સંતરામપુર : મહિસાગર જીલ્લાના કડાણા તાલુકામાં ટ્રાયબલ સબપ્લાન હેઠળની વિવિધ હેડ હેઠળની ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ પંચાયતોને અન્યાય થયેલાની અને ફાળવણીમાં ભેદભાવ રખાયાની હકીકતો બહાર આવતા સરપંચો અને કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠેલી જોવા મળી રહી છે. આ ગ્રાન્ટ પૈકી દસ ટકાની રાજય કક્ષાની વરસ 2021-22ની ગ્રાન્ટ હેઠળના કામો આ વિસ્તારના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર દ્વારા ફાળવવામાં આવી છે. તેમાં વ્હાલા દવલાની નીતિ રખાયેલી હોવાનું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ આદિવાસી વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતોને તેથી અન્યાય થયાનું બહાર આવતા કડાણા તાલુકામાં રાજકીય રીતે અને આ વિસ્તારના લોકોમાં અને સરપંચોમાં ભારે અસંતોષ જોવાં મળી રહ્યો છે.
આ યોજના હેઠળ કડાણા તાલુકાની માત્ર ત્રણ ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો જેવા કે રસ્તા, પેવર બ્લોકના કામો માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરાતા આવી અસમાનતા ભરેલી ગ્રાન્ટની ફાળવણી સામે ભારે વિરોધ આ વિસ્તારના વિવિધ સરપંચોએ ભેગા મળીને કડાણા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને દર્શાવેલા જોવાં મળતો હતો. કડાણા તાલુકામાં વર્ષ 2021-22માં દસ ટકા રાજ્ય કક્ષાના કામોની ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ કડાણા તાલુકામાં બચકરીયા (ઉ) ગ્રામ પંચાયતમાં 20 લાખ અને ભુલ ગ્રામ પંચાયતમાં 20 લાખને મહાપુર ગ્રામ પંચાયતમાં દસ લાખની ગ્રાન્ટ રસ્તા, પેવર બ્લોકના કામો માટે ફાળવવામાં આવ્યાં છે.
આમ આ ગ્રાન્ટની ફાળવણીમાં ભેદભાવ ભરેલી નીતિરીતિ રખાતા અને અમુક માનીતી ગ્રામ પંચાયતને જ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા અન્ય ગ્રામ પંચાયતોને અન્યાય કરાતાં તેના ઘેરા પ્રત્યાઘાત કડાણા તાલુકામાં રાજકીય રીતે પણ પડ્યાં છે. ટીએસપીની ગ્રાન્ટ ફાળવવાના નિયત ધારા ધોરણોને તે માટેની જરુરી ગાઇડલાઇનને નોમ્સ હોવા છતાં પણ તે મુજબ આ ગ્રાન્ટની ફાળવણી નહીં કરાતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ કામગીરીમાં પક્ષાપક્ષી, મનમાની અને મનસ્વી રીતે અને ભેદભાવ રાખીને ગ્રાન્ટની ફાળવણી મહિસાગર જિલ્લામાં કરાતી હોવાનો અહેસાસ સરપંચો અને જીલ્લા પંચાયતના સભ્યો, ગ્રામજનો, રાજકીય ક્ષેત્રે પણ ભારે ચર્ચાનો વિષય બનાવ્યો છે.
ગ્રામ પંચાયતો દ્વારા ટીએસપી હેઠળના કામોનું આયોજન કરવામાં દર વર્ષે ઠરાવ કરાય છે અને તે ઠરાવો તાલુકાની સમિતિમાં પણ લેવાય છે. તેમ છતા પણ તે ઠરાવો અને કોઈ મહત્વ અપાતું જોવા મળતું નથી. આદિવાસી ગામોને આદિવાસી વિસ્તારના વિકાસ માટેની આ ટ્રાયબલ સબ પ્લાન વિભાગની ગ્રાન્ટમાં ભાગ બટાઈ કરીને કામો વહેંચી લેવાતાં હોવાનું જોવા મળી રહ્યું છે. આટીએસપીની ગ્રાન્ટ આદિવાસી વિસ્તાર, આદિવાસી ગામો, આદિવાસી માટેની હોવા છતાં પણ આ આ ગ્રાન્ટની ફાળવણી જે આદિવાસી નથી તેવાને પણ ફળવાતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ જિલ્લામાં ફળવાયેલી ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયાની પણ ઉચ્ચસ્તરીય તપાસ કરાય અને જે ભુલ, બચકરીયા અને મહાપુર ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ફળવાયેલી તમામ પ્રકારની ગ્રાન્ટ હેઠળ થયેલા તમામ કામોની છેલ્લા પાંચ વર્ષની રાજય સરકાર દ્વારા તપાસ કરાય તો કેટલીક ચોંકાવનારી હકીકતો એને ગેરરીતિઓ બહાર આવે તેમ જોવા મળે છે.