નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક હાલ ઘણી ચર્ચામાં છે. ટેસ્લા અને સ્પેસએક્સના માલિકે સોમવારે રાત્રે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર માટે ડીલ કરી છે. ત્યાર બાદ મંગળવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર ઇલોન મસ્કને ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનની ઓફર કરી છે. ગડકરીએ કહ્યું કે જો ઇલોન મસ્ક ભારતમાં ઉત્પાદન કરવા તૈયાર છે, તો અમારી પાસે તમામ પ્રકારની પ્રતિભા અને ટેકનોલોજી છે. ગડકરીએ કહ્યું કે એલન મસ્કનું ભારતમાં સ્વાગત છે અને અમે તેમને ભારતમાં ઉત્પાદન કરવા વિનંતી કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે જો મસ્ક ચીનમાં ઉત્પાદન કરશે અને ભારતમાં વેચશે તો તે અમને સ્વીકાર્ય નથી. એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ આ વાત કહી હતી.
રાયસીના ડાયલોગમાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓએ મસ્કને વિનંતી કરે છે કે મસ્ક ભારત આવે અને અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત પાસે ઘણી ક્ષમતાઓ અને ટેકનોલોજી છે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો અને એરપોર્ટ ઉપલબ્ધ છે. ઇલોન અહીંથી નિકાસ પણ કરી શકે છે. પરંતુ જો મસ્ક ચીનમાં ઉત્પાદન કરીને તે સામગ્રીને ભારતમાં વેચવા માંગે છે, તો તે સારી દરખાસ્ત નહીં હોય. તેથી ઇલોન મસ્ક ભારત આવે અને અહીં મેન્યુફેક્ચરિંગ શરૂ કરે.
ભારતે મસ્કની માંગણીનો ઇન્કાર કર્યો
ઇલોન મસ્ક ઇચ્છે છે કે તેની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશ કરે, પરંતુ તે પહેલા કર મુક્તિ માંગી છે. ટેસ્લા ભારતમાં ઈમ્પોર્ટેડ કાર વેચવા માંગે છે. ટેસ્લાએ ઘણી વખત કહ્યું છે કે ભારતે ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યુટી ઘટાડવી જોઈએ. પરંતુ ભારત સરકાર આ માટે તૈયાર નથી. ભારત સરકારનું કહેવું છે કે ટેસ્લા સૌથી પહેલા ભારતમાં આવે અને કાર બનાવે. ત્યાર બાદ જ કોઈપણ છૂટ પર વિચાર કરવામાં આવશે.
તાજેતરમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદવાની ડીલ ફાઈનલ કરી દીધી છે. આ ડીલ 44 અબજ ડોલરમાં થઈ છે. ટ્વિટરના વેચાણના સમાચારની પુષ્ટિ તેમણે ખુદ ટ્વિટર પર કરી છે. જો કે ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ઇલોન મસ્ક ટ્વિટર ખરીદશે.