દેલાડ: નઘોઈ (Naghoi) ગામ વિકાસ કામોમાં ગેરરીતિ અંગે તપાસ કરી પગલાં લેવા બાબતે સુરત (Surat) જિલ્લા વિકાસ અધિકારી, ઓલપાડ (Olpad) તાલુકા વિકાસ અધિકારી તથા વિકાસ કમિશનરને પત્ર લખી જવાબદાર સામે પગલાં લેવા ગામ પંચાયત નઘોઇના કમિટી સભ્ય અને ખેડૂત આગેવાન હેમલ પટેલ દ્વારા ગ્રામજનોના હિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- નઘોઈ ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાની ગેરરીતિ અંગે સુરત જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત
- અસરકારક કાર્યવાહી કરી યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત સભ્યની કોર્ટમાં જવાની ચીમકી
નઘોઈ ગ્રામ પંચાયતના સભ્ય હેમલ કાંતિ પટેલની લેખિત રજૂઆત મુજબ છેલ્લાં પાંચથી છ વર્ષના સમયગાળામાં વિકાસનાં જે કામો થયાં છે, એ અંગે સ્થળ પર જોતાં કામો થયાં નથી અને ખર્ચ થયો હોવાથી તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. જેમાં ૨૦૧૬-૧૭ના વર્ષમાં LED લાઇટ બેસાડવાનું કામ ૧૩મા નાણાપંચમાં મંજૂર થયું હતું. જેનો અંદાજિત ખર્ચ ૧,૯૮,૦૦૦ WED લાઇટની બે કે ત્રણ વર્ષની ગરેન્ટી આપવામાં આવી હોવા છતાં દર વર્ષે સમારકામના (મેઇન્ટેનન્સ) નામે દર વર્ષે બિલ મૂકવામાં આવતાં હતાં. જે અંગે કરેલો ખર્ચ ખોટો બિનજરૂરી અને નિયમ વિરુદ્ધનો છે. એટીવીટી યોજના હેઠળ ૧૬-૧૭ના વર્ષમાં નઘોઈ ગામના પાદર પાસેથી જયેશ ધનસુખના ઘર સુધી ડામર સપાટીનું કામ મંજૂર થયું છે. જેનો અંદાજિત ખર્ચ ૨ લાખ જેટલો છે. આ બાબતે જે કોટેસન મંગાવાયું છે. જે તારીખ વગરના હોવાથી બોગસ અને પાછળથી મંગાવેલ છે અને એ નામના કોઈ કંપની અસ્તિત્વમાં નથી. સ્થળ પર જોતાં એટીવીટી યોજનામાં મંજૂર થયેલું કામ હકીકતમાં થયું જ નથી અને ખોટો ખર્ચ પાડ્યો છે એ સ્પષ્ટ થાય છે.
૨૦૧૭-૧૮ના વર્ષમાં ધારાસભ્યના ફંડમાંથી નઘોઈ ગામે મેઇન રોડથી રતનબેન લીંબાભાઈ પટેલના ઘર સુધી ડામરનું કામ જેનો અંદાજિત ખર્ચ ૧,૪૮,૫૦૦ અંકે રૂપિયા ખર્ચ સને ૧૮-૧૯ના વર્ષમાં પાડ્યો છે. આ અંગે સ્થળ સ્થિતિ જોતાં ફક્ત રતનબેનના ઘર પાસે પેવર બ્લોક બેસાડ્યા છે. જે ખાનગી રીતે ખર્ચ કરીને બનાવ્યો છે. પરંતુ ડામર સપાટીનો રસ્તો બનાવ્યો નથી અને ખર્ચ પાડવામાં આવ્યો છે. જે ખોટો અને ગેરકાયદે છે.
એટીવીટી યોજના હેઠળ નઘોઈ ગામે દૂધઘરથી કમરોલી રોડ તરફ જતો રસ્તો ડામર ૧૮-૧૯ના વર્ષમાં મંજૂર થયો હતો. જેનો અંદાજિત ખર્ચ ૧,૪૮,૫૦૦ જેનો ખર્ચ ૧૯-૨૦ના વર્ષમાં પડ્યો છે અને આ જ રસ્તાનું કામ નઘોઈ ગામે દલપતભાઈના ઘરથી જશવંતભાઈના ઘર સુધી ડામર સપાટીના રસ્તા તાલુકા કાર્યવાહક સમિતિમાં પણ મંજૂર થયું છે. આ રસ્તાનું કામ થયું નથી. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧૯-૨૦ના વર્ષમાં નઘોઈ ગામે પંચાયત ભવનની સામે પેવર બ્લોકનું કામ ૨ લાખ મંજૂર થયું છે. જેનો ખર્ચ ૨૦-૨૧ના વર્ષમાં થયો છે. જેનો ખર્ચ ૧,૯૨,૧૯૬ આ કામ થયું નથી અને ખોટો ખર્ચ પાડ્યો છે.
નઘોઈ ગામ છેલ્લાં પાંચથી છ વર્ષમાં અંદાજિત ૯ લાખ અંકે રૂપિયા નવ લાખની રકમમાં જોતાં ગેરરીતિ થયેલી જણાય છે. સ્થળ ઉપર કામ થયાં નથી અને કોટેસન પણ તારીખ વગરના અને બોગસ મૂક્યાં છે. સક્ષમ અધિકારી પાસે યોગ્ય તપાસ કરાવી સ્થાનિક ગ્રામજનોના પણ જવાબ લઈ વિકાસનાં કામો અંગેની ખરાય કરવામાં આવે તો મોટી ગેરરીતિ થઈ હોવાનું બહાર આવે એમ છે અને આ તપાસ કોઈપણ જાતના દાબદબાણ વગર અને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે. સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે. જવાબદાર અધિકારી દ્વારા અસરકારક કાર્યવાહી કરી યોગ્ય નિકાલ કરવામાં નહીં આવશે તો ન્યાયની કોર્ટમાં જવાની પણ તૈયારી ચીમકી આપી હતી.