SURAT

લો બોલો.. સુરતમાં માલિકે રિનોવેશન માટે ફ્લેટ ખાલી કર્યો અને બીજાએ તાળુ તોડી પચાવી પાડ્યો

સુરત: (Surat) પાંડેસરા જીઆઈડીસીમાં (GIDC) રહેતા આધેડનો આરસી કોલોનીમાં આવેલા ફ્લેટનું તાળુ તોડી ગેરકાયદે પ્રવેશ કરી ફ્લેટ પચાવી પાડનાર સામે પાંડેસરા પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી સુપર વેલ્ડીંગ વર્કસના પહેલા માળે રહેતા 60 વર્ષીય ઈશ્વર ભાણાભાઈ ખલાસી પાંડેસરા આર.સી.ઍલ નં-૧૨ કોલોની બ્લોક નં-૪ ફ્લોટ નં. ૨૦ની માલિકી ધરાવે છે. આ ફ્લેટનું ગત જુન 2018 થી ઓગસ્ટ 2018 ના સમયગાળામાં સંતોષ ઉર્ફે સંતોષ માલીયો વૃંદાવન સ્વાઈએ દરવાજાને મારેલુ તાળુ (Lock) તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફ્લેટ (Flat) પચાવી પાડ્યો હતો.

ઈશ્વરભાઈ ખલાસીએ વર્ષ 1995 માં જીઆઈડીસી ગાંધીનગર દ્વારા કામદારોને મકાન આપવા માટે પાંડેસરા જીઆઈડીસીમાં બિલ્ડીંગો બનાવી હતી. જેમાં ફોર્મ ભર્યું હતું. પાંડેસરા જીઆઈડીસી તરફથી હુડકો સ્ક્રીમ મુજબ આ ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. જેના રૂપિયા 15 હજાર ભર્યા હતા. જીઆઈડીસીએ વેચાણ કરાર પણ લખી આપ્યો હતો. તેઓ વર્ષ 1995 માં આ ફલેટમાં પરિવાર સાથે રહેવા માટે ગયો હતો. તેમણે વર્ષ 2018 માં રિનોવેશન માટે ફ્લેટ ખાલી કર્યો હતો. અને ત્યારબાદ સંતોષે તેના પર કબજો કર્યો હતો. પોલીસે ઈશ્વર ખલાસીની ફરિયાદને આધારે સંતોષ માલીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિધવાની જમીન પચાવી પાડવા બોગસ કબજા રસીદ બનાવનાર આરોપી પકડાયો
સુરત : કતારગામમાં અંકુર વિદ્યાલયની સામે બોગસ કબજા રસીદથી જમીન પચાવી પાડવાના ગુનામાં કબજા રસીદ બનાવનાર આરોપીની ધરપકડ કરાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ કંતારેશ્વર મહાદેવ મંદિરની સામે ગોપીનાથ સોસાયટીની સામે પાર્વતીનગર સોસાયટીમાં રહેતા રમાબેન જમનભાઈ માધાણી (ઉ.વ.૫૫) અને તેમના પરિવારની માલિકીની જગ્યા કતારગામની અંકુર વિદ્યાલયની સામે આવેલી છે. આ જમીનમાં ઇશ્વરભાઇ છગનભાઇ ડાભી તેનો પુત્ર હસમુખે કબજો જમાવીને ત્યાં વેપાર શરૂ કરી દીધો હતો.

આ બાબતે રમાબેને ઇશ્વરભાઇને જમીન ખાલી કરી દેવા માટે કહેતા તેઓએ કહ્યું કે, આ જગ્યા અમે મુળ જમીન માલિકોની પાસેથી સને-2001માં ખરીદ કરી છે. આ માટે તેઓએ પાવર ઓફ એર્ટની તેમજ પ્રવિણ ખીમજીભાઇ ગોહિલે લખી આપેલી કબજા રસીદ રજૂ કરી હતી. પરંતુ સને-2000માં જ જમીનના મુળ પાવરદાર પરસોત્તમભાઇ મગનભાઇ પટેલ ગુજરી ગયા હતા અને પ્રવિણભાઇ ગોહિલે બોગસ કબજા રસીદ ઊભી કરીને જમીન વેચી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે કતારગામ પોલીસમાં ફરિયાદ થતા પોલીસે કબજા રસીદ તૈયાર કરનાર પ્રવિણ ગોહિલની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવાની તજવીજ શરૂ કરી છે.

Most Popular

To Top