SURAT

સુરતમાં કોર્પોરેટરના પતિએ પહેલાં ફરિયાદ કરી અને પછી રેતીચોર સાથે ભાગીદારી કરી લીધી

સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ (Utran) ગામના તાપી (Tapi) કિનારે ચાલી રહેલા ગેરકાયદે રેતીખનનમાં (Illegal Sand Mining) વોર્ડ નંબર-1ના નગરસેવિકા (Corporator) ગીતા સોલંકીના (Gira Solanki) પતિદેવ જીતેન્દ્રની ભાગીદારી હોવાની કલેકટરે (Collector) ફરિયાદો (Complaint) કરાતા મામલો વધુ પેચીદો બન્યો છે.

ઉત્રાણ ગામ અને અમરોલી બ્રિજ નીચે કેટલાંક સમયથી ગેરકાયદે રેતીખનન ધમધમતું હતું. આ રેતીખનનને લીધે ભૂસ્તર વિભાગ સહિત પોલીસ વિભાગની લાપરવાહી ઉપર માછલા ધોવાયા હતાં. અનેક ફરિયાદો બાદ અમરોલી બ્રિજ નીચે રેતીખનન કરનારા પલાયન થઇ ગયા હતા. પરંતુ ઉત્રાણમાં ધાબાના વડ નજીક મહાદેવ મંદિરની પાછળના ભાગે રાતના અંધકારમાં મોટાપાયે રેતીખનન શરુ થયું હતું. આ રેતીખનનમાં અરવિંદ નામના રેતીચોરનું નામ ઉછળ્યું હતું. આ અરિવંદ સાથે સ્થાનિક પોલીસ અને ભૂસ્તર વિભાગના કેટલાંક ભ્રષ્ટ કર્મચારીઓની સાંઠગાંઠ હોવાની વાત બહાર આવી હતી.

દરમિયાન આ રેતીચોરને વોર્ડ નંબર-1ના નગર સેવિકા ગીતા સોલંકીના પતિ જીતેન્દ્ર સોલંકીનું પીઠબળ હોવાની વાત સપાટી ઉપર આવી છે. આ અંગે સુરત જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી મહિલા કોપોર્રેટરના પતિ સામે ગંભીર આરોપો કરાયા છે. આ ફરિયાદમાં કહેવાયું હતું કે, અગાઉ પણ આ ટોળકી દ્વારા રેતીખનન કરનારા સાથે સેટિંગ કરી લાંબીટૂંકી રકમ ઉઘરાવી લેવાઇ હતી. ગેરકાયદે રેતીખનન કરનારાઓ પાસે આ મહાશયે કરોડો રૂપિયા ઉસેટી લીધા હોવાની પણ ફરિયાદો કરાઇ છે. આગામી દિવસોમાં સુરત શહેરના ભાજપાના રાજકારણમાં પણ આ મામલો ઉગ્ર બને તેવા વાવડ મળી રહ્યાં છે.

મને આ પ્રકરણમાં કોઈ જાણ સુદ્ધાં નથી: જિતેન્દ્ર સોલંકી
રેતીચોરી પ્રકરણમાં કલેક્ટરને થયેલી રજૂઆતમાં સ્થાનિક મહિલા નગર સેવિકાના પતિનું નામ પણ ઉછળ્યું છે. જે બાબતે કોર્પોરેટરના પતિ જિતેન્દ્ર સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં મને જાણ સુદ્ધાં નથી. કોઈએ જાણી જોઈને રાજકીય વિવાદ ઉભો કરવા નામ લીધું હોઈ શકે છે.

ઉત્રાણમાં રાતે રેતીચોરોને પકડવા વોચ ગોઠવાતાં ખનીજચોર છૂમંતર
ઉત્રાણ ગામમાં શરૂ થયેલા ગેરકાયદે રેતીખનન સામે સ્થાનિક લોકોએ હંગામો મચાવતાં મામલો બહાર આવ્યો છે. રાત્રિના અરસામાં ચાલી રહેલા ગેરકાયદે રેતીખનન અંગે અરવિંદ નામના માણસનું નામ બહાર આવતાં તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસમાં અરવિંદ કેટલાક સ્થાનિક રાજકારણીઓ સાથે મળી ગેરકાયદે રેતીખનન કરતો હોવાનું બહાર આવ્યું છે. ભૂસ્તર વિભાગની ટીમે ઉત્રાણ ગામમાં સતત વોચ ગોઠવી છે. વિતેલા બે દિવસથી રાતના અરસામાં પણ ત્યાં તપાસ કરાઇ રહી છે. પરંતુ રેતીખનનનો મામલો મીડિયામાં ઊછળતાં રેતીચોરો ગાયબ થઇ ગયા છે. જો કે, આ અંગે પૂછપરછ કરતાં નવનિયુક્ત રોયલ્ટી ઇન્સ્પેક્ટર કાછડિયાએ કહ્યું હતું કે, તેમને આ વિસ્તારમાં વોચ ગોઠવી છે. લોકલ લેવલે માહિતી ઝડપથી મળે એ માટે નેટવર્ક ગોઠવી દીધું છે. હવે જેવા રેતીચોરો તાપી નદીમાં પગ મૂકશે કે તરત તેમની તમામ સાધન-સામગ્રી જપ્ત કરી લેવાશે.

Most Popular

To Top