Columns

ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય પછી વધારે સમૃધ્ધ બને

આમ તો આપણે બધાં આલિયા રણબીરનાં લગ્ન પતાવીને બેઠા બેઠા કોમવાદ અને કટ્ટરવાદની ચર્ચા કરવામાં બિઝી હોઇશું પણ ઋષિ સુનક નામ તમને સાંભળેલું લાગી શકે છે.  આમે ય આપણને ભારતીયોને વિદેશ જઇને મોટા માણસ બની ગયેલા ભારતીયો વિશે જાણવા સાંભળવાનું બહુ ગમે છે. પહેલું તો એ કે ઋષિ સુનક ભારતમાં જન્મ્યા નથી, એટલે એ વિદેશી નાગિરક છે. આપણે તેમના મૂળને લઇને ખુશ થવું હોય તો છૂટ છે, પણ તેનો કોઇ અર્થ નથી સરતો. બ્રિટીશ રાજકારણી ઋષિ સુનક 2020 થી એક્સચેકરના ચાન્સેલર છે અને આ પહેલા ટ્રેઝરીના ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક રિચમન્ડ બેઠકથી 2015 થી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા છે. ઋષિ સુનક આજકાલ ચર્ચામાં છે, એ શા માટે છે તે પહેલા સમજીએ.

આમ તો ગણતરીના દિવસો પહેલા એમ હતું કે બોરિસ જ્હોનસન જો બ્રિટનના વડા પ્રધાન તરીકે જાય તો તેમના પછીના ઉમેદવાર તરીકે લોકો ઋષિ સુનક પર મદાર રાખીને બેઠા હતા. પણ આ શક્યતા પત્તાના મહેલની માફક પડી ભાંગી છે. આ તરફ બ્રિટનમાં સામાન્ય જીવનશૈલી મેનેજ કરવાની કિંમત આસમાને પહોંચી છે  તેવામાં ઋષિ સુનકે ટેક્સમાં ધરખમ વધારો કર્યો. પોતે એક્સચેકરના ચાન્સેલર છે, લાખોપતિ છે અને  સામાન્ય લોકોની હાલાકીને ગણતરીમાં લેતા ચૂકી ગયા એમાં સુનકની પૉપ્યુલારિટીનો પારો ધમ દઇને નીચે પછડાયો.  એમાં પાછું એ વાત પણ ઉઘાડી થઇ કે ઋષિ સુનકની પત્ની અનુષ્કા મૂર્તિ કરચોરી કરે છે અને ટ્રેઝરીના પેમેન્ટ્સ પર લાખો પાઉન્ડ્ઝ બચાવે છે, તે પોતાની વિદેશી કમાણી પર UKમાં ટેક્સ નથી ભરતી. જો કે તે UKમાં નોન ડોમિસાઇલ સ્ટેટસ પર રહે છે અને માટે તે ત્યાં ટેક્સ નથી ભરતી તેવું બ્રિટિશ અખબારોમાં કહેવાયું છે. એક બાજુ પતિ નાગરિકો પર કરનો બોજો નાખે છે તો બીજી બાજુ પત્ની પોતાની ટેક્સ ભરવાની જવાબદારીમાંથી છટકે છે.  બ્રિટનના રાજકીય માહોલમાં ઋષિની છબી ખરડાઇ છે અને વિરોધ પક્ષના તેને દંભી ગણાવી રહ્યાં છે.  જો કે સુનેકે પોતે અખબારમાં એવી વાત કરી કે તેની પત્નીએ કંઇ ખોટું નથી કર્યું.

ઋષિ સુનકની ભવ્યતા, તેમની પહોંચ, તેમની આવડત તમામને ખોબલે ખોબલા વખાણ મળ્યા હતા, તે કોઇ સેલિબ્રિટીથી કમ દરજ્જો નહોતા માણતા. પણ છેલ્લા એક મહિનાથી લોકોએ તેમની પર ઓળઘોળ થવાનું બંધ કરી દીધું છે અને તેમની સામે સતત સવાલો થઇ રહ્યા છે.  પત્નીની કરચોરી, ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હોવા છતાં ઋષિ પાસે USAનું ગ્રીન કાર્ડ છે. વળી બ્રિટન જ્યારે કોવિડમાં આકરા બંધનો પાળતો હતો ત્યારે ઋષિ સુનક બોરિસ જ્હોન્સનની ચર્ચાસ્પદ અને વખોડાયેલી પાર્ટીમાં પણ હાજર હતા.  વળી આ પાર્ટીમાં હાજરી અંગે જ્યારે તેમને સવાલ કરાયા ત્યારે તેણે આરામથી જુઠાણું ચલાવ્યું કે તે કોઇ પાર્ટીમાં હાજર રહ્યા જ નહોતા. બોરિસ જ્હોન્સનની માફક તેમણે પણ ગપગોળા ચલાવ્યા. તેમાં પણ ઋષિની કિંમત થઇ ગઇ.  ડાઉન્ડિંગ સ્ટ્રીટ નંબર ૧૦ માટેના ઉમેદવાર તરીકે ઋષિ સુનકને જોવા હવે ત્યાંના નાગરિકો માટે શક્ય નથી.

ઋષિ સુનકે શેડો બેંકિંગમાં સારું એવું કામ કર્યું છે, તેના 10 મિલિયન પાઉન્ડ પોર્ટફોલિયો ઑફ હાઉસિઝ, એન્ટિ લૉકડાઉન નીતિઓ આ બધી બાબતો પર લોકોએ પ્રશ્ન નહોતા ઉઠાવ્યા. નારાયણ મૂર્તિની દીકરીને પરણેલા ઋષિના આવા દમદાર અને દળદાર પરિવારમાં લગ્ન અંગે પણ બ્રિટિશ પ્રેસમાં ચર્ચાઓ નહોતી થઇ. પરંતુ બીજા માટેના નિયમોને વખારે નાખ્યા અને ઋષિ સુનકે કાયદા તોડવામાં પાછું વળીને ન જોયું. એમાં પાછું તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ તો ઇંગ્લેંડનાં રાણી કરતાય વધુ તવંગર છે,ના સમાચાર પછી તો ઋષિ પ્રત્યેનો અણગમો વધતો ચાલ્યો. એક સમયે મતદારોના લાડકા સુનક હવે આંખના કણાની જેમ લોકોને ત્યાં ખૂંચે છે. ઋષિ પોતાની પબ્લિક ઇમેજને લઇને બહુ જ તકેદારી રાખે છે, તે ઇન્સ્ટાગ્રામ પોલિટિશ્યન તરીકે જાણીતા છે.

જો કે કહેવાવાળા એમ પણ કહે છે કે ઋષિ સુનક એવો પહેલો માણસ હતો જે નોન વ્હાઇટ હોવા છતાં બ્રિટનનો વડા પ્રધાન બની શકત, તેની આવડત અને તેની પહોંચ બ્રિટિશરોને ખૂંચી ગઇ અને માટે દૂધમાંથી પોરા કાઢવામાં આવ્યા. સુનક તવંગર છે તેની ના નહીં, પણ તે કંઇ બ્રિટનના સૌથી ધનિક સાંસદ નથી. જનરલ પ્રેક્ટિશનર પિતા અને ફાર્માસિસ્ટ માતાના દીકરા સુનકે પોતાને બ્રિટિશ રાજકીય તંત્રમાં ટોચ પર પહોંચાડવા માટે ખાસ્સી મહેનત કરી છે. ઋષિ જ્યારે વિન્ચેસ્ટરમાં ભણતા ત્યારે પહેલી વાર એક ભારતીય મૂળનો છોકરો ત્યાં હેડ બૉય બન્યો હતો. તેમણે ઑક્સફર્ડ અને સ્ટેનફોર્ડમાં ઉચ્ચ શિક્ષણ લીધું છે અને હેજ ફંડ મેનેજર તરીકે ભારે સફળતા મેળવી છે. આ ઉચ્ચ સંસ્થાનોમાં તેમને ભણવા મળ્યું તે પહેલાં તેમણે લંડનની હૉટલમાં વેઇટર તરીકે પણ કામ કર્યું છે. ઋષિની સફળતા અંગ્રેજોને પચી નથી એવો પણ એક મત છે. આ મામલે આપણે દ્વારકા નાથ ટાગોર જેને અંગ્રેજો પ્રિન્સ ઑફ બેંગાલ કહેતા તેમને યાદ કરવા પડે. અંગ્રેજો સાથે ધંધાની ભાગીદારી કર્યા બાદ પણ તેમને બ્રિટિશ કૉલોની એવા કલકત્તાની બેંગાલ ક્લબમાં મેમ્બરશીપ નહોતી મળી.

સુનક પોતાને બ્રિટિશ તરીકે જ ઓળખાવે છે, તે ભારતીય ઓછા બ્રિટીશ વધારે છે અને આ વાત તેમણે ઘણી વાર લંબાણથી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે.  રંગભેદ અને સામ્રાજ્યવાદને કારણે આકરી ઓળખાણ બનાવનારા બ્રિટનમાં ઋષિએ કાઠું કાઢ્યું છે તે બદલાયેલા બ્રિટનની સાબિતી પણ છે. જો કે ઋષિ સુનાકનું રેટિંગ અત્યારે ભોંયતળિયે છે. તેમણે અનરિઝર્વ્ડ માફી પણ જાહેર કરી છે અને સ્કોટલેન્ડ યાર્ડે (બ્રિટિશ પોલીસ) તેમની પર પાર્ટી અટેન્ડ કરવા બદલ ફટકારેલો દંડ પણ ભર્યો છે.  ઋષિ સુનકે પોતાની સત્તાનો ગેરલાભ લીધો છે તે પ્રત્યે અંગ્રેજોનો રોષ સાચો કે પછી રંગભેદી માનસિકતા અહીં પણ વાતનું વતેસર કરે છે તે વખત આવ્યે ખબર પડશે. આપણે અહીં બેઠા, “ઋષિ તો આપણો કહેવાય” કરવાની લાલચ ટાળવી રહી.

બાય ધ વેઃ
ગ્રીક માયથોલોજીમાં ઇકારસની વાર્તા છે. એક માણસ જે જમીન પર ધડામ દઇને પછડાયો પણ તેને આટલે ઊંચે ઊડવા દેવાની જરૂર જ નહોતી. ઋષિ સુનકને મામલે આ વાર્તા કદાચ સારી પેઠે બંધ બેસે છે. આ ચાલી રહ્યું છે તે દરમિયાન સૉફ્ટવેર જાયન્ટ ઇન્ફોસિસે રશિયામાં કામગીરી બંધ કરી છે. બ્રિટનની હાલની સરકારના વર્તન અંગે લોકોના મનમાં એક ચોક્કસ વાત છે કે આ સરકાર પોતાના લાભ પહેલાં ખાટે છે અને તેમાં બીજાઓને થતા નુકસાન કે બીજાઓએ આપવા પડતા બલિદાનની તેમને કોઇ પરવા નથી હોતી. સ્વકેન્દ્રી સરકાર કોઇ પણ નાગિરકોને પચે નહીં તે સ્વાભાવિક છે. જો કે અંગ્રેજોની ગુલામી વેઠનારા આપણા દેશને પણ આ હકીકત પોતાના મામલે હજી ગળે ઊતરતી નથી.

Most Popular

To Top