વડોદરા : વડોદરામાં બે દિવસ પૂર્વે થયેલ બે કોમ વચ્ચેની અથડામણમાં રાયોટિંગના ગુના હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસ મદનઝાંપા પહોંચી હતી. જ્યાં બે શકમંદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.પરંતુ માથાભારે ઇસમોના ટોળાએ ભેગા થઈ પોલીસ સાથે ઝપાઝપી કરી શકમંદોને છોડાવી લઈ ગઈ હતી. જેના કારણે સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ રાવપુરા રોડ પર સામાન્ય અકસ્માતની ઘટના બાદ ભારે પથ્થરમારો થયો હતો. જેમાં મંદિરની મૂર્તિને નુકશાન પહોંચાડી ખંડીત કરવામાં આવી હતી.તેમજ અસામાજીક તત્વો દ્વારા વાહનોને પણ નિશાન બનાવી ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ.આ ઘટનામાં પોલીસે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના રાઇયોટીંગના ત્રણ ગુનાઓ નોંધ્યા હતા.જેમાં પોલીસે 20 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન તપાસમાં ગયેલી વાડી પોલીસ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ધર્ષણ સર્જાયુ હતું.
વડોદરામાં છેલ્લા બે દિવસથી શહેરની સુલેહ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.રાવપુરા રોડ બનેલી ઘટનાએ સમગ્ર શહેરની શાંતિ ભંગ કરી હતી.બનાવને પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કર્યું હતુ. બીજી તરફ તોફાની તત્વોની પણ શોધખોળ હાથ ધરી હતી. જે સંદર્ભે મંગળવારે રાતે વાડી પોલીસની એક ટીમ મદનઝાંપા રોડ પર પહોંચી હતી.
પોલીસને જોઇ સ્થાનિકો રોષે ભરાયા હતા. અત્યંત સંવેદનશીલ મનાતા વિસ્તારમાં પહોંચેલી પોલીસની ટીમ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ટોળુ એકત્ર થયુ અને ધર્ષણના દૃશ્યો સર્જાયા હતા. નજીકમાંજ પોલીસ કાફલો હોવાથી અન્ય પોલીસ કર્મીઓ તાત્કાલિક આવી પહોંચ્યાં હતા. ઘટનાની જાણ પોલીસના ઉચ્ચઅધિકારીઓને થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે આ મામલે ડીસીપી ઝોન -3 યશપાલ જગાણીયાએ મીડિયા સાથે જણાવ્યું હતુ કે, પોલીસ કમિશનરના હુકમથી સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, 11 વાગ્યા પછી ચાલુ રહેતા લારી-ગલ્લા શાંતિપુર્ણ રીતે બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતુ. આ દરમિયાન સામાન્ય ધર્ષણ થયું હતુ પરંતુ તે અંતે સોલ્વ થઇ ગયું છે અને કોઇ શોધખોળ કરવામાં આવી રહી નથી. જોકે એવું સાંભળવા મળ્યું હતું કે પોલીસે દબોચી લીધેલા 2 તોફાનીઓને છોડાવવા કાવતરું રચ્યું હતું અને ધાર્યું પાર પાડયા બાદ ટોળું પલાયન પણ થઇ ગયું હતું. બનાવ અંગે એક પણ ઉચ્ચ અધિકારી સત્ય હકિકતને ફોડ પાડવા તૈયાર નથી. જે પોલીસ ફરિયાદ ના નોંધાતા કદાચ આગામી દિવસોમાં તોફાની તત્વોને વધુ છૂટો દોર મળી જાય.