Editorial

કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂરિયાત છે કે નેતાઓ કેમ પક્ષ છોડવા મજબૂર બને છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે. મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં અનેક સમસ્યાઓ છે. કોંગ્રેસ માટે તક છે કે તે ગુજરાતની ભાજપ સરકારને ઘેરી શકે. પરંતુ નેતાઓથી ઘેરાયેલી કોંગ્રેસે અત્યાર સુધી મળેલી મોટા ભાગની તકો વેડફી નાંખી છે અને તેને કારણે જ છેલ્લા 3 દાયકા કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. અત્યાર સુધીમાં અનેક દાખલા એવા છે કે જેમાં કોંગ્રેસના જૂના નેતાઓ નવા નેતાને પક્ષમાં સ્વીકારી શકતા નથી. આમ પણ કોંગ્રેસમાં જૂથબંધી એટલી હદે વ્યાપેલી છે કે જે પક્ષને પતાવી દેવાનું કામ કરી રહી છે અને તેમાં પણ નવો નેતા આવે ત્યારે જૂના નેતાઓનો જાણે ગરાસ લુંટાઈ જતો હોય તેને પાડવાના પ્રયાસો શરૂ થઈ જાય છે.

જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સત્તાની કમાન સંભાળી ત્યારથી શરૂ કરીને છેક અત્યાર સુધીમાં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાથી શરૂ કરીને હાર્દિક પટેલ સુધીના અનેક નેતાઓ કોંગ્રેસમાં આવ્યા, પરંતુ કોંગ્રેસ એકપણ નેતાને સાચવી શકી નથી. શક્ય છે કે આ નેતાઓની માંગણીઓને કોંગ્રેસ સ્વીકારી શકી નહીં હોય, પરંતુ તેની સામે ભાજપમાં જોડાતા કોંગ્રેસના નેતાઓ ભાજપ છોડતા નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે આ મનોમંથન કરવાની જરૂરિયાત છે. દેશમાં હાલમાં જે નાના પક્ષો છે અને જે નાના પક્ષો રાજ્યોમાં સરકારમાં છે તેમાંથી અનેક પક્ષ એવા છે કે જેના નેતા પહેલા કોંગ્રેસમાં હતા. કોંગ્રેસથી છૂટા પડીને તેમણે પોતાનો પ્રાદેશિક પક્ષ રચ્યો અને જે તે રાજ્યમાં સત્તા હાંસલ કરી. આ નેતાઓમાં શરદ પવાર, મમતા બેનર્જી, જગમોહન રેડ્ડીનાં નામો મોખરે છે.

કોંગ્રેસ ક્યારેય પોતાની ભૂલોમાંથી શીખતી નથી. આ કારણે જ સમયાંતરે કોંગ્રેસ નબળી પડતી રહી છે અને સત્તામાંથી બહાર થતી રહી છે. કોંગ્રેસનો ધારાસભ્ય વેચાઈ જાય તે સહજ છે. જ્યારે સામે કોંગ્રેસ અન્ય પક્ષના ધારાસભ્ય તોડી લાવે તેવી ઘટના જૂજ જ છે. કોંગ્રેસ આત્મમંથન કરતી જ નથી કે શા માટે પક્ષમાંથી નેતાઓ જઈ રહ્યા છે? શા માટે અન્ય પક્ષની વિચારધારાઓને કોંગ્રેસના નેતાઓ સ્વીકારીને પક્ષ છોડી રહ્યા છે? બની શકે કે આ ધારાસભ્યોને લોભ-લાલચ આપવામાં આવતી હોય, પરંતુ કોંગ્રેસ કેમ પોતાના નેતાઓને સાચવી શકતી નથી?

થોડા સમય પહેલા શિવસેનાને નેતાઓને તોડીને ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.પરંતુ શિવસેનાએ પોતાના ધારાસભ્યોને સાચવી લીધા હતા. કોંગ્રેસ શા માટે એવું કરી શકતી નથી? કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં કરવામાં આવતો વિલંબ પણ ઘણી વખત પક્ષને નુકસાન કરે છે. બીજી તરફ ભાજપ દ્વારા નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવતો નથી.

સત્તાને ટકાવી રાખવા માટે ભાજપના નેતાઓ સતત પ્રયત્નશીલ રહે છે. કોઈપણ નેતાને ભાજપમાં એટલો મોટો થવા દેવામાં આવતો જ નથી કે જે પછી પક્ષને તોડીને મોટું નુકસાન કરે. કોંગ્રેસે ભાજપ પાસેથી આ શીખવાની જરૂરિયાત છે. જે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન ચલાવીને કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં અઢળક બેઠકો અપાવી તે હાર્દિક પટેલને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા. પરંતુ હાર્દિક પટેલ હવે બળવાના સૂર કાઢી રહ્યા છે. ચૂંટણીનું વર્ષ છે અને હાર્દિક પટેલ જેવા નેતા કોંગ્રેસને છોડીને જતા રહે તો પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ રહેલી છે.

થોડા સમય પહેલા પાટીદાર આગેવાન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી ચર્ચાઓ આવી હતી. નરેશ પટેલ, હાર્દિક પટેલ અને સાથે સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ ભેગા થાય તો આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળી શકે તેવી પરિસ્થિતિ છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ દ્વારા પ્રશાંત કિશોરના સહારે ગુજરાતની ચૂંટણી જીતવા માટેનાં આયોજનો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જ્યાં જૂના છપાયેલા કાટલા જેવા જ નેતા હશે અને એવા નેતાઓને જ પક્ષમાં મહત્ત્વ અપાતું રહેશે કે જે નેતા વોર્ડની ચૂંટણી પણ જીતી શકે તેમ નથી ત્યાં પ્રશાંત કિશોર પણ કશું કરી શકશે નહીં. ભાજપ જે ચૂંટણીઓ જીતે છે તે તેના નેતાના સહારે નહીં, પરંતુ પોતાના કાર્યકરોના સહારે જીતે છે. હાર્દિક પટેલને સંભાળી લેવાની જરૂર છે. કોંગ્રેસ હાર્દિક પટેલને ગુમાવશે તો પક્ષને મોટું નુકસાન રહેશે તે નક્કી છે.

Most Popular

To Top