સૌને ક્યારેક ને ક્યારેક અનુભવ થયો હોય છે કે મોટા થિયેટરોમાં ચાલુ શોએ પાવર જાય ત્યારે નવરા પડેલા પ્રેક્ષકો “લક્ક્ડખોદ”ની ભૂમિકા ભજવે છે. મતલબ તેઓ ખુરશી પર જડેલા પીલોમાંથી સ્પોંજ (વાદળી) કાઢવાની બેહૂદા હરકત કરે છે. (શક્ય છે એ પ્રેક્ષક મળસ્કે પાંચ વાગ્યે ઊઠીને માળા કરતો હોય. આપણી ધાર્મિક્તા કુનીતિની વિરોધી નથી) આવા પ્રેક્ષકો હોય ત્યાં થિયેટરોમાં અમુક વર્ષો બાદ પેલા “લક્ક્ડખોદો”ની કૃપાથી ખુરશી પર જડેલો બધો પીલો ગાયબ થઈ જાય છે. એક વાર કોલેજના 8-10 વિદ્યાર્થીઓ સવારના શોમાં ફિલ્મ જોવા ગયા. અંદર જોયું તો તેમની ખુરશી પરથી પીલો ગાયબ હતો. બધા મેનેજરની કેબિનમાં હલ્લો લઈ ગયા અને મેનેજર સાથે મોટો ઝઘડો કર્યો. દોસ્તો, વાત આપણા બુદ્ધિબધિર ભારતીય પ્રેક્ષકોની છે.
વિદેશમાં પણ લોકો દારૂ પીએ છે પણ ત્યાં વ્યવહારમાં સમજદારીની સામેલગીરી હોય છે તેથી ખુરશી પર પીલો અકબંધ રહે છે. બચુભાઈ કહે છે: ‘આપણે ત્યાં નાહક લોકો દારૂને બદનામ કરે છે. સાચી વાત એ છે કે દિમાગની ખુરશી પરથી અક્કલનો પીલો નીકળી ગયો હોય ત્યાં આવું જ થઈ શકે. જાહેર શૌચાલયમાં લોકો પાન ખાઈને પીચકારી મારે છે. પાઈપ લાઈન ચોકઅપ થઈ જાય છે એથી પાણી જતું નથી. જાહેર વૉશરૂમ, ટોયલેટ વગેરે ઉભરાતા હોવાથી ગંદકી ફેલાય છે. પાનની પીચકારીઓ તો ખરી જ પણ થિયેટરોમાં કે હૉલમાં માવાના પાઉચ વગેરે પણ વિખરાયેલા પડ્યા હોય છે. લોકોને માવો ખાઈને થિયેટરોમાં નીચે થૂંકવાની આદત હોય છે, તેથી આજુબાજુની જગ્યા ગંદી થાય છે અને ખુરશી પર પણ થૂંક ઊડે છે, તેથી બીજાનાં કપડાં પર ડાઘા પડે છે.
થિયેટરોમાં ધૂમ્રપાન કરવું નહીં અથવા પાનમાવો ખાઈને ગમે ત્યાં થૂંકવું નહીં એવા બોર્ડ મારવામાં આવે છે પણ ક્યારેક તો એ બોર્ડ પર જ લોકો થૂંકતા હોય છે. એ બોર્ડને લોકો પાનની પીચકારીથી એવું ગંદું કરી મૂકે છે કે બોર્ડ પર શું લખ્યું છે તે વાંચી શકાતું નથી. આપણે ત્યાં બીજી તકલીફ એ હોય છે કે આગલી સીટવાળાનું માથુ પાછળવાળાને નડતું હોય છે. આવું એટલા માટે થાય છે કે થિયેટર બંધાય ત્યારે તેમાં ખુરશીઓ ફીટ કરતા પૂર્વે તેનું ઠીક રીતે એલાયમેન્ટ થવું જોઈએ તે થયું હોતું નથી. એથી પાછળ બેઠેલા માણસને આગળવાળાનું માથુ નડે છે. આવું થાય ત્યારે પાછળવાળાએ આગળવાળાને વારંવાર કહેતા રહેવું પડે છે: ‘ભાઈ, જરા માથું નીચું રાખજો મને દેખાતું નથી. (જરા વિચારો, અઢી- ત્રણ કલાક સુધી કોઈ માણસ માથું નીચું કરીને કેવી રીતે બેસી શકે?) એથી ઘણી વાર પ્રેક્ષકો વચ્ચે એ મુદ્દા પર ઉગ્ર ચડભડ થાય છે. થિયેટરના માલિકોએ પ્રેક્ષકોની આવી હાલાકી પર ધ્યાન આપવું જોઈએ. સરકારે પણ વારંવાર થિયેટરોનું ચેકીંગ કરવું જોઈએ. ખામીયુક્ત થિયેટરોને નોટિસ આપવી જોઈએ અને બને તો તેમનું લાયસન્સ રદ કરવું જોઈએ.
પરંતુ સરકારને મનોરંજન કર ઉઘરાવવામાં જેટલો રસ છે તેટલો લોકોને પડતી હાલાકી દૂર કરવામાં હોતો નથી. હાસ્યલેખક વિનોદ ભટ્ટે એક વાર કહેલું: ‘ફિલ્મોની સફળતાનો આધાર માત્ર તેના લેખક, દિગ્દર્શક પર જ નથી હોતો, થિયેટરો અને તેના સંચાલકો પર પણ હોય છે. સ્ટોરી નબળી હોય તો લોકો માંડ સહી લે છે પણ ખુરશી નબળી હોય તો તેને ત્રણ કલાક વેઠી શકાતી નથી..! પથારી સારી ન હોય તો નિદ્રાનો આનંદ નથી આવતો તેમ ખુરશી ખખડધજ હોય તો બેસ્ટ ફિલ્મ પણ વેસ્ટ લાગે છે..!’ કેટલાંક થિયેટરોમાં પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મળનો જળસંસ્કાર થતો નથી. એવા સંડાસમાં બેસનાર ક્ષણભર એવું વિચારે છે કે પેટની દુર્ગંધ ભલે થોડી વધુ વાર ત્યાં રહેતી પણ આ જાજરુની દુર્ગંધ સહન થઈ શકતી નથી..! વિદેશોમાં થિયેટરોમાં જરીકે ગંદકી હોતી નથી. ગંદકી હોય તો માલિકને ખાસ્સી એવી મોટી રકમનો દંડ કરવામાં આવે છે. ત્યાંના ટોયલેટ, વૉશરૂમ સ્વચ્છ હોય છતાં તેમાં નિયમિત એરપ્યોરિફાયર મૂકવામાં આવે છે. જંતુનાશક દવાઓ પણ છાંટવામાં આવે છે. આપણે ત્યાં થિયેટરો ઉકરડા જેવાં ગંદા અને લોકો ગંદકીપ્રૂફ હોય છે.
ધૂપછાંવ
એક શહેરમાં મ્યુનિસિપાલીટીના બહુમાળી મકાનમાં બે દાદર વચ્ચે જે ખૂણો પડે ત્યાં લોકોએ પાનની પીચકારી મારીને દીવાલ ગંદી કરી મૂકી હતી. થોડાક બૌદ્ધિકોએ ઉપાય વિચાર્યો કે દાદરના દરેક ખૂણામાં ભગવાનના ફોટા ચોંટાડીએ તો લોકો ઈશ્વરની આમન્યા રાખીને થૂંકવાનું ટાળશે અને નક્કી થયા મુજબ ફોટા ચોંટાડવામાં આવ્યા પણ અઠવાડિયામાં જ જોવા મળ્યું કે દરેક ફોટો લોકોના થૂંકથી લથબથ થઈ ગયો હતો. કયા ભગવાનનો ફોટો હતો તે પણ જાણી શકાતું ન હતું. તાત્પર્ય એટલું જ કે લોકો ભગવાનના ફોટાની આમન્યા ન રાખતા હોય તો ટોયલેટના ટબની શી રીતે રાખે?