વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં અંધ છોકરીઓની હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરતી યુવતીને અમદાવાદના ફોટોગ્રાફરે પીઆઈની નોકરી અપાવવાના બહાને રૂ.4.84 પડાવી લીધા હતા. જોકે આ બાદ વાયદા પર વાયદા કરી યુવતીને રૂપિયા પરત ન આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે અંગે વાડી પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર મુળ નર્મદાના અને હાલ શહેરના વાડી પટેલ એસ્ટેટ ગાજરાવાડી ખાતે રહેતા ઉર્વશાબેન બંસીલાલ વસાવા વાડી ખાતે અંધ છોકરીઓની હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે. તેમને વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યુ છે કે, વર્ષ 2019માં હું અંધ વિદ્યાર્થીઓને લઈ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના પ્રોગ્રામાં ગઈ હતી. જ્યાં એક ફોટોગ્રાફર હરેશ લક્ષ્મણભાઈ સોદાગર ઉર્ફે હરી ગજ્જર (રહે, હરહર ગંગે એપાર્ટમેન્ટ અમદાવાદ અને મુળ અમરેલીનો) મળ્યો હતો. અને તેણે તેના ગ્રુપમાં ફોટો મોકલવા માટે નંબર આપ્યો હતો. અને કોઈ સરકારી નોકરીની તૈયારી કરો છો કે કેમ? સરકારી નોકરી લેવી હોય તો મારી રાજકારણીઓની ઓળખાણ છે તેમ જણાવ્યુ હતું. આ સાથે મારા ભાભીને પણ તલાટી મંત્રીની નોકરી અપાવી છે. તેમજ ધો.10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં પૈસા લઈ સારા માર્ક્સે પાસ કરાવ્યા છે. તેવી વાતો કરી હરેશ ઉર્ફે હરીએ ઉર્વશાબેનને વિશ્વાસમાં લીધા હતા. અને આ બાદ તેઓ વચ્ચો અવાનવાર ફોન પર વાતો થતી હતી. ઉર્વશાબેને વધુ જણાવ્યુ હતું કે, હરીશ ઉર્ફે હરી અમારા ગામડે પણ આવ્યો હતો. અને માતા પિતાને પણ મળ્યો હતો. ત્યારે તેને જણાવ્યુ હતું કે, પીઆઈની નોકરી જોઈતી હોય તો રૂ.7 લાખ ટુકડે ટુકડે ભરવાના થશે, અને તમને હું પીઆઈની નોકરી આપાવી તેની ખાત્રી આપુ છું.
ત્યારબાદ તેની પર વિશ્વાસ આવી જતા મે તેને ટુકડે ટુકડે રૂ.6.09 લાખ આપ્યા હતા. પરંતુ તેને મારી પાસે પૈસા લઈ નોકરી ન અપાવી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા તેની પાસે પૈસા પરત માંગ્યા હતા. જેથી તેને મને ટુકડે ટુકડે ફક્તા રૂ.1.25 લાખ આપ્યા હતા. અને બાકીના પૈસા આપી દઈશ તેવી બાંહેધરી આપી હતી. જોકે તે બાદ મે અવારંવાર પૈસાની માંગણી કરતા તેમને ધમકી આપી હતી કે, પૈસા નહીં મળે તમારાથી થાય તે કરી લો. આ ફરિયાદના આધારે વાડી પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.