Sports

રવિ શાસ્ત્રીએ કહ્યું કોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને આરામની જરૂર છે…

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli) લઈને ભારતીય ક્રિકેટ (Cricket) ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) એક નિવેદન આપ્યું છે. હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ તરફથી રમી રહ્યો છે. કોહલી આ દિવસોમાં એક રન માટે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોહલી અત્યારે સારા ફોર્મમાં નથી. તેથી રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોહલીએ એક બ્રેક લેવાની જરૂર છે તે માનસિક રીતે થાકી ગયો છે.

વિરાટ કોહલીએ IPLની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે 7 મેચમાં માત્ર બે વખત 40 થી વધુ રન બનાવ્યા છે. મંગળવારે IPL મેચમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો.કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની 96 રનની ઇનિંગની મદદથી આ મેચમાં RCBએ લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું.

આ દરમિયાન ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને આરામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે તે લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. આ સમયે કોરોનાના કારણે ક્રિકેટ કેટલાક વર્ષોથી બાયો-બબલમાં રમાઈ રહ્યું છે. આ સાથે કોહલી માનસિક રીતે થાકી ગયો છે. જો કોહલીની કારકિર્દીના બાકીના વર્ષોમાં શ્રેષ્ઠ ક્રિકેટ જોવા માંગતા હોવ તો આરામ આપવો જરૂરી છે.

કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આરામ આપવો જોઈએ
રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે વિરાટ કોહલી અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની કારકિર્દીના હજુ 6-7 વર્ષ બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ કોહલીને મુશ્કેલીમાં ધકેલશે, ખાસ કરીને જ્યારે બાયો-બબલને કારણે થકવી જવું એ ચિંતાનું કારણ છે. પ્રશંસકોની અપેક્ષાઓ પૂરી કરવા અને અન્ય જવાબદારીઓને કારણે કોહલીનું મન પહેલેથી જ થાકી ગયું છે. મારું માનવું છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોહલીને આરામ આપવો જોઈએ.

શ્રેષ્ઠ આપવાની રેસમાં એક ખેલાડી પોતાની જાતને ગુમાવી શકે છે શાસ્ત્રીએ કહ્યું કે જ્યારે હું ટીમ ઈન્ડિયાનો કોચ હતો ત્યારે મેં એક વાત પર ખૂબ ભાર મૂક્યો હતો, ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ અપનાવવી. જો તમે જબરજસ્તી કંઈક કરો છો, તો એક પાતળી રેખા બને છે જેમાં ખેલાડી પોતાને સાબિત કરવા માટે પોતાને ગુમાવે છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.

કોહલીને આરામની સખત જરૂર છે: પીટરસન
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ શાસ્ત્રીના દૃષ્ટિકોણ સાથે સહમત થયા અને કહ્યું કે કોહલીને નવી ઉર્જા આપવા માટે રમતગમત અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે. પીટરસને કહ્યું, ‘તે ઘણી બાબતોમાં સામેલ છે. તે આ રમતનો સૌથી મોટો સ્ટાર છે. વિરાટ કોહલીને થોડા સમય માટે આરામની સખત જરૂર છે. તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે અને પોતાની જાતને ફરીથી ઉત્સાહિત કરવી પડશે.’

33 વર્ષીય વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20)માં છેલ્લી 100 મેચોમાં સદી ફટકારી શક્યો નથી. તેણે ગયા વર્ષે જ ટીમ ઈન્ડિયા અને RCB બંનેની T20 કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે ટેસ્ટની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે, જ્યારે તેને વનડે ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top