મહારાજ જનમેજયનો સર્પયજ્ઞ પરિપૂર્ણ થયો, સંપન્ન થયો. તે સાથે એક બીજી પણ મહાન ઘટના સંપન્ન થઈ. મહારાજ જનમેજયના આ મહાન સર્પયજ્ઞના સમાચાર જાણીને ભગવાન વ્યાસ, પોતાના શિષ્યો સહિત તે સ્થાને પધાર્યા. ભગવાન વ્યાસ પધાર્યા છે તે જાણીને મહારાજ જનમેજય અને સૌ ઋત્વિજો ખૂબ પ્રસન્ન થયા. સૌએ ભગવાન વ્યાસ અને તેમના શિષ્યોનું યથોચિત સ્વાગત-પૂજન કર્યું અને સૌને યથોચિત આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરી.
તદનંતર મહારાજ જનમેજય ભગવાન વ્યાસને પ્રાર્થના કરે છે –
कुरुणां पाण्डवानां च भवान प्रत्यक्षदर्शिवान् ।
तेषां चरितमिच्छामि कथ्यमान त्वया द्विज ।।
महाभारत, आदिपर्व : ६०-१८
‘‘હે બ્રહ્મન્! આપ કૌરવો અને પાંડવોને પ્રત્યક્ષ જોઈ ચૂક્યા છો. તેથી આપ દ્વારા કથિત તે ચરિત્રને હું સાંભળવા ઇચ્છું છું.” મહારાજ જનમેજયની આ પ્રાર્થના સાંભળીને ભગવાન વ્યાસ પોતાના શિષ્ય વૈશંપાયનને મહારાજ જનમેજય અને સૌ સભાજનોને સમગ્ર મહાભારતની કથા સંભળાવવા માટે આજ્ઞા આપે છે. ભગવાન વ્યાસની આજ્ઞા પ્રમાણે વૈશંપાયન સૌને મહાભારતની કથા સંભળાવે છે. આ કથા દરમિયાન તે સભામાં સૂતજી ઉગ્રશ્રવા પણ હાજર હોય છે અને તેઓ આ મહાભારતની કથા શ્રવણ કરીને ગ્રહણ કરે છે. તદનંતર સૂતજી નૈમિષારણ્યમાં આવીને આ મહાભારતની કથા શૌનક આદિ ઋષિઓને સંભળાવે છે.
આમ મહાભારતમાં પ્રધાનતઃ બે સંવાદો ચાલે છે. –
(૧) વેત્તા વૈશંપાયન અને શ્રોતા જનમેજય
(૨) વક્તા સૂત ઉંગ્રશ્રવા અને શ્રોતા શૌનકાદિ ઋષિઓ
– આ મહાકાવ્ય અને મહાન ગ્રંથના ત્રણ અવતાર થયા છે – જય, ભારત અને મહાભારત.
આમ 18 પર્વ અને લગભગ એક લાખ શ્લોકના આ મહાન મહાભારતની અપ્રતિમ કથાના તંતુનો પ્રારંભ થયો, જે અદ્યાપિ પર્યંત અવિરત ચાલુ રહ્યો છે.
મહાભારતના મહિમા વિશે મહાભારતકાર ભગવાન વ્યાસ પોતે જ કહે છે !
धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ ।
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्कवचित् ।।
महाभारत, आदिपर्व : ६२-५३
‘‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિષયમાં જે અહીં છે તે જ અન્યત્ર છે અને જે અહીં નથી તે ક્યાંય નથી.”
ભગવાન વ્યાસ વળી કહે છે
अनाश्रित्यैतदारण्यानं कथा भुवि न विद्यते ।
आहारमनपाश्रित्य शरीरस्येव धारणम् ।।
મહાભારત, આદિપર્વ : ૨-3૮૮
‘‘જેમ ભોજન ગ્રહણ કર્યા વિના શરીર ટકી શકે નહીં, તેમ આ મહાભારતનો આશ્રય લીધા વિના આ પૃથ્વી પર કોઈ કથા વિદ્યમાન હોઈ શકે નહિ.” મહામહિમાવાન ગ્રંથરાજ મહાભારતનો આવો મહિમા છે. મહાભારતનું આંતરિક તત્ત્વ અને સત્ત્વ આવું અને આટલું અપ્રતિમ છે કે તેની તુલના કરવા માટે આ પૃથ્વી પર અન્ય ગ્રંથ ઉપલબ્ધ નથી. આ પંચમ વેદ મહાભારતના આંતર સત્ત્વ અને આંતર તત્ત્વને હૃદયંગમ કરવા – આ જ ઉચિત અભિગમ છે અને તે જ મૂલ્યવાન છે. આમ છતાં આ આંતર સત્ત્વ અને આ આંતર તત્ત્વ મહાભારતના જે કલેવરમાં સાચવીને મૂકવામાં આવ્યા છે, તે કલેવરને અર્થાત્ મહાભારતના બહિરંગ કલેવરને આપણે સમજી લઈએ તે આવશ્યક છે. મહાભારતનું બહિરંગ કલેવર, આંતર તત્ત્વ અને આંતર સત્ત્વને સમજવામાં સહાયક બની શકે તેમ છે. તેથી મહાભારતનું બહિરંગ કલેવર અહીં પ્રસ્તુત છે.
મહાભારતનું કલેવર
ક્રમ પર્વ ઉપપર્વ અધ્યાય શ્લોક
૧ આદિપર્વ ૧૯ ૨૨૭ ૮,૮૮૪
૨ સભાપર્વ ૧૦ ૭૮ ૨,૫૧૧
૩ વનપર્વ ૨૧ ૨૬૯ ૧૧,૬૬૪
૪ વિરાટપર્વ ૫ ૬૦ ૨,૦૫૦
૫ ઉદ્યોગપર્વ ૧૦ ૧૮૬ ૬,૬૯૮
૬ ભીષ્મપર્વ ૪ ૧૧૭ ૫,૮૮૪
૭ દ્રોણપર્વ ૮ ૧૭૦ ૮,૯૦૯
૮ કર્ણપર્વ ૧ ૬૯ ૪,૯૬૪
૯ શલ્યપર્વ ૩ ૫૯ ૩,૨૨૦
૧૦ સૌપ્તિકપર્વ ૨ ૧૮ ૮૭૦
૧૧ સ્ત્રીપર્વ ૩ ૨૭ ૭૭૫
૧૨ શાંતિપર્વ ૩ ૩૩૯ ૧૪,૭૩૨
૧૩ અનુશાસનપર્વ ૨ ૧૪૬ ૮,૦૦૦
૧૪ આશ્વમેધિકપર્વ ૩ ૧૦૩ ૩,૩૨૦
૧૫ આશ્રમવાસિકપર્વ ૩ ૪૨ ૧,૫૦૬
૧૬ મૌસલપર્વ ૧ ૮ ૩૨૦
૧૭ મહાપ્રસ્થાનિકપર્વ ૧ ૩ ૧૨૩
૧૮ સ્વર્ગારોહણપર્વ ૧ ૫ ૨૦૯
—– ——- ———
૧૦૦ ૧,૯૨૬ ૮૬,૮૮૩
હરિવંશ
૧ હરિવંશપર્વ ૧ ૫૫
૨ વિષ્ણુપર્વ ૧ ૧૨૮ ૧૬,૩૭૪
૩ ભવિષ્યપર્વ ૧ ૧૩૫
—– ——- ———
૧૦૩ ૨,૨૪૪ ૧,૦૩,૨૫૭