સુરત: (Surat) સતત આખું વર્ષ વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદનો (Rain) માર પડતા દક્ષિણ ગુજરાતના (South Gujrat) સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 70,000 હેક્ટર જમીનમાં કેરી (Mango) સહિત બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોનો (Farmers) 65 ટકા પાક ખરાબ થતા ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ એન.પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી 5 જિલ્લામાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવવા રજૂઆત કરી છે.
રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોની આવક બમણી કરવા જે પ્રયાસો કરવામાં આવ્યા એને લીધે જ અન્ય પાકોની સરખામણીમાં માળખાકીય સુવિધાના પરિણામે ખેડૂતોને વિશ્વાસ ઉભો થતા ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાના બાગાયતી પાક કરતા ખેડૂતો આ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શક્યા છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં 70 હજાર હેકટરમાં બાગાયતી પાકો નું વાવેતર થયુ છે. જેમાં મહત્તમ કેરીના પાકનું વધારે વાવેતર કરવામાં આવ્યું છે. કેરીનો વધુ પાક ઉતરે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આખુ વર્ષ વાદળ છાયુ વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડું ફ્લાવરિંગ તેમજ મોર નહીં બેસતા આ વર્ષે કેરીનો પાક માંડ 35 ટકા જેટલો જ થયો છે અને તેની ગુણવત્તા પણ નબળી જ હશે. ત્યારે બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવાર ની હાલત ખૂબ જ કફોડી થઇ છે. જયેશ દેલાડે વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અને પ્રતિકુળ વાતાવરણ ના પરિણામે દક્ષિણ ગુજરાતના કેરી પાક ને અંદાજીત રૂા. 500 કરોડનું નુકશાન થવા જઈ રહ્યું છે જે એક સામાન્ય કૃષિ પરિવાર માટે ખૂબ જ અસહ્ય છે. ગુજરાત સરકાર એક પ્રજા વત્સલ, પ્રજાલક્ષી વિકાસ દ્વારા લઈને કાર્ય કરી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોના ખેતરોનો બાગાયત વિભાગે યુદ્ધના ધોરણે સર્વે કરવો જોઈએ. જેથી જગતના તાતને કુદરતી મારથી થતાં આર્થિક નુકસાનથી બચાવી શકાય.
હાફૂસ,કેસર,લંગડો,બદામ કેરીના ભાવો વધશે
કેરીના હોલસેલના વેપારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આંબાઓ ઉપર કેરીના પાકને વ્યાપક નુકસાન થતાં ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધશે. અત્યારે વલસાડી હાફુસનો ભાવ 10 કિલોની પેટીનો 2200 રૂપિયા ચાલી રહ્યો છે. તાલાલાની કેસર અને રત્નાગીરીની હાફુસનો ભાવ કિલોનો 300 રૂપિયા ચાલી રહ્યો છે. જે ગયા વર્ષ કરતા બમણો ભાવ છે. બદામ કેરી ગયા વર્ષે 50 રૂપિયે કિલો હતી એ 120 રૂપિયે કિલો વેચાઈ રહી છે. શોર્ટ સપ્લાયની વિગતો બહાર આવ્યા પછી આ ભાવો હજી વધશે એમ વેપારીઓ જણાવી રહ્યાં છે.