નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 ઉપર ઉન ગામ પાસેથી નવસારી એલ.સી.બી. (LCB) પોલીસે બાતમીના આધારે 35 હજારના વિદેશી દારૂ (English Alcohol) ભરેલી કાર સાથે સુરતના એક વ્યક્તિને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. વિદેશી દારૂ દમણ ખાતેથી અલગ-અલગ બાર-વાઈન શોપમાંથી ખરીદ કરી સુરત ખાતે છૂટક વેચાણ કરવા માટે લઈ જવાતો હતો.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર ઉન ગામ પાસેથી એક ટાટા માન્ઝા કાર (નં. જીજે-15-એડી-6547) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 35,400 રૂપિયાની વિદેશી દારૂની 51 નંગ બાટલીઓ મળી આવતા સુરત ઉધના દરવાજા રીંગરોડ જૂની સબજેલ મૂળશંકરની શેરીના ચેતનભાઈ ધનસુખભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચેતનભાઈની પૂછપરછ કરતા વિદેશી દારૂ દમણ ખાતેથી અલગ-અલગ બાર-વાઈન શોપમાંથી ખરીદ કરી પોતાના ઘરે સુરત ખાતે છૂટક વેચાણ કરવા માટે લઈ જવાતો હોવાનું કબુલ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 1.50 લાખની કાર, રોકડા 1150 રૂપિયા અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 1,91,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ફોર્ચ્યુનર કારમાં ચોરખાના બનાવી સીટની નીચે રૂ.76 હજારનો દારૂ લઈને જતા સુરતના બૂટલેગરને પોલીસે પકડ્યો
પારડી : પારડી મામલતદાર કચેરી સામે હાઈવે પર હાઈફાઈ ટોયોટા ફોર્ચ્યુનર કારમાં ચોરખાના બનાવી સીટની નીચે રૂ.૭૬ હજારનો દારૂ લઈને જતા સુરતના બૂટલેગરને પોલીસે કુલ રૂ. ૮.૮૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
પારડી નેશનલ હાઇવે નં.48 પર મામલતદાર કચેરીની સામે સુરત સ્પેશિયલ ડ્રાઇવની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દમણથી દારૂ ભરીને સુરત લઈ જતા હોવાની બાતમી મુજબની હાઈફાઈ ટોયોટા ફોર્ચ્યુનર કાર નં.GJ-18 BC 9969માં તપાસ કરતા સીટની નીચે બનાવેલા ચોરખાનામાં દારૂની બોટલ નંગ 95 જેની કિં.રૂ.76 હજાર મળી આવી હતી. પોલીસે કારચાલક બૂટલેગર હિતેશ ખોળાભાઇ પટેલ (રહે. સુરત પાસોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે આઈફોન ફોર્ચ્યુનર કાર કિં. રૂ. 8 લાખ મળી કુલ 8.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂના જથ્થા અંગે પૂછતાં દમણ કિલ્લા પાસે રહેતા રાકેશ પાસેથી ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બૂટલેગર હિતેશ પટેલની ધરપકડ કરી દમણના રાકેશને વોન્ટેડ બતાવી પ્રોહિ. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેમિકલની આડમાં લઇ જવાતો દારૂ ભરેલા ટેમ્પો સાથે ખેપિયો પકડાયો
પારડી : પારડી બગવાડા ટોલનાકા હાઈવે પરથી પોલીસે એક આઇસર ટેમ્પોમાંથી રૂ. 8 લાખના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. LCB ટીમને મળેલી બાતમીને આધારે બગવાડા હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ટેમ્પોને રોકી તપાસ હાથ ધરતા ટેમ્પામાં પાછળના ભાગે સોડીયમ થિયોસલ્ફેટની 50 કીલોની 100 બેગ મળી આવી હતી. જેની પાછળ અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ 3804 જેની કિં.રૂ. 8 લાખ 4 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સોડીયમ થિયોસલ્ફેટ કિં.રૂ. 1,53,400 અને ટેમ્પો કિં.રૂ. 5 લાખ મળી કુલ રૂ. 14 લાખ 62 હજારનો મુદામાલ કબ્જે લઈ પારડી પોલીસને હવાલે કર્યો હતો. ટેમ્પો ચાલક જબીઉલ્લા અનરૂલા ખાન (રહે. વાપી છીરી)ની ધરપકડ કરી હતી. પારડી પોલીસે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સેલવાસથી તેનો શેઠ દિનેશ મારવાડી (રહે. સેલવાસ નરોલી) અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ મદારામ (રહે. વાપી)એ ભરી અપાવ્યો હોવાનું જણાવતા બન્નેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.