કામરેજ: માતા-પિતા (Father-Mother) વચ્ચે ઝઘડો થતાં છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પુત્ર (Son) નાનીના ઘરે રહેતાં નાનીનું પણ અવસાન (Death) થઈ જતાં પુત્ર વેલંજા ખાતે રહેતા પિતાના ઘરે રહેવા જતાં પુત્રને પિતાએ ઘરમાં રહેવા ન દઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
રાંદેરના જીમખાના પાસે આવેલા ખાંડાકૂવા ખાતે ઉત્સવ ધર્મેશ સોલંકી રહે છે. જે સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઉત્સવની માતા હિનાબેન તેમજ પિતા ધર્મેશભાઈને ઝઘડો થતો હોવાથી ઉત્સવ નાનો હતો, ત્યારે 16-8-2010ના રોજ માતા-પિતાનાં છૂટાછેડા થઈ ગયા હતા. ઉત્સવ માતા સાથે નાનીના ઘરે સુરત ખાતે રહેવા માટે જતો રહ્યો હતો. થોડા સમય બાદ માતા હિનાબેન પણ જતાં રહેતાં નાની હંસાબેન સાથે રહેતો હતો. પિતાએ પણ બીજાં લગ્ન કરી લીધાં હતાં. ઉત્સવનો અભ્યાસનો ખર્ચ પણ નાની આપતાં હતાં. 2020માં ઉત્સવના નાની હંસાબેનનું કોરોનામાં અવસાન થતાં ઉત્સવના આગળના અભ્યાસની ફી ભરી ન શકતાં એન્જિનિયરિંગનો બીજા વર્ષથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.
ગુરુવારે કામરેજના વેલંજા ખાતે માહ્યાવંશી ફળિયામાં રહેતા પિતાના ઘરે રહેવા માટે સવારે 10.30 જતાં પિતાએ પુત્રને ઘરમાં આવવા દીધો ન હતો. ઘરનો દરવાજો બંધ કરી દેતાં ડોરબેલ વારંવાર વગાડતાં પિતાએ એકદમ ઉશ્કેરાઈ જઈ દરવાજો ખોલી પુત્રને માર માર્યો હતો અને તું જો મારા ઘરે આવીશ તો તારા હાથ ટાંટિયાં તોડી નાંખીશ અને મારી નાંખવાની ધમકી આપી ઘરમાં રહેવા ન દેતાં પુત્રએ કામરેજ પોલીસમથકમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
ઝરપણીયામાં જૂની અદાવતમાં એક શખ્સ ઉપર પિતા-પુત્રનો હુમલો
ભરૂચ: વાલિયાના ઝરપાણીયા ગામે શખ્સના માથામાં પિતા-પુત્રએ જૂની અદાવતે લોખંડનો સળિયો માર્યો હતો. વાલિયાના ઝરપાણીયા ગામે ૪૮ વર્ષનો સુમન બોડિયા વસાવા ઝઘડિયા GIDCમાં કોસ્ટિક કંપનીમાં મજૂરી કામ કરે છે. તા.૧૪-૪-૨૦૨૨ના રોજ સવારે છએક કંપની પર જતી વખતે ગામના મેહુલ અશ્વિન વસાવા અને તેના પિતા અશ્વિન પ્રભુ વસાવા રોકી રાખ્યા હતા. જો કે, બંને જણાને બે-ત્રણ મહિના પરની બોલાચાલીની રીસ રાખીને મેહુલ વસાવાએ લોખંડનો સળિયો સુમન વસાવાના માથામાં જોરદાર રીતે માર્યો હતો. તેના પિતા અશ્વિન વસાવા મારામારી કરીને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત સુમનભાઈના માથામાં ટાંકા વાલિયા CHCમાં લીધા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાલિયા પોલીસમાં પિતા-પુત્ર સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો.