અમરેલી: ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ પહેલા ગરમીને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. તો હવે આવનારા 24 કલાકમાં કમોસમી વરસાદની (Unseasonable rains) આગાહી કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbances) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) છવાયુ હતું. આજે ગુરૂવારે સવારે આણંદ, ખેડા અને ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ખેડા અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો પવન સાથે હળવો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. જો કે આ કમોસમી વરસાદે લોકોને ગરમીથી તો રાહત આપી પરંતુ ખેડૂતો માટે તે આપત્તિજનક સાબિત થઇ શકે છે.
ખેડા જિલ્લામાં બે દિવસથી વાતાવરણનો મિજાજ બદલાયો
ખેડા જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બુધવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ બન્યો છે. તેમજ સતત બીજા દિવસે અમુક સ્થળો પર માવઠું થતા તેમજ આ પ્રકારના સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થવાની શક્યતા હોય છે. તેથી ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.
વલસાડના વિસ્તારોમાં વરસાદી ઝપટા પડ્યાં
વાતાવરણના પલટાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. ત્યાં સવારથી જ વાદળછાયું શીતળ વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છૂટોછવાયા કમોસમી વરસાદ પડતાં કેરીના પાક પર આધાર રાખનારા ખેડૂતો માટે ભારે ચિંતા ઊભી થઇ છે. જેને કારણે કેરીના પાકના નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
અમરેલીમાં વીજળી પડતાં એકનુ મોત
અમરેલી જિલ્લામાં વરસાદ ન પડ્યો પરંતુ તેની ગર્જના બધે જ પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના દરિયાકિનારે વીજળીના ચમકારાના ધડાકા જોવા મળ્યા હતા. તેવામાં રાજુલા નજીક પાણીની ખાડીમાં માછીમારી કરી રહેલા એક યુવકનુ મોત નીપજ્યુ હતુ. 35 વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ અમરેલી શહેરમાં મધ્યરાત્રિએ વરસાદી છીંટા પડ્યાં હતાં.
દાહોદમાં વાતાવરણ બદલાતા ઠંડક પ્રસરી
દાહોદ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં આજે પરોઢિયે જ એકાએક વાતાવરણમાં ફેરફાર સર્જાયો હતો. જેને કારણે વાદળછાયું વાતાવરણ થતા ચારેબાજુ ઠંડક ફેલાઇ હતી. જો કે બપોરે ફરીથી ગરમી અનુભવાઇ હતી. તેમજ દાહોદ શહેર સહિત જિલ્લાના સંજેલી, લીમખેડા, દેવગઢ બારિયા, ફતેપુરા, ઝાલોદ, ગરબાડા જેવા તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારામાં વાદળછાયું વાતાવરણ સાથે અમીછાંટા પણ પડ્યાં હતાં. અગાઉ હવામાન વિભાગ દ્વારા વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. તથા ઠંડુ વાતાવરણ રહેતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
ભાવનગરમાં કમાસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી
વાતાવરણમાં થઇ રહેલા પરિવર્તનનુ કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને માનવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી છાંટાં પડ્યા જે પ્રમાણે સવારથી જ ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ફરીથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. કારણ કે આ માવઠાની અસર કેરી સહિતના બાગાયત પાક ઉપરાંત પશુચારો સાથે શાકભાજીની તૈયાર ફસલને થવાની શક્યતા છે. આજ સવારથી વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીથી તે રાહત મળી છે પરંતુ ભેજનુ પ્રમાણ વધ્યુ હોવાથી અસહ્ય બફારો સર્જાયો છે. ઉપરાંત જો વરસાદ થાય તો પાકને ભારે નુકસાન થઇ શકે છે.