uncategorized

અહંકાર પતનની નિશાની છે

માનવીમાં કોઈ સિધ્ધિ કે સફળતા યા પદનું અહંકાર વધી જાય, ત્યારે માની લેવું કે તેનું પતન નિશ્ચિત જ છે. અહંકારનું પેદા થવું એ જ તેના પતનની નિશાની છે. અહંકાર શરૂ થાય ત્યાં જ પતનની શરૂઆત પણ થઈ જાય છે. માટે આ અંગે માનવીએ સતત જાગૃત રહેવું જરૂરી હોય છે. રાવણ વિદ્વાન અને તપસ્વી હતો, પણ તેની સિધ્ધિઓનું તેને અભિમાન હતું, અને તે અભિમાન એટલી હદ સુધી વધતું ગયું કે છેવટે એનું પતન થયું અને સોનાની લંકા કથિરની થઈ ગઈ. એવી જ રીતે અર્જુન મહાબાણવળી હતો એ એવો યોધ્ધા હતો જેની તોલે કોઈ આવી ન શકે. એની બાણવિદ્યા પર એને ગર્વ હતો. અને એથી આગળ વધીને તેનામાં અહંકાર પેદા થયો. એકવાર હનુમાનજી સમુદ્ર પર બનાવેલા પથ્થરોના રામસેતુ પર બેસી રામનામના જપ કરી રહ્યા હતા, ત્યારે અર્જુન ત્યાં આવી ચડ્યો અને હનુમાનજી સાથે વિવાદે ચઢ્યો.

અર્જુને કહ્યું: ‘રામ તો શ્રેષ્ઠ ધનુર્ધર હતા, તો સમુદ્ર પર આ પથ્થરોનો સેતુ કેમ બનાવ્યો? એ તો પોતાના તીરથી સેતુ બનાવી શકતા હતા.’ ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો: ‘પ્રભુ રામ તીરથી સેતુ બનાવી શકતા હતા, પણ મારો ભાર એ સેતુ ખમી ના શકે, એટલે અમે પથ્થરોનો સેતુ બનાવ્યો છે.’ અર્જુને કહ્યું: એ શક્ય નથી એક વાનરનો ભાર તીરનો સેતુ સહી ન શકે. એવું બને જ કેમ? ત્યારે હનુમાનજીએ કહ્યું: પ્રયોગ કરી જુઓ. અર્જુનને અભિમાન થયું: મારા જેવો બાણાવળી કોઈ છે જ નહીં, હું તીરનો સેતુ બનાવું, એ કદી તૂટી જ ન શકે’ અને અર્જુને પોતાના બાણથી તીર છોડી સમુદ્ર પર તીરનો સેતુ બનાવ્યો. પછી હનુમાનજીને તેના પર ચાલવા કહ્યું.

હનુમાનજીને અર્જુન ઓળખી શક્યો ન હતો, એ એક સામાન્ય કપિ જાણતો હતો, પણ હનુમાનજી તો કપિશ્વર હતા. એમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને તીરના સેતુ પર ચાલવા પગ મૂક્યો, ત્યાં તો એ સેતુ તૂટી ગયો અને એ સાથે અર્જુન પણ અચંબામાં પડી ગયો. એને થયું કે, આ વાનર કોઈ સામાન્ય વાનર નથી. એ કોઈ દૈવી શક્તિ ધરાવે છે. ત્યારે હનુમાનજી સમક્ષ હાથ જોડી તેમની ઓળખ આપવા વિનંતી કરી. હનુમાનજીએ સાચી ઓળખ આપી ત્યારે અહંકાર તૂટતાં પશ્ચાતાપ કરતા અર્જુને પોતાની જાત અગ્નિને સોંપી દેવા નિશ્ચય કર્યો, પણ શ્રીકૃષ્ણે તેને તેમ કરતાં રોક્યો અને અહંકારનું પ્રાયશ્ચિત્ત કરતાં તેનો અહંકાર ઓગળી ગયો, એટલે એ ધનુર્વિદ્યાથી એ મહાભારતનું ભીષણ યુધ્ધ જીતી શક્યો. આમ અહંકાર કાયમ વિનાશ જ સર્જે છે, પતન સર્જે છે માટે અહંકારનો નાગ ઊભો ન થાય એ માટે સાવધ રહેવું.

Most Popular

To Top