વચ્ચે તેમજ અંકલેશ્વર રૂરલ અને માંગરોળને જોડતી પાનોલી અને હથુરણ ચેક પોસ્ટ તથા વાલિયા અને માંગરોળ પોલીસ સ્ટેશનની પાતાલથી વાંકલ ચેક પોસ્ટ સહિત વાલિયાથી ઉમરપાડા વચ્ચેના કવચીયા અને વાવડી વચ્ચે મળી ચાર ચેક પોસ્ટ તાત્કાલિક કાર્યરત કરી છે. આ ચેક પોસ્ટ ઉપર બંને જીલ્લાના પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. જે ચેક પોસ્ટો ઉપર એસડીપીઓ અંકલેશ્વરનું સુપરવિઝન રહેશે અને સુરત ગ્રામ્ય માંથી ડીવાયએસસપીનું રહેશે.