દમણ: સંઘપ્રદેશ દમણમાં (Daman) ભરઉનાળે પીવાના પાણીની (Drinking Water) બૂમરાણ મચી જવા પામી છે. છેલ્લા પાંચ દિવસથી પીવાલાયક પાણી સ્થાનિક રહીશોના નળમાં નહીં આવતા લોકો આકરા તાપમાં ઉભા રહી ટેન્કર (Tanker) મારફતે પાણીની જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે. દમણમાં છેલ્લા 4 થી 5 દિવસથી પીવાનું પાણી નળ કનેક્શન મારફતે નહીં મળતાં આકરા તાપ વચ્ચે લોકોએ લાઈન (Line) લગાવી ટેન્કર દ્વારા પાણી લેવાની ફરજ પડી રહી છે. જે પ્રભાવિત વિસ્તાર છે એમાં ભીમપોર, કડૈયા, દુનેઠા અને પાલિકા વિસ્તાર એવા મશાલ ચોક અને ખારીવાડમાં સમસ્યા વિકટ બની રહી છે. પાણીની સમસ્યાનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) પણ વાયરલ થયો હતો. જેને કારણે જવાબદાર તંત્રએ તાત્કાલિક ખારીવાડમાં ટેન્કર મારફતે પાણી પહોંચતું કર્યું હતું ત્યારે આ બાબતે સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે નગર પાલિકા અને પીડબલ્યુડી વિભાગમાં પણ પાણી નળમાં આવતું ન હોવા અંગેની જાણકારી આપી હતી, પરંતુ તેમ છતાં હજુ સુધી આ અંગે કોઈ ઉકેલ આવ્યો નથી.
સમસ્યા સાંભળવાવાળું કોઈ નથી
પાણીની સમસ્યાથી પીડાયેલા ખારીવાડના અમર-અકબર-એન્થની એપાર્ટમેન્ટ તથા આસપાસની મુસ્લિમ મહિલાઓ પૈકી જીનત બીબી અને નિદા મોહમ્મદે જણાવ્યુ હતું કે, છેલ્લા 5 – 6 દિવસથી પાણી નથી મળી રહ્યું. એક તરફ રમઝાન મહિનો ચાલી રહ્યો હોય અને રોઝા રાખ્યા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં પૈસા ખર્ચી ટેન્કર બોલાવી પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છીએ. જે પાણી પણ પર્યાપ્ત માત્રા પૂરું પડી નથી રહ્યું. આ બાબતે પાલિકા અને પીડબલ્યુડીમાં પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ સાંભળવાવાળું નથી એવો આક્ષેપ પણ મહિલાઓ કરતી જોવા મળી છે. ત્યારે પાણીની સમસ્યાથી ઝઝૂમતા લોકોને તાત્કાલિક રાબેતા મુજબ પાણી પૂરું પાડવામાં આવે એવી માંગ લોકો કરી રહ્યા છે.
મધુબન ડેમથી આવતી પાણીની લાઈનનું દાદરામાં ભંગાણ
સમગ્ર મામલે દમણ પીડબલ્યુડી વિભાગનાં વોટર સપ્લાયના આસી.ઈજનેર સંજય દેસાઈએ જણાવ્યું કે, દા.ન.હ.ના મધુબન ડેમથી ઓઆઈડીસીની જે પાણીની લાઈન દમણ આવે છે, તેનું દાદરા પાસે 2 જગ્યાએ બ્રેક ડાઉન થયું છે. જેને લઈ દુનેઠાનું તળાવ ખાલી થઈ જતાં આ સમસ્યા ઉદભવી છે.
દુનેઠાનું તળાવ ખાલી, ભરાયા પછી પાણીનો સપ્લાય રાબેતા મુજબ શરૂ કરાશે
પહેલા અઢીથી ત્રણ કલાક 2 ટાઈમ પાણી આપવામાં આવતું હતું. અત્યારે આ સમસ્યાને લઈ 1 કલાક અને એક ટાઈમ જ પાણીનો સપ્લાય અપાય છે. જે માટે ડાભેલના તળાવમાંથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, ભીમપોર અને કડૈયા વિસ્તારમાં ટેન્કર થકી પાણીનો સપ્લાય આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ઓઆઈડીસી દ્વારા દાદરામાં જે જગ્યાએ પાણીની લાઈનનું બ્રેક ડાઉન થયું છે, એનું રિપેરીંગ કાર્ય એક દિવસમાં પુરું કર્યા બાદ દુનેઠાનું તળાવ ભરાયા પછી પાણીનો સપ્લાય રાબેતા મુજબ શરૂ કરાશે.