આણંદ : બોરસદના ધર્મજ રોડ પર પુટપાટ ઝડપે જતી ટ્રકના ચાલકની બેદરકારીના કારણે રીક્ષા હડફેટે ચડી ગઇ હતી. જેના કારણે તેમાં સવાર બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે એક કિશોર ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના સુંદરા ગામે સૈયદવાસમાં રહેતા નઝીરહુસેન હાસમઅલી સૈયદના પિતરાઇ યુસુફઅલી ઇમામઅલી સૈયદ ગામના જ ગોવિંદભાઈ પુંજાભાઈ ઠાકોરની રીક્ષા ભાડે ફેરવે છે. દરમિયાનમાં 20મી એપ્રિલના રોજ નઝીરહુસેનને કામ પડતાં તેણે યુસુફઅલીને મોબાઇલ પર ફોન કરતા કોઇ રાહદારીએ ઉઠાવ્યો હતો અને યુસુફઅલીની રીક્ષાને બોરસદ અંજલી હોસ્પિટલ નજીક અકસ્માત નડ્યો છે.
આથી, નઝીરભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જેમાં તપાસ કરતાં રીક્ષાનો લોચો વળી ગયેલો હતો. જેમાં યુસુફઅલી ઇમામઅલી સૈયદ (ઉ.વ.48) અને રીક્ષા માલીક ગોવિંદભાઈ પુંજાભાઈ ઠાકોર (ઉ.વ.60)ને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આસપાસના માણસોને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, વ્હેલી સવારે સાડા ચારેક વાગ્યાના સુમારે પુર ઝડપે ધસી આવેલી ટ્રકે રીક્ષાને ટક્કર મારી ભાગી ગયો હતો. આ ટક્કરથી રીક્ષામાં સવાર યુસુફ અને ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે જૈમીન રાજેન્દ્રકુમાર ઠાકોર (ઉ.વ.15, રહે. ધૈર્યપુરા, તા.પેટલાદ)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે 108માં શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.