SURAT

સુરતના વરાછાના જવેલર્સને ત્યાં દરોડા, કરોડોની કિંમતનું દાણચોરીનું સોનું પકડાયું

સુરત: કોરોનાકાળ (Corona) દરમ્યાન શિથિલ રહેલા સુરત (Surat) ડીઆરઆઈ (ડિરેકટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ) વિભાગે બાતમીના આધારે શહેરના વરાછા રોડના (Varacha Road) લંબે હનુમાન વિસ્તારમાં જવેલરીનો શોરૂમમાં દરોડા (Raid) પાડી 15.50 કિલો સોનુ જપ્ત કરી 4 લોકોની પૂછપરછ શરૂ કરી છે. સુરત ડીઆરઆઈ વિભાગે મોટું ઓપરેશન હાથ ધરીને અહીંથી પ્રાથમિક સર્વેમાં દાણચોરીથી લાવવામાં આવેલું 8.50 કરોડનું સોનુ સિઝ કર્યું છે.

શહેરના લંબે હનુમાન રોડ પર આવેલા સોના-ચાંદીના મોટા શોરૂમના સંચાલકો 15.50 કિલો સોનુ 7.50 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ભર્યા વિના વિદેશથી લાવ્યા હોવાની ડીઆરઆઈને આશંકા છે.આ સોનાની ખેપ કોણે મારી,સોનુ ક્યાંથી બિલ વિના આવ્યું? એની તપાસ ચાલી રહી છે. આ સોનું સુરત સેઝથી બહાર આવ્યું હોવાની જવેલર્સમાં ચર્ચાઓ ચાલી રહી છે.જોકે ડીઆરઆઈએ આ સર્ચ ઓપરેશનને લઈ કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી હજી સર્ચની કાર્યવાહી ચાલી રહી છે એ પૂર્ણ થયા પછીજ સ્પષ્ટ થશે.અત્યારે સોનાની કિંમત 8.50 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

વિભાગે આ કેસમાં ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે DRI વિભાગને અગાઉથી માહિતી મળી હતી કે સુરત શહેરના ઘણા જ્વેલર્સ દાણચોરીનું સોનું વેચી રહ્યાં છે. જેના કારણે વિભાગ સક્રિય બન્યો હતો અને ઘણા દિવસોથી આવા લોકોની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન વિભાગને મળેલી માહિતીને આધારે ગુરુવારે લંબે હનુમાન રોડ પરના એક શોરૂમમાં કાર્યવાહી કરવામાં આવી હતી.અને અહીં 15.50 કિલો સોનાના બિલ જવેલર્સ રજૂ કરી શક્યા ન હતા. આ સોનું વિદેશથી આયાત કરવામાં આવ્યું હતું અને જેના પર ડ્યુટી ચૂકવવામાં આવી ન હતી. હાલમાં વિભાગે 4 લોકોની પૂછપરછ શરૂ કરી છે. વિભાગનું માનવું છે કે જુદા જુદા શહેરોથી ડ્યૂટી ચોરી કરીને સોનુ સુરતમાં લાવવામાં આવ્યું છે.

સોના-ચાંદીના અન્ય વેપારીને ત્યાં દરોડા પાડી 1.35 કરોડના સોનાના 27 બિસ્કિટ જપ્ત કરાયા
અન્ય બીજા ઓપરેશનમાં ડીઆરઆઈની ટીમે સોના – ચાંદીના અન્ય એક વધુ વેપારી સામે દરોડાની કાર્યવાહી હાથ ધરીને 27 સોનાની બિસ્કીટ મળી આવતા તે જપ્ત કરી લીધા છે. જેની કિમત 1.35 કરોડ થવા જાય છે. જયારે તેનું વજન 2.4 કિલો થવા જાય છે. દાણચોરીનું આ સોનું જપ્ત કરી લેવાયું છે. જયારે સોનાની દાણચોરી કરતો દાણચોર પણ રેવન્યૂ ઈન્ટેલીજન્સની ઝપટમાં આવી ગયો છે. યુક્રેન – રશિયાના યુદ્ધના પગલે સોનાના ભાવોમાં વધારો થયો છે. જેના પગલે તેની દાણચોરી વધી જવા પામી છે.

Most Popular

To Top