સુરત : કતારગામમાં (Katargam) અંકુર વિદ્યાલયની સામે આવેલી જગ્યાને બોગસ કબજા રસીદ અને પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર (Father-Son) તેમજ કબજા રસીદ લખી આપનારની સામે લેન્ડ (Land) ગ્રેબિંગની ફરિયાદ (Complaint) નોંધાઇ હતી. તેઓએ જગ્યા ઉપર પતરાના શેડ બનાવીને મારબલ અને કોટા-સ્ટોનનો વેપાર (Trade) શરૂ કરી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરની સામે ગોપીનાથ સોસાયટીની સામે પાર્વતીનગર સોસાયટીમાં રહેતા રમાબેન જમનભાઈ માધાણી (ઉ.વ.૫૫) અને તેમના પરિવારની માલિકીની જગ્યા કતારગામની અંકુર વિદ્યાલયની સામે આવેલી છે. આ જગ્યા રમાબેનએ મુળ જમીન માલિક ગણપતભાઇ પાસેથી ખરીદ કરી હતી, જગ્યાની ઉપર રમાબેનના પતિ જમનભાઇનું નામ રેવન્યુ રેકર્ડ ઉપર નોંધાયું હતું. સને-2008માં જમનભાઇનું અવસાન થયા બાદ રમાબેન અને તેમનો પુત્ર મંથીલ જમીનના માલિક બન્યા હતા અને વારસાઇ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા તેઓએ જમીન ઉપર જઇને જોયુ ત્યાં ક્રિષ્ના મારબલના નામથી ઇશ્વરભાઇ છગનભાઇ ડાભી, તેનો પુત્ર હસમુખએ કબજો જમાવીને ત્યાં વેપાર શરૂ કરી દીધો હતો. આ બાબતે રમાબેનએ ઇશ્વરભાઇને જમીન ખાલી કરી દેવા માટે કહેતા તેઓએ કહ્યું કે, આ જગ્યા અમે મુળ જમીન માલિકોની પાસેથી સને-2001માં ખરીદ કરી છે. આ માટે તેઓએ પાવર ઓફ એર્ટની તેમજ પ્રવિણ ખીમજીભાઇ ગોહિલે લખી આપેલી કબજા રસીદ રજૂ કરી હતી. પરંતુ સને-2000માં જ જમીનના મુળ પાવરદાર પરસોત્તમભાઇ મગનભાઇ પટેલ ગુજરી ગયા હતા અને પ્રવિણભાઇ ગોહિલે બોગસ કબજા રસીદ ઊભી કરીને જમીન વેચી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે રમાબેનએ વકીલ ચંદ્રેશ પીપલીયા મારફતે જિલ્લા કલેક્ટરમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે અરજી કરી હતી. કલેક્ટરના આદેશ બાદ કતારગામ પોલીસે ઇશ્વર ડાભી, તેનો પુત્ર હસમુખ ડાભી અને બોગસ કબજા રસીદ બનાવનાર પ્રવિણ ગોહિલની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
મહિધરપુરામાં હીરા વેપારી સાથે રૂપિયા 18.75 લાખની ઠગાઈ
સુરત : 15 દિવસમાં જ વેપારીને પેમેન્ટ આપી દેવાનું કહીને આંગડીયા પેઢી મારફતે 20 લાખથી વધુનો હીરાનો માલ મંગાવી માત્ર 1.42 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના 18.75 લાખ નહીં ચૂકવીને ઠગાઇ કરાતા વેપારી સામે પોલીસમાં ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ ઘનમોરા ચાર રસ્તા નજીક દાનઆશિષ સોસાયટીમાં રહેતા નિલેશ ભીમજીભાઈ કાકલોતર (ઉ.વ.૩૨) મહિધરપુરામાં જદાખાડીમાં ભાગીદારની સાથે હીરાનો વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત સરથાણાના વાલક પાટીયા પાસે અયોધ્યાપુરી સોસાયટીમાં રહેતા હસમુખ પુનાભાઇ ગોંડલીયાની સાથે થઇ હતી. હસમુખભાઇએ ફેબ્રુઆરી-2020માં રૂા. 20.17 લાખનો હીરાનો માલ ખરીદ્યો હતો અને આ માલ વિક્રમ આંગડીયા પેઢી મારફતે મુંબઇની બી.કે.સી. બાંદ્રા ઓફિસે મોકલાવ્યો હતો. આ પેમેન્ટ પૈકી હસમુખભાઇએ રૂા.1.42 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના રૂા.18.75 લાખ આપ્યા ન હતા. વારંવાર પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવતા વેપારી હસમુખભાઇની સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.